Comments

પ્રજાએ ઉન્નત મસ્તકે જીવવું હોય તો સ્વમાની પ્રજા તરીકે ઝઝૂમવું પડશે

છપ્પનિયો દુષ્કાળ યમદૂત બનીને લોકોને ભરખી રહ્યો હતો. ભૂખ, રોગ અને રોજગારીના અભાવે રાજા-રજવાડાંઓને પણ લાચાર કરી મૂક્યાં હતાં. એ સમયે નર્મદાનાં કિનારે ગંગનાથના સાધુ કેશવાનંદે મુંબઈનાં સંપન્ન લોકો વચ્ચે જઈ ઝોળી પાથરી. ગુરુ બ્રહ્માનંદના શિષ્યે ભારતીય સંસ્કૃતિની સમર્પણ ભાવનાને ઘરે ઘરે પહોંચાડતાં કહ્યું, ‘જે માત્ર પોતાના માટે રાંધે છે અને તેમાં અન્યનો ભાગ રાખતો નથી તે પોતાનું પાપ જમે છે’ અને જોતજોતામાં ગંગનાથમહાદેવનો ભંડારો ભૂખ્યા જનો માટે ઊભરાતો ગયો.

તાત્યા ટોપે, મહર્ષિ અરવિંદ, બૅરિસ્ટર દેશપાંડે, મામા ફડકે, કાકા કાલેલકર જેવા અનેક સેનાનીઓના આશ્રયસ્થાન સમા ગંગાનાથનો ઈતિહાસ ૫૦૦૦ વર્ષ પુરાણો છે. પરંતુ ૧૮૫૭ના બળવા પછી સૈનિકોના છદ્મવેશમાં ગુપ્ત નિવાસ સમો નર્મદાનો તટ અને સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ સાધુઓના સ્વાતંત્ર્યના ધૂણે લાકડાં સંકોરતા રહેવા માટે જાણીતા બન્યા. કંઈ વિશેષ ચહલપહલ વિના નર્મદાતટ ઉપર અને ભાવનગરની પ્રથમ રાજધાની સિહોરનાં ડુંગરોમાં દેશભક્તિ અને જનસેવાને અધ્યાત્મ સાથે વણી લેવાની પ્રવૃત્તિ વિસ્તરતી રહી

પાણીપતનાં યુદ્ધ પછી ભૂગર્ભમાં ઊતરી ગયેલા કેટલાક મરાઠા સરદારો પૈકી સદાશિવરાવ ભાઉ એટલે ભાવગિર્દી તેમજ છત્રપતિ શિવાજી મહારાજના સાથી પ્રભુગુપ્તેના વંશજ રંગો બાપજી સાધુવેશે બ્રહ્માનંદ નામ ધારણ કરી ગંગનાથમાં બેઠો છે અને નાના ફડનવીસ સિહોરમાં બેઠો છે. તેની જાણ એ સમયે ગાયકવાડી રાજ્યનાં સૂબા મહારાવને ખરી. પરંતુ અંગ્રેજ શાસન ૧૮૫૭ના બળવાનો અગ્ર સેનાની હજુ સક્રિય છે તે બાબતે ૫૦ વર્ષ સુધી અંધારામાં જ રહ્યું. છેવટે ૧૯૦૭માં બ્રિટીશ હકૂમતને ગાયકવાડ તાબાના ડભોઈ પરગણામાં આવેલ ગંગનાથની ભાળ મળી અને લગભગ ૩૬ વર્ષ સુધી મહાદેવના સ્થાનકને તાબામાં રાખી નર્મદાતટના સાધુઓ ઉપર બાજ નજર રખાતી.

પણ બે તટે વહેતી નર્મદામૈયાની સાત સાત વખત પરિક્રમા કરી ચૂકેલા સ્વામી બ્રહ્માનંદ માટે તો ‘સાધુ તો ચલતા ભલા’ની વાત સાચા અર્થમાં ચરિતાર્થ બની. ભગવા વેશે નર્મદાના કિનારે બેઠેલ ગરવો રાજકારભારી અંગ્રેજોનાં હાથમાં આવે તેમ નહોતો. પણ નર્મદાનાં સાન્નિધ્યમાં રાજયોગ અને હઠયોગની સાધનામાં બ્રહ્માનંદુ બંધાતા ગયા. મહર્ષિ અરવિંદ પોતાની નોંધમાં લખે છે. ‘૧૦૮ વર્ષ સુધી સ્વસ્થ આયુષ્ય ધરાવતા બ્રહ્માનંદજી જ્યોતિષ, આયુર્વેદ છે. ખગોળ અને ગાયન-સંગીતમાં વિદ્વતા ધરાવતા હતા. તેઓ કહેતા, અમે સંસારને ભલે ત્યાગ આપ્યો હોય પણ આ શરીર તો સંસારમાંથી જ જન્મ્યું અને સંસારીઓથી જ પોષાઈ રહ્યું છે’ સંસારી કે સાધુ સહુને માતૃભૂમિના બેટા જાણતા સાધુ બ્રહ્માનંદ માટે તો માતૃભૂમિની મુક્તિ એટલે જ મોક્ષ હતો.

