Gujarat

પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ખુડવેલમાં બની રહેલો વિશાળ ડોમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

નવસારી : વડાપ્રધાન (PM) નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) આગામી 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના (Gujarat) નવસારી (Navsari) જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે યોજાનારા ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાતની દક્ષિણ પટ્ટીના જિલ્લાઓ નવસારી, સુરત, વલસાડ, ડાંગ અને તાપી, ભરૂચથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે કાર્યક્રમના (Program) સમગ્ર આયોજનની તડામાર તૈયારીઓ પ્રશાસને શરૂ કરી દીધી છે.

આ ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થનારી જંગી જનમેદનીને અગવડ ન પડે તે માટે જરૂરી તમામ પ્રકારની સવલતો સાથે મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં દરેક તાલુકા અને જિલ્લામાંથી આવનાર લોકો માટે એન્ટ્રી સુનિશ્ચિત કરેલી છે તથા જિલ્લા વાઈઝ બ્લોકમાં બેસાડવા માટે ઉચિત અને સુચારૂ વ્યવસ્થા હાથ ધરાઈ છે. સંપૂર્ણ ડોમમાં બેરિકેટ અને સાઈન બોર્ડ સાથે લાખો લોકો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ ગુજરાત ગૌરવ અભિયાનમાં વિકાસ કાર્યોની રીતસરની હેલી વરસવાની છે. જે પૈકી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનુ લોકાર્પણ થશે. આ ઉપરાંત કરોડના સંપન્ન થયેલા વિકાસ કાર્યો આદિવાસી જનતાને પ્રધાનમંત્રીના વરદ હસ્તે લોકાર્પિત થનાર છે.

જિલ્લાવાર વિભાગ પાડીને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી
ક્ષેત્રફળની રીતે વિશાળ હોવા ઉપરાંત ડૉમમાં ઉપસ્થિત રહેનારા લોકોની સુવિધાઓનો પણ તલસ્પર્શી ખ્યાલ રાખવામાં આવ્યો છે. મુખ્ય ડોમની બાજુમાં બીજા ત્રણ ડોમમાં પણ આ જ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા સાથે તૈયાર કરાઇ છે. જિલ્લાવાર વિભાગો પાડીને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ટીમ અને પાણીની પર્યાપ્ત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. જનતા અને મહાનુભાવોની સુરક્ષાની બાબતને વિશેષ અગ્રતા આપવામાં આવી છે.

સમગ્ર ડૉમ ફાયરપ્રુફ બનાવવામાં આવ્યો
ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની સુયોગ્ય વ્યવસ્થા ડૉમમાં જ ગોઠવવામાં આવી છે. વિશાળ જનમેદની હાજર રહેવાની હોય ત્યારે સલામતી અને તેમાં પણ ફાયર સેફ્ટી સૌથી અગત્યની બાબત હોય છે. આ ડૉમ ફાયર સેફ્ટીના માપદંડ ઉપર પણ ખરો ઉતરે છે. સમગ્ર ડૉમ ફાયરપ્રુફ બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં કાર્યક્રમ દરમિયાન અને કાર્યક્રમ બાદ સ્વચ્છતા જાળવી રાખવા ટીમો ચાંપતી કામગીરી કરી સંપૂર્ણ તકેદારી રાખી પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂને ગુજરાતની મુલાકાતે
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, ત્યારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની (Narendra Modi) ગુજરાત મુલાકાત પણ વધી ગઈ છે. વડાપ્રધાન આગામી ૧૦મી જૂનના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ નવસારીના (Navsari) ખુડવેલ ગામ ખાતે સમરસતા સંમેલનને સંબોધશે. અમદાવાદમાં (Ahmedabad) ઇસરોના હેડક્વાર્ટર બિલ્ડિંગનું ઉદઘાટન કરશે.

  • અમદાવાદમાં ઇસરોના IN-SPECe હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરશે
  • નવસારીના ખુડવેલ ગામે ‘સમરસતા સંમેલન’માં હાજરી આપશે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, આગામી તા.૧૦ જૂન-૨૦૨૨ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામ ખાતે સવારે ૧૦:૧૫ કલાકે ‘સમરસતા સંમેલન’ કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ૧૨:૧૫ કલાકે એ.એમ.નાઈક હેલ્થ કેર કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરશે. બપોરે ૧૨.૨૦ કલાકે નિરાલી મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમ બાદ અમદાવાદ ખાતે પહોંચીને બપોરે ૩.૪૫ કલાકે વડાપ્રધાન ઇસરો ખાતે IN-SPECe(ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top