Feature Stories

સુરતની પ્રથમ સોડા ફેક્ટરી તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોને 110 વર્ષ થયાં

ક્રિમ જેવી સોફ્ટ આઈસ્ક્રીમ હોવાથી બ્રાંડનું નામ ક્રિમરી રાખ્યું
તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોના તૈજુન તાજમહલ કહે છે કે કુલ્ફી અને આઈસ્ક્રીમમાં ક્રિએટીવીટી તેમના મોટા ભાઈ જોહેર તાજમહલ લાવ્યાં છે અમારી આઈસ્ક્રીમ ક્રિમ જેવી સોફ્ટ આઈસ્ક્રીમ હોવાથી બ્રાંડનું નામ ક્રિમરી રાખ્યું સુરતની જનતાને તેનો ટેસ્ટ એટલો ગમ્યો કે ખૂબ ટુંકા સમયમાં સુરતમાં પાંચ, વલસાડ, પૂણેમાં ફ્રેન્ચાઈઝી સાથેના આઉટલેટ શરૂ થયાં છે. નાઈટ્રોજન પેકીંગ સાથેની અમારા આઈસ્ક્રીમ થર્મોકોલ પેકમાં છેક દુબઈ સુધી ગયા છે. અને 24 કલાક સુધી તેની થીકનેસ જળવાઈ રહે છે.

કાંચની બોટલમાં પૈસાની કિંમતમાં સોડા વેચાતી હતી : તેજુન તાજમહલ
તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોના સંચાલકો પૈકીના એક તેજુન તાજમહલ કહે છે કે અમારા દાદા શેખ મોહંમદ તાજમહલના સમયમાં પ્રારંભિક તબક્કે પૈસાની કિંમતમાં કાંચની બોટલમાં સોડા અને શરબત વેચાતા હતા. તાજમહલની ડબલ પાવર સોડા એક શ્વાસે પીવાની લોકો શરત લગાવતા હતા. તે સમયે ચોકલેટ, વેનિલા, સ્ટ્રોબરી સહિતની પાંચ ફલેવર્સમાં આઈસ્ક્રીમ પણ બનતા હતા. પેઢીનાં વેપારમાં મારા મોટાભાઈ જોહેર તાજમહલની મહેનતને પગલે શરબત, આઈસ્ક્રીમ અને કુલ્ફીની નવી આઈટમો આવી હતી. ર્ફોમ્યુલેશન અમારૂ પોતાનું રહેતું હતું. ફાલુદામાં રોઝ અને કેસરની વેરાઈટી પણ ખૂબ લોકપ્રિય બની હતી.

તાજમહલની કૂલ્ફી શહેર ભરમાં વખણાય છે
તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોની બીજી પેઢી દ્વારા કૂલ્ફીના વેપારમાં ઝપલાવવામાં આવ્યું હતું. પેઢી મોટાભાગે ફ્રોઝન ફ્રુટમાંથી આઈસ્ક્રીમ કે કૂલ્ફી બનાવવામાં વિશ્વાસ ન કરતી હોવાથી કૂલ્ફીમાં સિઝનલ ફ્લેવર્સ આપી ફ્રેશ મેંગો, ફ્રેશ સીતાફળ, ફ્રેશ જામુન કૂલ્ફીનું વેચાણ શરૂ કર્યુ હતું જ્યારે ડ્રાયફુટમાં રીઅલ બદામ-પીસ્તા, કેસર પીસ્તા, કાજુ-અંજીર, કાજુ-કતરી, કાજુ કોકો, કોકો કેડબરી, કિટકેટ, કોકોનટ, રસગુલ્લા, કૂલ્ફી સુરતીઓમાં ખૂબ વખણાઈ છે. જ્યારે આઈસ્ક્રીમમાં રેડ વેલવેટ, નટેલા, બીસકોફ, મોકા, ખજુર-અખરોટ, અને બ્લુબેરી કેક ખૂબ વખણાય છે.

