Top News

More Posts

   The Latest

Most Popular

સુરત(Surat) : દિવાળી (Diwali) નજીક આવતા ફરી એકવાર શહેરની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં (AnjaniIndustry) અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઈન્ડસ્ટ્રીઝના એક કારખાનાની ઓફિસમાં ઘુસી વીવર (Weavers) પર બે હુમલાખારોએ છરીથી હુમલો (Attack) કર્યો હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ (ViralVideo) થતા પોલીસ દોડતી થઈ છે. સીસીટીવી (CCTV) ફૂટેજની મદદથી અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

  • અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીમાં અસામાજિક તત્વો બેફામ
  • અજાણ્યા હુમલાખોરો અડધી રાત્રે લૂંટના ઈરાદે કારખાનામાં ઘુસ્યા
  • વીવર પર છરીથી હુમલો કર્યો, અંજનીના વીવરોમાં ગભરાટ ફેલાયો
  • પોલીસે ડીવીઆર કબ્જે લઈ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી

વીડિયોમાં જોઈ શકાય છે કે, મંગળવારની રાત્રે 1.20 વાગ્યાના અરસામાં અંજની ઈન્ડસ્ટ્રીના એક કારખાનાની ઓફિસમાં બે હુમલાખોરો છરી લઈ લૂંટ કરવાના ઈરાદે ઘુસી ગયા હતા. કારખાનામાં મશીનોના ઘોંઘાટ વચ્ચે આ બે હુમલાખોરોએ ઓફિસની અંદર બેઠેલા 36 વર્ષીય યુવાન વીવર અનિલ ગોરધનભાઈ ડોંડાને ચપ્પુની અણીએ બાનમાં લીધો હતો. હુમલાખોરોથી બચવા વીવરે પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી. બંને હુમલાખોરોએ વીવરને માર માર્યો હતો અને આખરે તેને લૂંટીને જતા રહ્યાં હતાં.

હુમલા અને લૂંટની ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે અંજની ઈન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 134-135માં અનિલ ગોરધનભાઈ ડોંડા કાપડનું કારખાનું ચલાવે છે. અનિલ ડોંડા મૂળ ભાવનગરના વતની છે. સુરતની અંજની ઈન્ડસ્ટ્રીમાં તેઓ પોતાની માલિકીનું કારખાનું ધરાવે છે.

મંગળવારની મધ્યરાત્રિએ તેઓ પોતાના કારખાનાની ઓફિસમાં બેઠાં હતાં ત્યારે અંદર ઘુસી બે હુમલાખોરોએ છરી સાથે તેમની પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તે વીવરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન ઘટનાનોું રેકોર્ડિંગ જોવા માટે પોલીસે ડીવીઆર કબ્જે લીધું હતું. સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરોને ઓળખી તેઓને પકડવાની દિશામાં અમરોલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

હુમલાનો ભોગ બનનાર કારખાનેદાર અનિલ ગોરધનભાઈ ડોંડાની ફાઈલ તસવીર.

અંજની ઈન્ડસ્ટ્રીના કારખાનેદારોમાં ભયનો માહોલ
દરમિયાન હુમલાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા અંજની ઈન્ડસ્ટ્રીના કારખાનેદારો ગભરાયા હતા. દર વર્ષે દિવાળીમાં અહીં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો હોઈ કારખાનેદારો દિવાળી સામે કારખાના ચલાવવા કે નહીં તે અંગે મૂંઝવણમાં મુકાયા હતા. અગ્રણી કારખાનેદારોએ અસામાજિક તત્વો અને હુમલાખોરો સામે પોલીસ સખ્ત કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી.

To Top