SURAT

પોલીસ ઇન્કવાયરી ક્લિયર થયા પછી પણ સુરતીઓને દોઢ મહિના સુધી પાસપોર્ટ મળતા નથી

સુરત: સુરત PSK (સુરત પાસપોર્ટ સેવા કેન્દ્ર)માંથી તત્કાળ, નોર્મલ પાસપોર્ટ (Passport) કઢાવવા લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કાર્ય બન્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતના લોકોને પાસપોર્ટ સિટિઝન ચાર્ટર મુજબ મળવાને બદલે એકથી દોઢ મહિના સુધી મળતા નથી.

જુદા જુદા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ સંગઠનોના અગ્રણીઓ કહે છે કે,ગ્રાહકોની દિવાળી વેકેશનની વિદર્શ જવા માટેની એરલાઈન્સની ટિકિટો બુક થઈ ગઈ છે. પણ હજી પાસપોર્ટ મળ્યા નથી. પોલીસ ઇન્કવાયરી ક્લિયર થયા પછી પણ સુરતીઓને દોઢ મહિના સુધી પાસપોર્ટ નહીં મળતાં હોવાની બૂમો ઊઠી રહી છે. PSKના ગ્રાન્ટિંગ ઓફિસર ડેટા એપ્રૂવડ કરતાં નહીં હોવાથી અરજદારો પોલીસ કમિશનર કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. પોલીસ કમિશનર કચેરીએ જે ઇન્કવાયરી ક્લિયર કરી છે. એનો ડેટા પાસપોર્ટ કચેરીને મળી ગયો હોવા છતાં ડેટા અપડેટ નહીં દર્શાવતાં ઇન્કવાયરી સ્ટેટસ પેન્ડિંગ દેખાય છે.

અધિકૃત અધિકારી પોલીસ ઇન્કવાયરી બદઈરાદા સાથે પેન્ડિંગ રાખતાં જોવાની ચર્ચા ચાલી રહી છે કે, ઉધના દરવાજા પાસે આવેલી કચેરીને ફરતે એજન્ટો અને ટાઉટો આ કામ પતાવવા અરજદારો પાસે વહીવટની વાતો કરી કામ પતાવી રહ્યા છે. અગાઉ કુમાર નિત્યાનંદ પાસપોર્ટ ઓફિસર તરીકે પીપલોદની મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા હતા ત્યારે સવારે અને સાંજે એક-એક કલાક રોજ નિર્ધારીત સમયે અરજદારોને મળી તેમના પ્રશ્નોનો ઉકેલ લાવતા હતા. પણ આજે અરજદારોને ઓફિસમાંથી ફોન આવશે તો જ જવા દઈશું એમ કહી સિક્યોરિટી ગાર્ડઝ ભગાડી મૂકતા હોય છે.

પાસપોર્ટ ઓફિસમાં તત્કાળ પાસપોર્ટ કઢાવવા માટે 2થી 3 દિવસની એપોઇન્ટમેન્ટનો સમય નિર્ધારિત છતાં 4000 રૂપિયા જેટલી તત્કાળ ફી ભરવા છતાં 20 દિવસની એપોઇન્ટમેન્ટ મળી રહી છે. જેથી તત્કાળનો હેતુ જ માર્યો જાય છે. નોર્મલ પાસપોર્ટ માટે 60 લાખની વસતીમાં દિવસની માત્ર 60 ઓનલાઇન એપોઇન્ટમેન્ટ અપાઈ રહી છે. એ પણ 5 મિનીટમાં ટાઉટો બુક કરી લેતા હોવાની ફરિયાદો ઊઠી છે. નવાઈની વાત એ છે કે વિલંબિત ઓન લાઇન એપોઇન્ટમેન્ટ સેટિંગથી વહેલી કરાવવા એજન્ટો 2000થી 5000 રૂપિયા પડાવી રહ્યા છે.

પાસપોર્ટ ઈશ્યુ થતાં દિવસો લાગે છે: માલકમ પંડોળ
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ માલકમ પંડોળ કહે છે કે, પોલીસ ઇન્કવાયરીઓ ક્લિયર થવા છતાં પાસપોર્ટ ઈશ્યુ થતાં દિવસો લાગી રહ્યા છે. આ મામલે કેન્દ્રના ટુરિઝમ રાજ્ય મંત્રી અજિત ભટ્ટને કેવડિયામાં રજૂઆત કરી છે. સુરતના સાંસદો અને રિજનલ પાસપોર્ટ ઓફિસરને પણ એસોસિએશનનું પ્રતિનિધિમંડળ રજૂઆત કરવા જશે.

પાસપોર્ટ વિલંબથી મળશે તો ઘણા વિદ્યાર્થીઓ IELTSની પરીક્ષા ગુમાવશે
સુરત જિલ્લાના સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, સુરત પાસપોર્ટ ઓફિસની સેવાઓ ખાડે ગઈ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા માંગે છે. IELTSની પરીક્ષામાં બેસવા માટે ફોર્મમાં પાસપોર્ટ નંબર ફરજિયાત લખવાનો હોય છે. આવા વિદ્યાર્થીઓને પાસપોર્ટ વિલંબથી મળશે તો ઘણા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે IELTSની પરીક્ષા ગુમાવશે. વિદ્યાર્થીઓની ફરિયાદો મળી રહી છે. જો પાસપોર્ટ વેઇટિંગનો બેકલોગ 10 દિવસમાં પૂરો નહીં થાય તો વિદ્યાર્થીઓ, અરજદારો સાથે પાસપોર્ટ કચેરીનો ઘેરાવ કરીશું.

Most Popular

To Top