વંશવેલો

  1. શેખ મોહંમદ અબ્દુલ્લાભાઇ તાજમહલ
  2. શેખ ગુલામ હુસેન શેખ મોહંમદ તાજમહલ
  3. જોહેર શેખ ગુલામ હુસેન તાજમહલ
  4. તૈજુન શેખ ગુલામ હુસેન તાજમહલ

શહેરના રમઝાન બજારોમાં તાજમહલ કુલ્ફીના સિઝનલ આઉટલેટ
તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોના સંચાલક પૈકીના એક જોહેર તાજમહલ કહે છે કે પવિત્ર રમઝાન માસમાં શહેરી અને ઈફતારી માટે શહેરમાં જુદાજુદા 8 વિસ્તારોમાં રમઝાન બજાર લાગે છે રમઝાનનો ચાંદ દેખાય અને ઈદનો ચાંદ દેખાય ત્યાં સુધી આ બજારોમાં એક મહિના સુધી તાજમહલની કુલ્ફીનું વેચાણ થાય છે. ચાલુ વર્ષે 8 બજારોમાં કુલ્ફીનું વેચાણ થઈ રહ્યું છે.

હેંગ ઓવર દૂર કરવા માટે જિંજર સ્પેશ્યલ લેવા લાઈનો લાગતી હતી
તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોની કેટલીક સોડાની બ્રાન્ડ શહેરભરમાં જાણીતી હતી. જાણકારો કહે છે કે તે સમય ગાળામાં શરાબનું સેવન કરતાં શોખીનો હેંગ ઓવર દૂર કરવા માટે તાજમહલની જિંજર સ્પેશયલ સોડાની ખરીદી કરવા સવારથી કતારોમાં ગોઠવાઈ જતા હતાં. આદુમાંથી બનેલી આ સોડા શરદી અને કફના દર્દીઓ માટે તે સમયે પહેલી પસંદ રહેતી હતી. એવીજ રીતે લુઝ મોશન માટે રાસબરી ડબલ ડોઝ સોડાનું વેચાણ સર્વાધિક રહેતું હતું.

25 ફ્લેવરના શરબતની વિદેશોમાં પણ ડિમાન્ડ રહે છે
તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપો દ્વારા 90ના દાયકામાં દૂધ અને પાણીમાં ઉપયોગમાં લેવા માટેના શરબતો બનાવવામાં આવ્યા હતાં. તાજમહલમાં ફાલસા સહિતનાં શરબતની છેક અમેિરકા સુધી ડિમાન્ડ રહે છે. અમેરિકામાં રહેતાં ગુજરાતીઓ સુરત આવે છે ત્યારે આ શરબતની બોટલ વિદેશ લઈ જતાં હોય છે. વિદેશમાં મસાલા સોડા અને લેમન 500 મિલી. બોટલમાં વેચાણ થાય છે. સોલા ઓરેન્જ, ફિગોલા (કાલાખટ્ટા) લાઈમ, શક્કરટેટી, વોટરમેલન, મિલ્ક મેંગો, મિલ્ક ક્રીમ, શરબતની સારી ડિમાન્ડ રહે છે. તે ઉપરાંત હાજમા મસાલા સોડા, દાડમ હાજમા, જામફળ, મોસંબી, ગ્રીન મેંગો શરબતની પણ ડિમાન્ડ રહે છે.

સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબનું સુરત આગમન રોઝ ફાલુદાથી થતું : જોહેર તાજમહલ
તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોના સંચાલક જોહેર તાજમહલ કહે છે કે અમારી પેઢીનું સદનસીબ એ છે કે જ્યારે પણ સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબનું સુરતમાં આગમન થતું ત્યારે સૈયદના સાહેબને સૌથી પ્રિય રોઝ ફાલુદાથી તેમનું સ્વાગત કરવામાં આવતું. સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબ વખતે પણ આ ક્રમ ચાલુ રહ્યો હતો. સૈયદના બુરહાનુદ્દીન સાહેબ 27 વાર અમારા દાદા શેખ મોહંમદ પ્રત્યેના પ્રેમને લીધે નિવાસસ્થાને પધાર્યા હતા. તેઓ જયારે મુંબઇથી ટ્રેનમાં આવતા હતા ત્યારે અમારા પરિવારના સભ્યો વાપી રેલવે સ્ટેશને પહોંચી ટ્રેનમાં જ ગુલાબનો તાજો ફાલુદો બનાવી પ્રેમથી પીરસતા હતા. આ ક્રમ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ વખતે પણ યથાવત રહ્યો છે.

