National

ખડગેના પુત્રએ વડા પ્રધાનને ‘નાલાયક પુત્ર’ કહ્યા

કલાબુરાગી: કોંગ્રેસ (Congress) અધ્યક્ષ એમ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાનને (PM) ‘ઝેરી સાપ’ સાથે સરખાવ્યા હતા તેના થોડાક દિવસો પછી તેમના પુત્ર અને ભૂતપૂર્વ મંત્રી પ્રિયંક ખડગેએ નરેન્દ્ર મોદીને ‘નાલાયક’ કહ્યા છે. આનાથી ભાજપના (BJP) ટોચના નેતાઓ રોષે ભરાયા હતા જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે તેણે આવું નિવેદન ક્યારેય કર્યું નથી. 10 મેની વિધાનસભાની ચૂંટણીમાં કલાબુરાગી જિલ્લાના ચિત્તપુરથી ફરીથી ચૂંટણી લડી રહેલા પ્રિયંકે કહ્યું હતું કે, વડાપ્રધાને બંજારા સમુદાયના પુત્ર હોવાનો અને તેમનું ધ્યાન રાખવાનો દાવો કર્યો હતો પણ તેમણે અને તેમના પક્ષે અનુસૂચિત જાતિ માટે અનામત અંગે મૂંઝવણ ઊભી કરી હતી.

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું વિરોધી પક્ષના નેતાઓ તેમના માલિકોને (સોનિયા અને રાહુલ ગાંધીના સંદર્ભમાં) ખુશ કરવા વડા પ્રધાન વિરૂદ્ધ આવા નિવેદનો કરી રહ્યા છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું હતું, ‘ચૂંટણી હારી રહ્યા છે તેની નિરાશામાં પ્રિયંક પોતાની મર્યાદા ભૂલી ગયા છે. થોડા દિવસ પહેલાં તેમના પિતાએ પોતાના શબ્દો પાછા લીધા હતા. હવે તેમનો વારો છે. લોકો તેમને પાઠ ભણાવશે.’ જો કે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના પુત્રનો બચાવ કરતા કહ્યું, ‘ના, ના. આ વાત ખોટી છે. તેણે આવું ક્યારેય કહ્યું નથી. તેણે તે સાંસદ પર (મોદી પર નહીં) આક્રમણ કર્યા હતા જેણે તેને અપશબ્દો કહ્યા હતા. દરેક જગ્યાએ તેના સંબોધનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.’

‘જ્યારે તમે (વડા પ્રધાન નરેન્દ્ર મોદી) ગુલબર્ગા (કલાબુરાગી) આવ્યા હતા ત્યારે તમે બંજારા સમુદાયના લોકોને શું કહ્યું હતું? ‘આપ સબ લોગ ડરીએ મત. એક બંજારા કા એક બેટા દિલ્લી મેં બેઠા હૈ’, પ્રિયંકે મોદીના ભાષણને ટાંકીને કહ્યું હતું.
‘ઐસા નાલાયક બેટા બેઠા હો તો કૈસે હોગા ભાઈ? ઘર કૈસે ચલેગા?’ એમ તેમણે લોકોને સંબોધતા પૂછ્યું. તેમણે આગળ કહ્યું હતું, ‘અમે જે કહી રહ્યા છીએ તે એ છે કે તેમણે કહ્યું હતું કે તેઓ બંજારા સમુદાયના પુત્ર છે જ્યારે તેમણે અનામતને લગતી મૂંઝવણ ઊભી કરી છે. શું બંજારા સમુદાય સાથે અન્યાય નથી થયો? શિકારીપુરામાં યેદિયુરપ્પાના ઘર પર શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો? કલાબુરાગી અને જેવર્ગીમાં શા માટે બંધ પાળવામાં આવ્યો? આજે અનામત અંગે મૂંઝવણ છે.’
‘વડા પ્રધાને પોતાની અગાઉની મુલાકત વખતે કહ્યું હતું તેઓ કોળી સમુદાયના અને કબ્બાલીગા અને કુરુબા સમુદાયના પુત્ર છે. આજે તેઓ પોતાને બંજારા સમુદાયના પુત્ર ગણાવે છે’, એમ પ્રિયંકે ઉમેર્યું હતું.

Most Popular

To Top