Entertainment

સલમાનના સહારે પલકને પાંખ મળી

શ્વેતા તિવારી અને પલક તિવારીમાંથી લોકો કોને વધુ ઓળખે છે. કોના કામણ વધુ ચાલે છે એવું પૂછો તો સહુનો જવાબ એક જ હશે – શ્વેતા તિવારી. શ્વેતા લાંબો સમયથી ટી.વી. પર છે અને હકીકતે જ તે એક રૂપસુંદરી છે. પલક તિવારી તેની જ દિકરી છે પણ મા પાસે જે સૌદર્ય છે તે દિકરી પાસે નથી. પણ હવે તે તેની કારકિર્દી શરૂ કરી રહી છે. શ્વેતાએ ફિલ્મોથી વધુ ટી.વી. પર કામ કર્યું પણ પલકે પોતાને ફિલ્મ માટે જ તૈયાર રાખી છે. શ્વેતા એક સમયે રાજા ચૌધરીની પત્ની હતી અને પલક એ લગ્નજીવનનું જ સંતાન છે. શ્વેતાએ તેને ખૂબ કાળજીથી ઉછેરી છે. શ્વેતા જ્યારે રાજાથી છુટી પડેલી તો પલક મા સાથે જ રહી છે. પલકની ફિલ્મી કારકિર્દી શરૂ થાય તે પહેલાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ ફેન્સ બનાવી ચુકી છે.

પલક માટે અત્યાર સુધીના સંઘર્ષ પણ આવ્યા છે કારણકે શ્વેતા જે અભિનય કોહલી સાથે પરણી હતી તેના વડે પલકને હેરાન થવાનું આવ્યું છે. જો કે પલકે કહેલું કે માત્ર બોલવામાં જ મને હેરાન કરી છે. શારીરિક રીતે નહીં પણ આ બધું સહેલું તો નથી હોતું. પલક આ બધા વચ્ચે પોતાનો રસ્તો કરી રહી છે. ગયા વર્ષે તે હાર્ડી સંધુના વિડીયોગીત ‘બિજલી બિજલી’ માં આવી હતી. તે પહેલાં ‘કિવકી’ નામની ફિલ્મમાં ય આવેલી અને હવે સલમાનખાન નિર્મીત ‘કિસીકાભાઈ કિસી કી જાન’માં આવી રહી છે. જો કે તેમાં તે મુખ્ય અભિનેત્રી નથી આ સિવાય ‘રોઝી : ધ સેફ્રોન ચેપ્ટર’ નામની ફિલ્મ પણ છે જેમાં વિવેક ઓબેરોય અને અરબાઝ ખાન છે. તમે કહી શકો કે સલમાન તેની કારકિર્દીની કાળજી રાખી રહ્યો છે. પલકની એક ફિલ્મ વરુણ ધવન સાથે પણ આવી શકે છે. પલકે હજુ ફિલ્મોમાં વધારે કામ નથી કર્યું તો પણ તેનો સ્વીકાર થઈ રહ્યો છે.

ત્રણેક મહિનામાં તેની ‘ધ વર્જિન ટ્રી’ ફિલ્મ પણ આવવાની છે જેમાં તેની સાથે સની સિંહ અને મૌની રોય છે. આ મહિનેજ તેનું ફર્સ્ટ લુક પણ આવ્યું છે. આ બધા વચ્ચે તે મા અને પિતા વચ્ચે ભીંસાઈ રહી છે. પલકના પિતાએ થોડા દિવસ પહેલાં કહેલું કે તે તેની દિકરીને મળી શકતો નથી કારણકે પલક પાસે તેના પિતા માટે સમય નથી. જોકે ગયા વર્ષે 13 વર્ષ પછી તે પલકને મળી શકેલો. બાકી શ્વેતાએ તો રાજા ચૌધરીનો નંબર બ્લોક કરી દીધો છે. રાજાએ પલકની કાળજી નથી રાખી અને શ્વેતા જ જો દિકરીને સંભાળતી હોય તો તે કઈ રીતે પિતાને મળે ? જે સંતાનોના મા-બાપના લગ્નજીવન તૂટી ગયા હોય તેમને વેઠવાનું તો આવે જ છે. રાજા દારૂડીયો છે અને શ્વેતાને પણ ખૂબ મારતો હતો. આ બધી અસર પલક પર પણ પડી છે. પણ તે પોતાનો રસ્તો કરી રહી છે કારણકે શ્વેતા તિવારી તેની સાથે છે. •

Most Popular

To Top