SURAT

સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થતાં મુંબઈમાં હીરાની આટલી ઓફિસો બંધ થાય તેવી ચર્ચા

સુરત(Surat) : શહેરના છેવાડે ખજોદમાં સરકારના ડ્રીમ સિટી (DreamCity) પ્રોજેક્ટની અંદર રૂપિયા 3400 કરોડના ખર્ચે સુરતના હીરાવાળાઓએ આલિશાન સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse) ઉભું કરી દીધું છે. દશેરાના (Dusshera) દિવસે આ બુર્સમાં 983 હીરાના વેપારીઓએ ઓફિસોમાં કુંભ સ્થાપના કરી છે. હવે 21 નવેમ્બરથી આ વેપારીઓ ઓફિસો શરૂ કરશે. ત્યાર બાદ તા. 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendraModi) વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે. સુરતમાં બુર્સ ધમધમતું થવાના લીધે સૌથી મોટો ફટકો મુંબઈના (Mumbai) હીરા ઉદ્યોગને પડશે તેમ માનવામાં આવી રહ્યું છે. સુરતમાં ખૂબ મોટી સંખ્યામાં ડાયમંડની ઓફિસો બંધ થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરકારની આર્થિક મદદ વિના સુરતના હીરાના વેપારીઓએ અંદાજે રૂ. 3400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બિઝનેસ હબ બનાવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ નામના આ ડાયમંડ હબને વિશ્વની સૌથી મોટી ઇમારતનો ખિતાબ પણ મળ્યો છે, જે ખિતાબ અત્યાર સુધી પેન્ટાગોન બિલ્ડીંગ પાસે હતું. સુરતમાં બનેલા સુરત ડાયમંડ બુર્સને કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર સરકારને ટેક્સ સ્વરૂપે મોટો આંચકો મળવા જઈ રહ્યો છે. કારણ કે મુંબઈમાં સ્થાયી થયેલા ગુજરાતી હીરાના વેપારીઓએ પોતાનો ધંધો બંધ કરીને સુરત તરફ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે.

વર્ષોથી સુરત શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. સુરત શહેરના હીરાના કારખાનાઓમાં પોલિશ્ડ કરવામાં આવતા હીરાની દેશ અને દુનિયાના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હીરાનો આ વ્યવસાય લાખો લોકોને રોજગાર પુરો પાડે છે. સુરતના હીરાના કારખાનાઓમાં કટ એન્ડ પોલિશ્ડ થયેલા હીરાને વિશ્વના વિવિધ દેશોમાં મોકલવા માટે મુંબઈનો ઉપયોગ થતો હતો. મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાને કારણે સુરતના હીરાના વેપારીઓને મુંબઈમાં અલગ ઓફિસ ઉભી કરવી પડી હતી. જેના દ્વારા સુરતમાં કાપેલા હીરા મુંબઈથી વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા.

હવે આવું નહીં થાય, કારણ કે ગુજરાતના સુરતમાં બનેલ વિશ્વના સૌથી મોટા ડાયમંડ હબ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં સુરતના હીરાના વેપારીઓને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે હવે મુંબઈ થઈને વિશ્વમાં હીરાનો ધંધો કરતા સુરતના હીરાના વેપારીઓ મુંબઈમાંથી હીરાનો ધંધો બંધ કરીને સુરત તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

ખજોદમાં 67 લાખ ચો.ફૂટ જમીનમાં 14 માળના 9 ટાવર બનાવાયા
સુરતના ખજોદ વિસ્તારમાં સરકારે જાહેર કરેલા ડ્રીમ સિટી પ્રોજેક્ટની 67 લાખ ચોરસ ફૂટ જમીન પર 14 માળના 9 ટાવર બનાવવામાં આવ્યા છે. આ ટાવર્સમાં વિવિધ ડાયમંડ કંપનીઓની 4600 ઓફિસો આવેલી છે. આ ઓફિસ બિલ્ડીંગ તૈયાર થાય તે પહેલા જ હીરાના વેપારીઓએ ખરીદી લીધી હતી. આ સુરત ડાયમંડ બુર્સ અંદાજે 3400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. સુરત અને મુંબઈના હીરાના વેપારીઓને એક છત નીચે લાવી શકાય તે માટે હીરાના વેપારીઓએ અહીં સરકાર પાસેથી બજાર કિંમત કરતાં વધુ કિંમત ચૂકવીને જમીન ખરીદી હતી.

હવે હીરાવાળાઓએ મુંબઈમાં ઓફિસ રાખવી નહીં પડે
અત્યાર સુધી વિશ્વના વિવિધ દેશોમાં હીરા મોકલવા માટે સુરતના વેપારીઓએ મુંબઈમાં પોતાનો અલગ ઓફિસ સ્ટાફ રાખવો પડતો હતો. મુંબઈમાં ઓફિસ ખોલવી પડતી હતી. મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાના કારણે ત્યાંથી જ સુરતના હીરાવાળાઓએ બિઝનેસ કરવો પડતો હતો. પરંતુ હવે સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારીને જરૂરી તમામ સુવિધાઓ છે. વિશ્વનું સૌથી મોટું કસ્ટમ હાઉસ તૈયાર છે. હવે સુરત એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ શરૂ થશે, જેના કારણે હવે સુરતના હીરાના વેપારીઓ મુંબઈને બદલે સુરતથી દુનિયાભરમાં તેમનો હીરાનો વ્યવસાય કરી શકશે.

સુરતના રિયલ એસ્ટેટને પણ મોટો ફાયદો
સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાથી સુરતની રિયલ એસ્ટેટને પણ મોટો ફાયદો થયો છે. કારણ કે જે લોકો મુંબઈથી શિફ્ટ થઈ રહ્યા છે તેઓને નવા મકાનની જરૂર છે. તેથી લોકો તેમના મકાનો ખરીદી રહ્યા છે. આ ઉપરાંત શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. શોપિંગ મોલમાં ખરીદદારોની સંખ્યા વધી રહી છે. સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનથી સુરતના દરેક વિસ્તારના લોકોને ફાયદો થશે. આ ઉપરાંત લગભગ 1 લાખ લોકોને એક છત નીચે રોજગાર પણ મળશે. સુરત ડાયમંડ બુર્સ શરૂ થતાં જ મુંબઈમાં ડાયમંડ બિઝનેસને લગતી 1000 જેટલી ઓફિસો કાયમ માટે બંધ થઈ જશે. જેના કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર સરકારને પણ ટેક્સમાં કરોડો રૂપિયાનું નુકસાન થશે.

Most Popular

To Top