World

સિરીયાના મિલીટરી બેઝ પર ઈઝરાયેલના હુમલા બાદ યુએન ચીફે કરી આવી માંગણી

નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. આજે બંને વચ્ચેના યુદ્ધનો 19મો દિવસ છે. ઈઝરાયેલની આર્મીએ મંગળવારની મધ્ય રાત્રિએ સિરીયાના આર્મી બેઝ કેમ્પ પર હુમલો કર્યો હતો. આઈડીએફએ કહ્યું કે, ગોલાન હાઈટ્સમાં ઈઝરાયેલી સમુદાય પર સિરીયા તરફથી રોકેટ છોડવામાં આવ્યું હતું, તેના વળતા જવાબમાં ઈઝરાયલ દ્વારા હુમલો કરાયો હતો.

ઈઝરાયેલની વાયુસેનાએ સીરિયાના સૈન્ય મથક પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં 8 સીરિયન સૈનિકો માર્યા ગયા છે. આ હુમલામાં સીરિયાના 7 સૈનિકો પણ ઘાયલ થયા છે. સીરિયન મીડિયાએ જણાવ્યું છે કે સવારે 1.45 વાગ્યે સીરિયાના દારા દેહત વિસ્તારમાં એક સૈન્ય મથક પર ગોલાન હાઇટ્સ પરથી મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા. નજીકના ઘણા સૈન્ય મથકો પણ નાશ પામ્યા હતા.

બીજી તરફ યુએને ઈઝરાયેલ-હમાસના યુદ્ધમાં વિરામની માંગ કરી છે. યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે આ યુદ્ધમાં પેલેસ્ટિનિયનો જે સહન કરી રહ્યાં છે તેમ છતાં હમાસના હુમલાને યોગ્ય ગણાવી શકાય નહીં. તે જ રીતે હમાસના હુમલા માટે તમામ પેલેસ્ટાઈનીઓને સજા કરવી તે પણ યોગ્ય નથી.

ગુટેરેસના આ સ્ટેટમેન્ટ બાદ ઈઝરાયેલના પ્રતિનિધિએ તેમના રાજીનામાની માંગણી કરી હતી. અમેરિકાએ પણ કહ્યું કે તે હજુ સુધી યુદ્ધ વિરામના સમર્થનમાં નથી. કારણ કે તેનાથી હમાસને જ ફાયદો થશે.

આ અગાઉ મંગળવારે ઈઝરાયેલી સેનાએ ગાઝાના ખાન યુનિયનમાં રેડ ક્રેસન્ટ હેડક્વાર્ટર અને અલ અમલ હોસ્પિટલ પર હવાઈ હુમલા કર્યા હતા. આ ઠેકાણાઓ પર અંદાજે 4 હજાર પેલેસ્ટિનિયનોએ આશ્રય લીધો હતો. મોટી સંખ્યામાં અહીં લોકો માર્યા ગયા છે. ચોક્કસ આંકડો હજુ બહાર આવ્યો નથી.

દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, ઈંધણના અભાવે ગાઝાની 6 હોસ્પિટલો બંધ કરવી પડી હતી. તેમાં 1 હજાર લોકો ડાયાલિસિસ પર હતા. જ્યારે 130 પ્રિમેચ્યોર બાળકો છે. પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આ દર્દીઓએ હોસ્પિટલમાં જ જીવ ગુમાવવો પડી શકે છે.

Most Popular

To Top