Vadodara

ભરૂચના ધર્માંતરણ કેસમાં 5 વોન્ટેડના ફોટા જાહેર કરાયા

ભરૂચ : ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરાઈ છે. જોકે હજી આ સમગ્ર પ્રકરણમાં UK થી ફંડ મોકલનાર મૂળ નબીપુરના અબ્દુલ્લા ફેફડવાલા સહિત 5 વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ધરપકડ વોરંટ મેળવ્યા બાદ તેમના ફોટા અને માહિતી જારી કરી છે. આમોદ તાલુકાના કાંકરિયા ગામે લોભ અને પ્રલોભનો આપી આદિવાસી 150 લોકોના ધર્માંતરણ કરવાના મામલામાં 5 આરોપીઓ ફરિયાદના દોઢ મહિના બાદ પણ પોલીસને હાથ ન લાગતાં ભરૂચ પોલીસે કોર્ટ પાસેથી એક NRI સહીત ફરાર 5 આરોપીઓના વોરંટ મેળવ્યા હતા. વોરંટ મળ્યા બાદ ગુજરાત કે દેશના અન્ય રાજ્યમાં ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસનો માર્ગ મોકળો બનવાની શક્યતાઓ વધુ પ્રબળ બની હતી.

કાંકરિયા ગામમાં છેલ્લા 10 વર્ષ જેટલા સમયથી ગરીબ આદિવાસી સ્થાનિકો લોકોને લાલચ અને ડર બતાવી તેમનું મુસ્લિમ ધર્મમાં ધર્મપરિવર્તન કરાવી નખાયું હતું. સરકારી નિયમો , કાયદા અને અધિકારીઓની પરવાનગીની જરૂરિયાતની ઐસીતૈસી કરી આ હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા હતા. ધર્માંતરણ બાદ પરત ફરેલા એક વ્યક્તિ દ્વારા સ્થાનિક તંત્રને આખા કાવતરાની જાણ કરાતા પોલીસ તપાસ સોંપાઈ હતી. જેના અંતે આ મામલે 9 લોકો સામે ગત 15 નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો. પોલીસે પ્રાથમિક તબક્કામાં મુખ્ય આરોપીઓ પૈકીના અઝીઝ સહીત 4 આરોપી અને બાદમાં વધુ 6 આરોપીઓની ધરપકડ કરી કુલ 10 લોકોને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.

છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ચોપડે ચડેલા મૂળ નબીપુરના વતની અને લંડન UK રહેતા NRI અબ્દુલ આદમ ફેફડાવાલા સહીત 5 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા નથી. અનેક સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહીઓ હાથ ધરવા છતાં આ આરોપીઓ મળી આવ્યા નથી. આખરે ભરૂચ પોલીસે આ આરોપીઓના આમોદ કોર્ટ પાસેથી ધરપકડ વોરંટ મેળવ્યા હતા. તપાસ અધિકારી DYSP એમ.પી. ભોજાણીએ આમોદ કોર્ટ સમક્ષ આ 5 આરોપીઓ વિરિદ્ધ CRPC ની કલમ 70 હેઠળ ધરપકડ વોરંટની માંગણી કરી જે માન્ય રાખી કોર્ટે વોરંટ જારી કર્યું હતું. હવે પોલીસ દ્વારા ધર્માંતરણ કેસમાં વોન્ટેડ આ 5 આરોપીના ફોટા સહિતની માહિતી જાહેર કરી દેવાઈ છે. જે કોઈ વ્યક્તિને આ આરોપી અંગે માહિતી હોય તો પોલીસને જાણ કરવા જણાવાયું છે.

Most Popular

To Top