Vadodara

સારસામાં 5 ધાડપાડુએ વૃદ્ધ દંપતી પર હુમલો કરી 9.40 લાખની લૂંટ કરી

વડોદરા: આણંદના સારસા ગામમાં ત્રાટકેલા ધાડપાડુએ ખેડૂતના ઘરને નિશાન બનાવી તેમાં ઘુસ્યાં હતાં. આ શખ્સોએ કોસથી વૃદ્ધ પતિ – પત્નીના હાથ -પગ ભાંગી નાંખ્યાં હતાં. બાદમાં પતિને દબાવી દઇ પત્નીને ચપ્પાના અણીએ તિજોરી પાસે લઇ જઇ તેમાંથી દાગીના અને રોકડ અઢી લાખ સહિત કુલ રૂ.9.40 લાખની મત્તા લૂંટી લેતા ચકચાર મચી ગઈ હતી. દિવાળીના તહેવાર ટાણે આ પ્રકારની લૂંટથી પંથકમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઈ છે.

સારસા ચોકડી નજીક ખેતરમાં રહેતા પુનિતભાઈ બુધાભાઈ પટેલ (ઉ.વ.62) ખેતી કામ કરે છે અને તેમના પત્ની નમ્રતાબહેન સાથે રહે છે. જ્યારે તેમનો પુત્ર મિરવ ચારેક વર્ષથી કેનેડા રહે છે. પુનિતભાઈ 23મીની રાત્રિના જમીન પરવારી સુઇ ગયા હતા. તેઓ મકાનના હોલમાં સુઇ ગયા હતા અને તેમના પત્ની અંદરના રૂમમાં સુઇ ગયાં હતાં. આ દરમિયાન રાતના લગભગ બે – એક વાગ્યાના સુમારે કોઇ બે અજાણ્યા માણસો ઘરમાં ઘુસી આવ્યાં હતાં.

આ શખ્સોએ પુનીતભાઈનું મોઢું દબાવી દીધું હતું અને એકના હાથમાં કોસ હતી, તેનાથી એકદમ પગે મારવા કોશીષ કરી હતી. જોકે, પુનીતભાઈએ કોસ પકડી લેતા હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં કોસ મારવા ફરી વળ્યા હતાં. આ સમયે તસ્કરોએ ધમકી આપી હતી કે, ‘કાકા કશુ બોલ્યો તો માથું ફાડી નાંખીશ.’ બાદમાં પુનિતભાઈના પત્ની નમ્રતાબહેન જે રૂમમાં સુતા હતા ત્યાં બે માણસો ઘુસ્યાં હતાં. તેઓએ તેમના ચપ્પુ બતાવી તિજોરીની ચાવી માંગી હતી. પુનિતભાઈને ફિલ્મીઢબે માણસોએ પકડી રાખ્યાં હતાં.

જ્યારે બે માણસો ચપ્પુ લઇ નમ્રતાબહેન પાસે ઉભા હતાં. જ્યારે એક માણસ દેખરેખ રાખી આંટા મારતો હતો. આ ધાડપાડુઓએ નમ્રતાબહેન પાસેથી તિજોરીની ચાવી લઇને તિજોરી ખોલી હતી. જેમાંથી રોકડા તથા સોનાના દાગીનાની લૂંટ કરી દંપતીને રૂમમાં પુરી દઇ આગળથી બંધ કરી દીધા હતા. જ્યારે મોબાઇલ ઝુંટવી બાથરૂમમાં ડબલાના પાણીમાં નાંખી દીધાં હતાં. બાદમાં ભાગી ગયાં હતાં.

આખરે વૃદ્ધ દંપતીએ બુમાબુમ કરતાં ખેતરમાં કામ કરતાં જગદીશભાઈ ઠાકોર દોડી આવ્યાં હતાં અને ઘરમાં તપાસ કરતાં અઢી લાખ રોકડા, સોનાનો સેટ, મંગળસૂત્ર, સોનાના ચેઇન, વીંટી, બુટ્ટી મળી કુલ રૂ.9.40 લાખની લૂંટ કરી હતી. આ અંગે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડીયા સહિતની ટીમ સ્થળ પર પહોંચ્યાં હતાં અને પગેરૂ દબાવ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે અજાણ્યા ધાડપાડુ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હુમલાખોરો 22થી 25 વર્ષની ઉંમરના હતા
ધાડપાડુ 5 શખ્સ હતાં. તેઓ લગભગ 22થી 25 વર્ષની ઉંમરના જણાતાં હતાં. ઉંચાઇ લગભગ પાંચેક ફુટની હશે તેમજ મધ્યમ બોડીના હતાં. તેઓ ગુજરાતી ભાષા સાથે તુટી ફૂટી હિન્દી મિક્સ કરી બોલતાં હતાં. આ શખ્સો આસપાસના જ હોવાની ભાષા જણાતી હતી. તેઓએ મોઢા પર રૂમાલ અને માસ્ક પહેરેલા હતાં. આ શખ્સોએ પુનિતભાઈને પકડી દબાવી દીધાં હતાં. – પુનિતભાઇ પટેલ, ફરિયાદી

Most Popular

To Top