SURAT

સુરત સિવિલ હોસ્પિટલના ગેટ પર જ સિટી બસના ડ્રાઇવરે સાઇકલ પર જતા 50 વર્ષના મૂકબધિરને ઉડાવી દીધા

સુરત: માતેલા સાંઢની જેમ શહેરના રસ્તાઓ (Road) પર દોડાવતી સિટી બસે (City Bus) આજરોજ સોમવારે વધુ એકનો ભોગ લીધો છે, આ વખતે તો સિટીબસના ચાલકે એક મૂકબધિરને ઉડાવી દીધો છે. આ બનાવ સિવિલ હોસ્પિટલના (Civil Hospital) મુખ્ય ગેટ સામે જ બન્યો છે. મૂકબધિર આધેડ સાઈકલ પર જતા હતા ત્યારે પાછળથી યમરાજ બનીને આવેલા બસના ડ્રાઇવરે ટક્કર મારી હતી. આધેડને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત (Death) નિપજ્યું હતું. આધેડને 50 ફૂટ પર આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનો પણ સમય મળ્યો ન હતો.

નવી સિવિલ હોસ્પિટલ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાનપુરા ટી એન્ડ ટીવી સ્કૂલ પાસે આવેલી દિવ્યમંગલ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ પ્રહલાદભાઈ ભેચાવ (50 વર્ષ) સાંભળી અને બોલી શકતા ન હતા. તેથી તેઓ અપરિણીત હતા. તેઓ ભાઈઓ સાથે રહેતા હતા. અપરણિત કલ્પેશભાઈ તેમના ભાઈઓ સાથે રહેતા હતા અને મિલમાં કામ કરતાં હતા. કલ્પેશભાઈ સવારે સાઇકલ પર કામ પર ગયા હતા. સાંજના ચારેક વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાની સાઇકલ પર મિલમાંથી ઘરે જઈ રહ્યા હતા દરમિયાન રીંગરોડ પર નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે પાછળથી યમરાજ બનીને આવેલા સિટી બસના ડ્રાઇવરે કલ્પેશભાઈને ટક્કર મારી હતી. કલ્પેશભાઈને ગંભીર ઇજા થઈ હતી. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

માત્ર 50 ફુટના અંતરે આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનો પણ સમય મળ્યો નહતો. અકસ્માતના બનાવ અંગે ખટોદરા પોલીસે સિટી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ આરંભી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરત સિટી બસનો એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં સિટી બસનો ચાલક ફૂલ સ્પીડમાં રોંગ સાઈડમાં બસ ચલાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો પાલિકાના સિટી બસ સેવાની સામે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top