Dakshin Gujarat

બોલાચાલી બાદ પિતાને આવ્યો એટલો ગુસ્સો કે કુહાડી લઈ સગા પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો

પારડી: (Pardi) આજના સમયમાં જમીન અને રૂપિયાની લેવડદેવડમાં અનેક ગંભીર ઘટનાઓ બની રહી છે. નજીકના સંબંધો પણ એક બીજાનો જીવ લેતા ખચકાતા નથી. ત્યારે આજે એવો જ કિસ્સો પારડી તાલુકાના રોહિણા ગામે બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પિતાએ (Father) જ તેના સગા નાના પુત્રને (Son) લાકડાના નાણા આપવા બાબતે ઝઘડો થતાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • નાણાની લેવડ દેવડ મામલે પિતાએ કુહાડીના ઘા ઝીંકી સગાપુત્રને પતાવી દીધો
  • પારડીના રોહિણા ગામમાં પિતા-પુત્ર વચ્ચેની મારામારીમાં તબિયત લથડતાં હત્યારા પિતાને વલસાડ સિવિલમાં ખસેડાયો
  • ખેતરના લાકડાના રૂપિયા પુત્રએ માંગતા પિતાએ ઉશ્કેરાઇ જઈ સગાપુત્રની હત્યા કરી
  • પુત્રએ તેના ભાગના બે લાખની માંગણી કરતા પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારીમાં ફેરવાયો

પારડી તાલુકાના રોહિણા ગામે દામુ ફળિયા ખાતે રહેતા નામદેવ બાબુભાઈ નાયકા (ઉંવ. 70) અને તેનો પુત્ર નરોત્તમ નામદેવ નાયકા (ઉંવ 42) બંને વચ્ચે ખેતરના ઝાડના રૂપિયા બે પુત્રને વહેંચી ઘર બનાવવા માટે પુત્રએ પિતા પાસે રૂપિયા માંગ્યા હતા. પુત્રએ તેના ભાગના બે લાખની માંગણી કરતા પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારીમાં ફેરવાયો હતો. જે ઘટનામાં આજરોજ સવારે 8:30 વાગ્યાના સુમારે પિતા નામદેવ નાયકાએ તેના સગા નાનાપુત્ર નરોત્તમ પર કુહાડીના ઘા ઝીંકતા સ્થળ ઉપર જ મોતને ભેટ્યો હતો. જ્યારે પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં પિતાને ફેક્ચર થતા પ્રથમ રોહિણા સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ પારડી પોલીસ મથકના પીઆઈ બી.જે.સરવૈયાને થતા તેઓ તેમની ટીમ સાથે રોહિણા ગામે સ્થળ ઉપર દોડી આવ્યા હતા. બાદમાં વલસાડના ડીવાયએસપી એ.કે.વર્મા પારડી આવી પહોંચી હત્યા અંગે મીડિયાને જાણકારી આપી હતી. જોકે હત્યાનું કારણ પ્રથમ જોતા જમીનના ઝઘડામાં રૂપિયા આપવા બાબતે હત્યા થઈ હોવાનું ચર્ચામાં રહ્યું હતું. ત્યારે જમીન અને નાણાની લેવડ દેવડ મામલે પરિવારમાં પિતાએ પોતાનો સગો પુત્ર પોતાના હાથે ગુમાવ્યો હતો. જેને લઇ સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. ઘટના અંગે પારડી પોલીસ મથકે આરોપી પિતા નામદેવ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top