Editorial

ભારતનો આર્થિક પાયો મજબૂત, છતાં વિપરીત વૈશ્વિક પ્રવાહોના આંચકા તેને લાગી શકે છે

વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારત સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું અર્થતંત્ર બન્યું છે. અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન જેવા મોટા અર્થતંત્રોનો આર્થિક વિકાસ કોવિડના રોગચાળા પછી ધીમો પડ્યો છે, ભારતનો આર્થિક વિકાસ પણ રોગચાળા પછી ધીમો તો પડ્યો છે પરંતુ આમ છતાં આ અન્ય અર્થતંત્રોના પ્રમાણમાં તેના આર્થિક વિકાસની ઝડપ નોંધપાત્ર વધારે રહી છે. ભારત એ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતા મોટા અર્થતંત્ર તરીકેના સ્થાને જ રહેશે, જે મજબૂત ડોમેસ્ટિક ફંડામેન્ટલો અને હળવા થતા ફુગાવાની અપેક્ષાઓના ટેકે થશે એમ નાણા મંત્રાલયે સોમવારે એક અહેવાલમાં જણાવ્યું હતું.

નાણા મંત્રાલયના અહેવાલને કેટલાક એ દષ્ટિએ જુએ કે વરને વરની મા જ વખાણે! પરંતુ આઇએમએફ સહિતના વૈશ્વિક વિશ્લેષણકારોએ પણ ભારતનો આર્થિક વિકાસ મજબૂત હોવાની વાતને ટેકો આપ્યો છે. કોવિડ-૧૯નો રોગચાળો અંકુશમાં આવ્યો પછી ચીન સૌથી વધુ ઝડપે બેઠા થઇ જનાર અર્થતંત્ર તરીકે આગળ આવ્યું હતુ઼ પરંતુ તેની કેટલીક વિચિત્ર નિયંત્રણકારી નીતિઓ તેને નડી ગઇ. તેના અર્થતંત્રમાં છેલ્લા કેટલાક સમયમાં સમસ્યાઓ ઉભી થઇ છે અને ગુંચવાડાભર્યો માહોલ છે જયારે ભારતના અર્થતંત્રનો પાયો મજબૂત છે. અમેરિકાની અનેક બેંકો તૂટી, યુરોપની કેટલીક બેંકોમાં પણ તકલીફો સર્જાઇ, પરંતુ ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં કોઇ મોટી દુર્ઘટનાઓ સર્જાઇ નહીં.

નાણા મંત્રાલયની માસિક આર્થિક સમીક્ષાની સપ્ટેમ્બર આવૃતિએ વૈશ્વિક અચોક્કસતાની બાબત પણ દર્શાવી છે જે ઇરાની અખાતના હાલના ઘટનાક્રમથી વધુ ગુંચવાડાભરી બની છે અને સ્થિતિ કઇ રીતે વળાંક લે છે તેના પર અને ક્રૂડ ઓઇલની કિંમતો કેટલી ઉંચે જાય તેના પર આધાર રાખે છે. વધુમાં, અમેરિકી ટ્રેઝરીઓનો એકધારો સપ્લાય અને અમેરિકાની નિયંત્રણાત્મક મોનેટરી પોલિસી આપણા દેશની નાણાકીય સ્થિતિઓને પણ નિયંત્રણ હેઠળ રાખશે.

મંત્રાલયે નોંધ્યું છે કે નીચી વેપાર ખાધ અને સાનુકૂળ ફોરેક્સ રિઝર્વ્સ પોઝિશનને કારણે ભારતનું એક્સટર્નલ એકાઉન્ટ મજબૂત જણાય છે. આ બધાનો પડઘો પાડતા આરબીઆઇના મેન્યુફેકચરીંગ, કન્ઝ્યુમર કોન્ફીડન્સ, રોજગાર અને ફુગાવાની અપેક્ષાઓના સર્વેક્ષણોના આશાવાદી તારણો છે. આઇએમએફના અંદાજો પણ એ વાતને સમર્થન આપે છે કે ભારત નાણાકીય વર્ષ-૨૪ દરમ્યાન ભારત એ સૌથી વધુ ઝડપે વિકસતા મોટા અર્થતંત્ર તરીકે ચાલુ રહેશે એમ આ અહેવાલ જણાવે છે.

