Charchapatra

રાજકોટ જેલ કેદીઓની મુકિત: સ્તુત્ય પ્રયોગ

રાજકોટની મધ્યસ્થ જેલમાં છેલ્લાં 18 (અઢાર) વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓને સજામાંથી મુક્તિ આપી સમાજમાં પુન:સ્થાપિત કરવાની તાજેતરમાં ઘટના બહાર આવી છે. 18 વર્ષ પૂર્વે હત્યાના ગુનામાં બે મકવાણા બંધુઓને અમરેલી કોર્ટ આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ બન્ને પાકા કામનાં કેદીઓને રાજકોટની જેલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બન્ને કેદીઓને રાજ્ય માફી યોજના (સારી કામગીરી કરવા બદલ) તો લાભ આપીને જેલમુક્ત કરવામાં આવ્યા છે. મુકત કરતાં બન્ને કેદીઓની આંખોમાં હર્ષાશ્રુધારા સાથે સમાજની વચ્ચે રહીને રચનાત્મક, સુવાસભર્યા નિ:સ્વાર્થ સેવા કાર્યો કરવાની બુલંદ ઇચ્છા પ્રકટ કરી હતી, જે અભિનંદનીય છે.

ગુજરાતની જેલોના વડાઓએ તથા સન્માનનીય ન્યાયાધીશ સાહેબોએ વ્યકિતસુધારણા કાર્યક્રમ-હેતુ અનુસાર સારી વર્તણૂક, કામગીરી કરનારા પ્રશ્ચાત્તાપવાળાં કેદીઓને ફરી સમાજમાં પુન: સ્થાપિત કરવા છોડવા જોઇએ. ઘણી વાર નિર્દોષ માણસો પણ જામીનગીરી ન આપી શકવાને કારણે કે થોસ દલીલોને કારણે જેલમાંથી મુકિત પામતાં નથી. બીજું, રાજ્યમાં વડી અદાલતો, શહેરોની અદાલતોમાં પૂરતા પ્રમાણમાં જજડ સાહેબોની નિમણૂક લાંબા સમયથી ખાલી હોવાના અહેવાલો આવ્યા છે ત્યારે રાજ્ય સરકારે ન્યાયાધીશ સાહેબોની નિમણૂક કરવાથી હજ્જારો કેસોનો ભરાવો થયેલો છે તે દૂર થશે. ક્ષણિક આવેશમાં કરેલાં કામ થકી જેલમાં જવાનો વારો આવે છે ત્યારે વ્યકિતઓએ થોડી ક્ષણ થોભી શાંત ચિત્તે પરિણામનો વિચાર કરે તો જેલ કે પોલીસ કસ્ટડીમાં જવાનો અવસર જ પ્રાપ્ત ન થાય એ આપણા જ હાથમાં છે.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top