Editorial

પાકિસ્તાનની આર્થિક કટોકટી દક્ષિણ એશિયાની સ્થિરતા જોખમાવી શકે

આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ભયંકર આર્થિક કટોકટી ચાલી રહી છે. છેક શ્રીલંકા જેટલી ગંભીર કટોકટી તો ત્યાં નથી સર્જાઇ પરંતુ સ્થિતિ ભયંકર કહી શકાય તેવી છે. ચીજવસ્તુઓના ભાવ ખૂબ વધ્યા છે. અનાજ,  શાકભાજી, કઠોળ જેવી વસ્તુઓના ભાવો આભને આંબી રહ્યા છે. હમણા જ સરકારે ત્યાં પેટ્રેલ અને ડીઝલ પર એકી ઝાટકે લિટરે રૂ. ૩૫ જેટલો જંગી ભાવવધારો ઝિંક્યો છે. લોકો ત્રસ્ત છે અને સરકાર બઘવાઇ ગઇ છે. અનેક જગ્યાએ અનાજ  વિતરણ કેન્દ્રો પર ધક્કા મુક્કી અને કચડા કચડીના બનાવો બન્યા છે અને આવા બનાવો વચ્ચે આતંકવાદીઓના ઉધામા તો ચાલુ જ છે.

પાકિસ્તાનને જાણે હાથના કર્યા હૈયે વાગ્યા તેવી સ્થિતિ ઉભી થઇ છે. તેણે દેશમાં સુચારુ શાસન અને  વહીવટની સ્થાપના કરવા પર અને લોકોને સારી રીતે સુશિક્ષિત કરવા પર અને વિકાસના કાર્યો પર ધ્યાન આપવાને બદલે આતંકવાદને ઉત્તેજન પર ધ્યાન આપ્યું છે. અનેક સરકારોએ ત્યાં આ જ કારભાર કર્યો છે. પોતાના દેશની સ્થિતિ પર  ધ્યાન આપવાને બદલે તેઓ કાશ્મીરનું ગાણુ ગાયા કરે છે, લાંબુ વિચાર્યા વિના ધાર્મિક કટ્ટરવાદને ઉત્તેજન આપવામાં આવ્યું છે અને હવે સ્થિતિ એવી થઇ ગઇ છે કે કઇ રીતે પરિસ્થિતિ સાથે કામ લેવુ તે કોઇને સમજ પડતી નથી. આ સ્થિતિ માટે પાકિસ્તાનની અત્યાર સુધીની સરકારો, રાજકારણીઓ, લશ્કર અને ખુદ ત્યાંની પ્રજા પણ જવાબદાર છે. રાજકારણીઓએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે અને શિસ્ત વિનાની પ્રજા લાઇટ બિલ, વેરા વગેરે નહીં ભરવાની હદે માથાભારેપણુ કરવા સુધી જઇ શકે છે આવા સંજોગોમાં સ્થિતિ આટલી હદે નહીં બગડે તો જ નવાઇ.

પાકિસ્તાનની સ્થિતિ તો બગડી છે પરંતુ તેની આવી ખસ્તા હાલત તેના પાડોશી દેશોને પણ ચિંતા કરાવે તેવી છે. હમણા આપણા દેશના કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પાકિસ્તાનની કટોકટી સમગ્ર પ્રદેશની સ્થિરતા સામે જોખમ ઉભુ કરી શકે છે. ઘટતી જતી ફોરેક્સ અનામતો, દેશ વ્યાપી વિજ ધાંધિયાઓ, સરકાર સંચાલિત અનાજ વિતરણ કેન્દ્રો પર કચડા કચડી અને ગગડતા પાકિસ્તાની રૂપિયા સાથે પાડોશી દેશ જ્યારે આંતરરાષ્ટ્રીય બાસ્કેટ કેસ બનવા તરફ જઇ રહ્યો છે ત્યારે  ભારતીય વિશ્લેષકો માને છે કે આ પ્રદેશ માટે ગંભીર સંજોગો સર્જાઇ શકે છે. આ આર્થિક કટોકટી વચ્ચે શેહબાઝ શરીફ સરકાર વૉશિંગ્ટન સ્થિત આઇએમએફ સાથે એક બેઇલ આઉટ પેકેજ માટે વાટાઘાટ કરી રહી છે જે પેકેજ કદાચ કઠોર અને સંભવિતપણે રાજકીય રીતે જોખમી એવી કરકસરની પૂર્વ શરતો સાથે  આવશે જે વધુ મોટી રાજકીય કટોકટીને વેગ આપી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. પાકિસ્તાનમાં અસ્થિરતાનું ભારત માટે જોખમ આ પ્રદેશમાં ફક્ત વધતા અંતિમવાદનું જ નથી પણ કેટલાક અણધાર્યા પગલાઓનું પણ છે જેમાં પાકિસ્તાનની  પ્રજાનું ધ્યાન બીજી તરફ વાળવા બાહ્ય શત્રુ પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસોનો સમાવેશ થઇ શકે છે.

હાલની આર્થિક કટોકટી વર્તમાન રાજકીય કટોકટીને વકરાવી શકે છે જેમાં ઇમરાન ખાનનો તેહરીકે ઇન્સાફ પક્ષ નવેસરની ચૂંટણીઓ  માગી રહ્યો છે. આઇએમએફની શરતો પણ ટૂંકા ગાળા માટે મોટી તકલીફો લાવી શકે છે એમ પાકિસ્તાન ખાતેના ભૂતપૂર્વ ભારતીય રાજદૂત ટીસીએ રાઘવન કહે છે. દિલ્હી સ્થિત પ્રોફેસર બિશ્વજીત ધર માને છે કે પહેલા જે બાંગ્લાદેશ માટે હેનરી  કિસિન્જર માનતા હતા તે હવે પાકિસ્તાન માટે બની શકે છે અને તે આંતરરાષ્ટ્રીય ભીખનો કટોરો બની શકે છે. પાકિસ્તાનની આવી સ્થિતિ ખરેખર ભારત માટે ચિંતાનું કારણ બની જ શકે.

નિષ્ણાતોએ જે ચિંતા વ્યકત કરી છે તે યોગ્ય જ છે કે પાકિસ્તાનના શાસકો દેશની ખરાબ હાલત અને પોતાની નિષ્ફળતા પરથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા દેશના શત્રુઓના સામનાના નામે ઉધામા કરી શકે છે. અનેક દેશોના શાસકો આવું કરતા હોય છે અને પાકિસ્તાનના શાસકો આમાંથી બાકાત હોઇ શકે નહીં. બલ્કે પાકિસ્તાનના રાજકારણીઓ તો વધુ અદકપાંસળી છે અને પાકિસ્તાનનો આતંકવાદથી ખરડાયેલો ઇતિહાસ જોતા તેઓ આવા ઉધામા કરે તેમાં નવાઇની વાત નથી. વળી, કપરા આર્થિક સંજોગોમાં હતાશ, નિરાશ થયેલા યુવાનો શત્રુ સામે લડવાના બહાને તેમને સહેલાઇથી મળી પણ જઇ શકે છે જેઓ પાડોશી દેશમાં (ભારતમાં – એમ સમજો) જઇને ત્રાસવાદી ઉધામા કરવા તૈયાર થઇ જાય. નિષ્ણાતોની ચિંતા અવગણવા જેવી નથી. ભારતે પાકિસ્તાનની સ્થિતિ પર ચાંપતી નજર રાખવાની સાથે સરહદો પર પુરતી સતર્કતા રાખવી પડશે.

Most Popular

To Top