World

ગ્લોબલ ટેરરિસ્ટ હાફિઝ સઈદની પાર્ટી પાકિસ્તાનની ચૂંટણી લડશે, આતંકીનો પુત્ર પણ ચૂંટણીમાં ઝંપલાવશે

લાહોર: (Lahore) હાફિઝ સઈદની (Hafiz Saeed) રાજકીય પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) એ પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાનારી ચૂંટણીમાં (Election) ભાગ લેવાની જાહેરાત કરી છે. પાર્ટીએ તમામ સંસદીય અને રાજ્ય વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પણ આ ચૂંટણીમાં ઝંપલાવશે. તેઓ નેશનલ એસેમ્બલી મતવિસ્તાર NA-127 લાહોરથી ચૂંટણી લડશે. દરમિયાન PMML કેન્દ્રીય પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુ NA-130 બેઠક પરથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ સુપ્રીમો અને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે ચૂંટણી લડશે. હાફિઝ સઈદની આ પાર્ટીનું ચૂંટણી ચિન્હ ખુરશી છે.

PMMLના પ્રવક્તાએ અખબાર ડોનને જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ દેશભરની તમામ સંસદીય બેઠકો અને પ્રાંતીય બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. તાબિશ કય્યુમે દાવો કર્યો હતો કે અમે એકપણ સીટ બિનહરીફ છોડી નથી. જો કે તેમનું કહેવું છે કે જો સંપર્ક કરવામાં આવે તો તેમનો પક્ષ અન્ય પક્ષો સાથે બેઠકો ગોઠવવા માટે તૈયાર છે.

PMML એ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના રાજકીય ચહેરા મિલ્લી મુસ્લિમ લીગ તરીકે 2018 ની સામાન્ય ચૂંટણીઓમાં ભાગ લીધો હતો પરંતુ કોઈપણ મતવિસ્તારમાંથી આશાસ્પદ પરિણામો મેળવવામાં નિષ્ફળ રહી હતી. તેના તમામ ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ જમાત-ઉદ-દાવા અને તેના રાજકીય જૂથ મિલ્લી મુસ્લિમ લીગ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે તેણે તેનું નામ બદલીને પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ રાખ્યું હતું.

તમને જણાવી દઈએ કે લશ્કર-એ-તૈયબા (LET)ના સ્થાપક હાફિઝ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JUD)ના કેટલાક અન્ય નેતાઓ સાથે આતંકવાદી નાણાંના અનેક કેસમાં દોષિત જાહેર થયા બાદ 2019થી જેલમાં છે. પાકિસ્તાન મિલ્લી મુસ્લિમ લીગ (PMML) પાર્ટીનું કહેવું છે કે તે એક રાજકીય પક્ષ છે જેનું ચૂંટણી પ્રતીક ‘ખુરશી’ છે.

Most Popular

To Top