આઇએમએફએ વૈશ્વિક વિકાસનો અંદાજ નાણાકીય વર્ષ ૨૪ માટે ૩ ટકાના દરે યથાવત રાખ્યો છે જ્યારે તેણે ભારતના વિકાસ માટેનો તેનો અંદાજ ૨૦ બેઝિસ પોઇન્ટથી સુધારીને ઓકટોબરમાં ૬.૩ ટકા કર્યો છે. આ બાબત દર્શાવે છે કે વૈશ્વિક અચોક્કસતાઓ અને નવા ભૂરાજકીય પડકારો વચ્ચે ભારતની આર્થિક મજબૂતીમાં વૈશ્વિક વિશ્લેષણકારોનો વિશ્વાસ વધ્યો છે એમ મંત્રાલયે જણાવ્યું હતું. જો કે ઘરેલુ મેક્રો ફંડામેન્ટલો મજબૂત છે અને સુધરી રહ્યા છે, ત્યારે વૈશ્વિક પવનો અને અચોક્કસતાઓમાંથી ડાઉનસાઇડ જોખમો ઉભા થઇ રહ્યા છે એમ પણ તેણે વધુમાં જણાવ્યું છે. આ આર્થિક સમીક્ષામાં નાણા મંત્રાલયે ભારતનો આર્થિક પાયો મજબૂત હોવાનું જણાવીને તે સાથે જ વિપરીત વૈશ્વિક પ્રવાહો ભારતને માટે મુશ્કેલી સર્જી શકે છે એમ જણાવ્યું છે તે યોગ્ય જ છે.

છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ ભારતને બહુ અસર કરી શક્યું નથી. રોગચાળાના આંચકા પછી પાટા પર ચડીને ઝડપભેર દોડવા માંડેલું ભારતનું અર્થતંત્ર રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતમાં થોડા આંચકાઓ ખાઇને ફરીથી દોડવા માંડ્યું હતું પરંતુ હવે મધ્ય પૂર્વની કટોકટીએ મોટી ચિંતા સર્જી છે. જો આ યુદ્ધ વિસ્તરે કે વધુ વકરે તો સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને તેનાથી રશિયા-યુક્રેન યુદ્ધ કરતા મોટા આંચકા લાગી શકે છે અને ભારત પર પણ તેની મોટી અસર થઇ શકે છે.

સોમવારે ભારતીય શેરબજારમાં થયેલો મોટો કડાકો એક સૂચક બાબત છે. નીતિ ઘડવૈયાઓએ હવે વૈશ્વિક પ્રવાહો પર ખાસ નજર રાખવી પડશે. મધ્ય પૂર્વની કટોકટી કેટલી લંબાય અને કેવો વળાંક લે તેના પર ઘણો આધાર છે. મધ્ય પૂર્વના ઘટના ક્રમો રશિયા-યુક્રેન યુદ્ધ કરતા વધુ વ્યાપક પ્રભાવ વૈશ્વિક સ્તરે પાડવા માટે સક્ષમ છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આ ક્ષેત્રની કોઇ મોટી ઘટના આખા વિશ્વમાં આંચકાઓ ફેલાવી શકે છે. આજે સમગ્ર વિશ્વ સંકુલ બની ગયુ઼ છે અને એક ભાગના પડઘા બીજા ભાગમાં ઝડપથી પડે છે તેવા સંજોગોમાં દેશના અર્થતંત્રનો પાયો મજબૂત હોવા છતાં આવા ઘટનાક્રમોને અવગણી શકાય નહીં.

Most Popular

To Top