1912માં તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોનો પ્રારંભ થયો
સુરતમાં બળદગાડા અને ઘોડાગાડીના યુગમાં 1912માં તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોનો પ્રારંભ થયો હતો. શેખ મોહંમદ અબ્દુલ્લાભાઈ તાજમહલ દ્વારા મહિધરપુરા અલાયાની વાડીમાં સોડા ફેકટરી શરૂ કરવામાં આવી હતી. શેખ મોહંમદભાઈએ બનાવેલી લિથિયા, ઓરેન્જ સિપ્સ સ્વીટ, 4 અપ, ફાલસા, લેમન, અને જિંજર સ્પેશ્યલ સોડા ખૂબ લોકપ્રિય બની હતી. બળદગાડાના યુગમાં આ પેઢી પાસે તે સમયે સોડા અને શરબતની હેરફેર કરવા માટે માલિકીની ટ્રક હતી. ઝાપા બજારની દુકાનમાં 24 બોટલના 1 બોક્સ પ્રમાણે રોજ 150 સોડાના બોક્સ વેચાતા હતા. તેની સાથે ઝાપાબજાર જાિમયાહની પાસે આઈસ ડેપો પણ ચાલતો હતો. 1987માં શેખ મોહંમદ અબ્દુલ્લાભાઈ તાજમહલનું નિધન થયું તે પહેલાં તેમના પુત્રો શેખ ગુલામ હુસેન તાજમહલે પેઢીનો કારભાર 2005-2006 સુધી સંભાળ્યો હતો. 2011માં તેમનું નિધન થયું તે પહેલા તેમના બંને પુત્રો જોહેર તાજમહલ અને તેજુન તાજમહલે પેઢીનો કારભાર સોડા, શરબત, આઈસ્ક્રીમ અને કૂલફીમાં આગળ ધપાવી પેઢીને ખૂબ ર્કિતી અપાવી છે.

સ્વ. વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ તાજમહલની લિથિયા સોડાના ફેન
સુરત અને વલસાડ લોકસભાની બેઠક એકજ હતી ત્યારે કોંગ્રેસથી છેડો ફાડી સ્વ. વડાપ્રધાન મોરારજી દેસાઈ જનતા પાર્ટીની ગઠબંધન સરકારમાં વડાપ્રધાન બન્યા તે પહેલા અને પછી જ્યારે પણ સુરતની મુલાકાતે આવતા ત્યારે ડુમસમાં સ્વ. સી.કે.પીઠાવાલાને ત્યાં રોકાતા હતા. મોરારજી ભાઈ સુરતની મુલાકાતે આવ્યા હોય ત્યારે તેમનો પહેલો આગ્રહ તાજમહલ કોલ્ડ ડ્રિન્ક ડેપોમાંથી લિથિયા સોડા મંગાવાનો રહેતો હતો. લિથિયા સોડાનો ઉપયોગ તે જમાનામાં પથરી મટાડવા માટે થતો હતો. લિથિયા સોડા માટે ઈમ્પોર્ટેડ પાવડર બ્રિટનથી મંગાવવામાં આવતો હતો. દેખાવમાં લિથિયા સોડા પ્લેન સોડા જેવી લાગતી હતી પરંતુ તેમાં 1 માખીની પાંખ જેટલો પાવડર નાંખવામાં આવતો હતો. આ પાવડર પથરી માટે અકસીર માનવામાં આવતો હતો. મોરારજી ભાઈના નજીકના વર્તુળોમાં ચર્ચા એવી થતી હતી કે તેઓ પથરીના રોગથી પિડાતા હતા.

Most Popular

To Top