પ્રાચીન સમયથી ગંગા સપ્તમીએ જ્યાં માત્ર બહેનોનો માટે ભરાય છે તેવા સંતોષ અને શાંતિના પ્રાકૃતિક ધામ જેવા ગંગનાથનાં કોતરોમાં મરાઠા, સિંધિયા, હોળકર, ગાયકવાડ અને સૌરાષ્ટ્રનાં રાજવીઓને એકસૂત્રે બાંધવાના પ્રયત્નો થયા. અંગ્રેજો સામે ઉગામવા હથિયારો બન્યાં. સવિશેષ નાનાં નાનાં રજવાડાંઓ વચ્ચે વહેંચાયેલા છતાં સ્વતંત્ર બનવા માંગતા ભારતવર્ષ માટે ‘એક સેનાની, એક દેશ’ નો મંત્ર સર્વ સ્વીકૃત થયો.

આમ દેશની અખંડિતતા અને અધ્યાત્મના તાણાવાણાને નીરખતાં જણાય છે કે શિવાજી મહારાજની પ્રેરણા સ્વામી રામદાસ હતા. ૧૯૫૭ના બળવાના રોટી-કમળનો સંદેશ લઈ ફરનાર શંકરાનંદ અને ટોકરાનંદ સન્યાસી. મોગલો સામેના જુલમને પડકાવનાર પંચ પ્યારે ગુરુ ગોવિંદસિંહ કે પછી ભગવદ્ગીતાના બળે સ્વરાજની ખેવના કરતા મોહનદાસ ગાંધીને જોતાં જણાય છે કે ભારતમાં જ્યારે જ્યારે શુદ્ધ રાષ્ટ્રપ્રેમનો અગ્નિ પ્રજ્વલિત થયો છે ત્યારે તેઓ તેનું જોડાણ આધ્યાત્મિક દૃષ્ટિ સાથે ગૂઢ ઈશ્વરીય શક્તિનો અહેસાસ મળ્યો છે. ‘માભોમના પ્રત્યેક સપૂત માટે મને ભાવ છે, તેવું કહેતાં બ્રહ્માનંદજી કહેતા ‘માણસે ઊંચા મસ્તકે જીવવું હોય તો એણે મુક્ત અને સ્વમાની પ્રજા તરીકે ઝઝૂમવું પડશે.’ તેમણે ભાખ્યું હતું કે હિંદુસ્તાનની પ્રજા એક દિવસ ઉન્નત મસ્તકે જીવશે અને જગતનાં ચોકમાં સ્વતંત્ર પ્રજા તરીકે પોતાનો ભગવો લહેરાવશે.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહાણમાં બેસી વ્યાપાર કરવા આવેલા વિદેશીઓને લશ્કરી તકનીક અને રાજ્ય વહિવટના બળે દેશનાં રજવાડાંઓને ઝુકાવ્યાં. ભારતીયોની વ્યક્તિનિષ્ઠાને સ્વાર્થના દોરે જોડી લાભ ખેંચી તેઓ દેશને ભૂખમરો, વહેમ, બેરોજગારી અને દરિદ્રતાના કૂવામાં ધકેલતા ગયા. આ સ્થિતિ છતાં પણ રાષ્ટ્રનું અધ્યાત્મ બ્રહ્માનંદ જેવા ગુરુપદમાં દીપ્તિમાન હતું અને નર્મદા અને શિહોરી માતાનો જળપ્રવાહ જમીનને તૃપ્ત કરતા દેશ તૂટયો નહી. પરંતુ હવે એકવીસમી સદીમાં વિદેશીઓએ ઉપભોક્તાવાદના જહાજમાં ફરીથી પગપેસારો કર્યો છે ત્યારે ભારતવર્ષમાં અધ્યાત્મએ સમાજસેવા અને રાષ્ટ્રીયતાને ભગવા લૂગડે જોડવાનું કામ કરવું પડશે. સ્વદેશનીનાં ઉપયોગમાં સ્વમાન કેળવવું પડશે. માતૃભાષા, માતૃ સંસ્કૃતિ અને માતૃભૂમિ ગૌરવાન્વિત થવું પડશે.
– ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top