Gujarat

વિશ્વની ટોપ થ્રી ઇકોનોમીમાં સ્થાન મેળવવાના લક્ષ્યાંક સાથે ભારત વધી રહ્યું છે આગળ : અશ્વિની વૈષ્ણવ

ગાંધીનગર : કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ તથા ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી (આઈટી) મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnava) સેમિકોન ઇન્ડિયા -2023 માં હાજરી આપી હતી. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશની વિકાસયાત્રાનો આજે સીમાચિહ્નરૂપ દિવસ છે. દેશના પીએમ નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રોમાં સર્વોચ્ચ વિકાસ કરી રહ્યા છે અને આજે આપણે સૌ તેનું પરિણામ જોઈ રહ્યા છીએ. પીએમ મોદીના (PM Modi) નેતૃત્વ હેઠળ ભારત દેશ સૌથી મોટા અર્થતંત્રમાં દસમા સ્થાનેથી પાંચમા ક્રમે આવી ગયો છે અને વિશ્વની (world) ટોપ ૩ સર્વોચ્ચ ઇકોનોમીમાં (Economy) સ્થાન મેળવવાના લક્ષ્યાંક સાથે હાલ મક્કમતાથી ભારત આગળ વધી રહ્યું છે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે બીજી સેમિકોન ઇન્ડિયા સમિટને સંબોધન કરતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સેમીકંડક્ટર ઇન્ડસ્ટ્રીને મધર ઇન્ડસ્ટ્રી માનવામાં આવે છે. કેમ કે નાનામાં નાના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી માંડીને મોટામાં મોટા એરોપ્લેન સુધીના ઉત્પાદનમાં સેમીકંડક્ટરની જરૂર પડે છે. તમામ ઉત્પાદનોમાં જરૂરી એવા સેમીકંડક્ટર ભારતમાં જ સરળતાથી ઉપલબ્ધ બને તે માટેના સફળ પ્રયત્નો થઈ રહ્યા છે. અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે એ ટુ ઝેડ સેમીકંડક્ટર ઇકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાના લક્ષ્યાંક સાથે પીએમ મોદીએ ‘ઇન્ડિયા સેમીકંડક્ટર મિશન’ શરૂ કર્યું છે. ‘સેમિકોન ઇન્ડિયા -2023’ ભારતને ચીપ્સ- ટેકનોલોજી ક્ષેત્રે વધુને વધુ આત્મનિર્ભર બનાવશે. આજે સ્ટીલ, કેમિકલ્સ, ટેકસટાઇલ, શિક્ષણ સહિત તમામ સેક્ટરમાં ચીપ્સ પાયાની જરૂરિયાત છે. વિમાન, કાર, મોબાઈલ, ઘરમાં વપરાતા ફ્રીઝ, કૃષિ માટે ઉપયોગી ટ્રેક્ટર સહિત તમામ સાધનોમાં ચીપ્સ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે, ત્યારે પીએમ મોદીના વિઝનમાં ભારત ચીપ્સ ઉત્પાદનનું સૌથી મોટું હબ બનવા આગળ વધી રહ્યું છે.

અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું હતું કે પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા હતા. અમેરિકા અને જાપાને ભારત સાથે સેમીકંડક્ટર સપ્લાય ચેઇન ભાગીદારી માટે MoC (મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન) પર હસ્તાક્ષર કર્યાં છે. તેમાં સેમીકંડક્ટર ઉત્પાદન પ્લાન્ટ માટે માઇક્રોન, એપ્લાઇડ મટિરિયલ અને 60 હજારથી વધુ તાલીમબદ્ધ નિષ્ણાતો ઉપલબ્ધ થાય તે માટે લેમ રિસર્ચ સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. દેશની શ્રેષ્ઠ નીતિ અને તેના અમલીકરણની સરળ પદ્ધતિને પરિણામે વધુને વધુ કંપનીઓ ભારતમાં રોકાણ માટે રસ દાખવી રહી છે. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશમાં ચીપ્સ ઉત્પાદન ક્ષેત્રે પહેલ કરી છે તે પ્રશંસનીય છે. ગુજરાત સરકારની વ્યાપાર અનુકુળ નીતિને પરિણામે ગુજરાત ચીપ્સ ઉત્પાદનનું હબ બનશે.

Most Popular

To Top