SURAT

ખુદ રેલવે મંત્રીના શહેરમાં જ પ્લેટફોર્મ ટિકિટના સૌથી વધુ ભાવ : ચેમ્બર ઓફ કોમર્સેનો પણ વિરોધ

સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat railway station) ખાતે પ્લેટફોર્મ ટિકિટ (Platform ticket)નો ભાવ 50 રૂપિયા રાખવામાં આવતા ભારે વિવાદ થયો છે. દેશમાં વેસ્ટર્ન રેલવે (Western railway) અને સેન્ટ્રલ રેલવેમાં તમામ ડિવિઝનમાં જ્યારે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 30 રૂપિયા છે ત્યારે સુરતમાં આ ભાવ સૌથી વધારે 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. જેના વિરોધમાં શહેરમાં તમામ ડીઆરયુસીસી મેમ્બર અને ઝેડઆરયુસીસી મેમ્બરોએ રેલવે ડીઆરએમ (Railway DRM)ને ફરિયાદ કરી છે. આ મામલે રેલવે એઆરઓ દિનેશ વર્માએ જણાવ્યું હતું કે આજથી રેલવે પ્લેટફોર્મ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેમાં રેલવે ડીઆરએમ ઓફિસ દ્વારા તેઓને જે આદેશ આપવામાં આવ્યો છે તે આદેશનું તેઓ દ્વારા પાલન કરવામાં આવ્યું છે. આ મામલે તેઓ વધારે કાંઇ કહી શકે તેમ નથી.

દોઢ ડાહ્યા રેલવે ઝેડઆરયુસીસી મેમ્બર દ્વારા અગાઉ પ્લેટફોર્મ ટિકિટના દર 50 રૂપિયા રાખવા રજૂઆત કરાઈ હતી

સુરતમાં એક દોઢ ડાહ્યા ઝેડઆરયુસીસી મેમ્બર દ્વારા રેલવે ડીઆરએમને અગાઉ લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ 50 રૂપિયા રાખવામાં આવે. જેથી કોવિડમાં લોકોનો ધસારો ટાળી શકાય. હાલમાં આ મામલો વિવાદમાં છે. અલબત આ મામલે કોઇ સતાવાર સમર્થન મળ્યું નથી.

પ્લેટફોર્મ ટિકીટનો ભાવ 30 રૂપિયા કરી દેવાશે: રેલવે મંત્રી દર્શના જરદોષ

દર્શના જરદોષ દેશના રેલવે મંત્રી બનતા જ દેશમાં સૌથી વધારે રેલવે ટિકિટના દર સુરતમાં રાખવામાં આવતા મોટો વિવાદ થયો છે. આ વિવાદમાં સાંસદ મીનીસ્ટર બન્યા તે પહેલા આ નિર્ણય લેવાઇ ચૂકયો હતો. અલબત વગર કારણે સાંસદ દર્શના જરદોષ દોડતા થઇ ગયા છે. આ મામલે તેઓના પીએ દ્વારા એવું જણાવાયું છે કે રેલવે મંત્રી દર્શના જરદોષ દ્વારા આ ભાવ 30 રૂપિયા કરવા માટે હૈયા ધરપત આપવામાં આવી છે.

શું કહે છે રેલવે ડીઆરયુસીસી મેમ્બર

રેલવે ડીઆરયુસીસી મેમ્બર હબીબ વોરા અને સનીલ પટેલે જણાવ્યું હતું કે આ અન્યાયી વધારો તેઓએ દૂર કરવો જોઇએ. જ્યારે મુંબઇ, વડોદરા અમદાવાદમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 30 રૂપિયા છે ત્યારે શા માટે સુરતમાં વધારે લેવામાં આવી રહ્યો છે. આ મામલે અમે એમઓએસ દર્શના જરદોષને લેખિતમાં ફરિયાદ કરી છે.

ચેમ્બર ઓફ કોમર્સે પણ રેલવે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો

હાલમાં જ્યારે મોંઘવારી તેની ચરમસીમાએ છે ત્યારે સુરતમાં 50 રૂપિયા રેલવે ટિકિટનો ભાવ કરવા મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ મામલે દિનેશ નાવડિયાએ રેલવે એમઓએસ દર્શના જરદોષને લેખિતમાં ફરિયાદ કરી છે. આ ઉપરાંત રેલવે ડીઆરએમને પણ તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top