Dakshin Gujarat

61 વર્ષીય વૃદ્ધ પાસપોર્ટ બનાવી લંડન જાય તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે દબોચી લીધો

દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) 61 વર્ષીય વૃદ્ધની ગુજરાત (Gujarat) એટીએસની ટીમે (AST Team) ધરપકડ કરી છે. પકડાયેલા વૃદ્ધે દમણના એક મૃતકના નામનો બનાવટી પાસપોર્ટ બનાવી લંડન જવા માટે મુંબઈ રવાના થાય અને ફ્લાઈટ પકડે એ પહેલા જ તેને રસ્તામાં દબોચી ધરપકડ કરી હતી.

મળી રહેલી જાણકારી મુજબ સંઘપ્રદેશ દમણમાં રહેતા 61 વર્ષીય ગણેશ ટંડેલ નામના વૃદ્ધે દમણના એક મૃતક લલ્લુ ડેરીયાના નામનો બનાવટી પોર્ટુગલ પાસપોર્ટ બનાવ્યો હતો. તે આ બનાવટી પાસપોર્ટનાં આધારે 25 એપ્રિલના રોજ લંડન જવા બાય રોડ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ પકડવા જઈ રહ્યો હતો. આ વાતની બાતમી ગુજરાત એટીએસની ટીમને મળતા જ ટીમે તેની મુંબઈ પહોંચે એ પહેલાં જ અટક કરી હતી. આ સાથે જ કારમાં જરૂરી તપાસ કરતાં કારની અંદરથી વધુ ત્રણ પાસપોર્ટ મળી આવ્યા હતા. જેને એટીએસની ટીમે કબ્જે કર્યા છે. એટીએસના અધિકારીઓએ પકડાયેલા ગણેશ ટંડેલની સઘન પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેણે દમણના એક સાજીદ નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. તેણે આ બનાવટી પાસપોર્ટ બનાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પણ અન્ય ત્રણ લોકોએ પણ તેમના પાસપોર્ટ બનાવ્યા છે. જેના આધારે એટીએસએ આ મામલે આઈપીસીની કલમ 465, 467 અને 471 અને ગુનાહિત કાવતરું રચવા માટે 120 બી તથા પાસપોર્ટ એક્ટની કલમો હેઠળ કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સેલવાસના બહુચર્ચિત નકલી ક્રિપ્ટો કરન્સી પ્રકરણમાં ત્રીજો આરોપી પકડાયો
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસમાં 6 ડિસે.21 ના રોજ એક શખ્સે ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેને એક વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યાં ક્રિપ્ટો કરન્સીના વેપારને લગતા વિવિધ પ્રકારનાં સંદેશાઓ ફરતા કરવામાં આવ્યા હતા. અને એને લગતા અલગ અલગ કોન્ટેક્ટ નંબર પણ શેર કર્યા હતા. જેઓ ક્રિપ્ટો કરન્સીના રોકાણ અંગે જરૂરી માર્ગદર્શન આપતા હતા. જ્યાં ફરીયાદીએ આપેલા નંબરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં ફરિયાદીને નકલી ડોમેન્સ, યુ.આર.એલ.એસ., નેક્સા કોઈન અને ગ્લોબલ જંગી નફો કમાવવાના બહાને ફરિયાદી પાસેથી 30 લાખ રૂપિયા પડાવી ભારતની બહુવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર માટે જણાવ્યું હતું. પરંતુ ટ્રાન્સફર બાદ કોઈ પણ પ્રકારના પૈસા પરત નહીં આવતાં ફરિયાદીએ છેતરાયા હોવાને લઇ સેલવાસ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

જેને પગલે પોલીસે એક ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસે નાંણાકીય વ્યવહારો, વેબસાઈટ, વોટ્સએપ ગૃપ, ચેટ્સ, આઈ.પી. લોગ્સ તથા અન્ય ટેક્નિકલ એનાલિસિસમાં જાણવા મળ્યું કે, તમામ વસ્તુઓ ફેક અને છેતરપિંડી માટે બનાવવામાં આવેલી છે. જેને લઈ પોલીસે આ મામલે કેરળના 2 આરોપી આલ્બિન સિબી અને મુહમ્મદ અનસની 17 ફેબ્રુઆરી-22 ના રોજ શોધી તેમની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસમાં સામેલ ત્રીજો આરોપી મોહમ્મદ ફૈસન વિદેશ ભાગી ગયો હતો. જેની સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડતા પોલીસે 23 એપ્રિલ-22 ના રોજ ધરપકડ કરી સી.જી.એમ. કોર્ટ દાનહ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

પકડાયેલો શખ્સ ગુનાનો મુખ્ય આરોપી
પકડાયેલો આરોપી મોહમ્મદ ફૈઝાન હાલના ગુનાના મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. તે બેંક ખાતાઓનો ઉપયોગ ટૂંકા ગાળામાં કરોડોના છેતરપિંડીના વ્યવહારો કરવા માટે કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જ્યારે કેટલાક છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગ એપ્લિકેશનમાં મોકલ્યા છે. એટલું જ નહીં પણ છેતરપિંડી કરવા માટે તેણે ઘણા બેંક ખાતા પણ ખોલાવ્યા છે. અને એમાંથી ગેંગના સભ્યોને લાખ્ખો રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા છે. ત્યારે આગામી દિવસોમાં આ ગેંગના અન્ય આરોપીઓને પણ ઝબ્બે કરવાના પ્રયાસ શરૂ કરી દેવાયા છે.

Most Popular

To Top