Dakshin Gujarat

પારડીના બગવાડા હાઇવે પર કન્ટેનરે ટક્કર મારતા બાઇક સવાર યુવકનું મોત

પારડી: (Pardi) પારડીના બગવાડા ટોલનાકા પાસે તીઘરા હાઇવે (Highway) પર વાપીથી બાઈક (Bike) પર ઘરે પરત ફરતા ત્રણ યુવાનને કન્ટેનર (Container) ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

  • પારડીના બગવાડા હાઇવે પર કન્ટેનરે ટક્કર મારતા બાઇક સવાર એકનું મોત
  • તીઘરાના 3 યુવાન વાપીથી બાઇક પર ઘરે પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

પારડીના ભેંસલાપાડ ખાતે રહેતો રાકેશ છોટુ જોગી (ઉવ.23) અને રિતિક અર્જુન પાંડે (ઉવ.24) બાઈક ઉપર વાપી ગયા હતા અને કિશન ચુનીલાલ પ્રજાપતિ તેની કાર વાપી ખાતે સર્વિસમાં આપવા માટે ગયો હતો. બાદમાં આ ત્રણેય બાઈક પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તીઘરા નેહાનં.48 વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણેય યુવાન નીચે પટકાયા હતા. અકસ્માત થતા સ્થાનિકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

જ્યારે કન્ટેનર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રીતિક પાંડેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાકેશ જોગીને પગના ભાગે અને કિશન પ્રજાપતિને બંને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સમગ્ર ઘટના અંગે અશોક પ્રજાપતિએ પારડી પોલીસ મથકે અજાણ્યા કન્ટેનર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

પારડીના ધગડમાળ પાસે મોપેડ ખાડામાં પટકાતા યુવાનનું મોત
પારડી : પારડી તાલુકાના ધગડમાળ ચાર રસ્તા પાસે રસ્તામાં પડેલા ખાડામાં મોપેડ પટકાતા મોપેડ સ્લીપ ખાઈ જતા માથાના ભાગે ઈજા પહોંચતા યુવાનનું મોત નીપજ્યું હતું. પારડી તાલુકાના સોનવાડા ગામે ભગત ફળિયામાં રહેતા ભીખુભાઈ નારણભાઈ પટેલ ગત રાત્રિના વાપી એલઆઇસી ઓફિસમાં પટાવાળાની ફરજ બજાવી મોપેડ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન નાનાપોઢાથી ધગડમાળ ચાર રસ્તા પાસે રસ્તામાં પડેલા ખાડામાં તેનું મોપેડ પટકાતા સ્લીપ મારી ગયું હતું. ભીખુ પટેલને માથા તેમજ શરીરના ભાગે ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના કાકા મુકેશ બાલુ પટેલે ફરિયાદ નોંધાવી હતી. લાશને નાનાપોઢા સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Most Popular

To Top