Charchapatra

બિનઆરોગ્યપ્રદ ખોરાક પણ છે મૃત્યુના કારણમાં

છેલ્લા કેટલાય સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના બનાવો વધતા જાય છે. હમણાં જ સમાચારોમાં વાંચવામાં આવ્યું કે ગરબે ઘૂમતા જ 13 જેટલા યુવાનોનાં મૃત્યુ હાર્ટ એટેકથી થયાં છે. ડોક્ટરોના મતે હાલની યુવા પેઢીઓના બદલાયેલા ખાનપાનના કારણે આવા બનાવો બનવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. યુવાનો ફાસ્ટ ફુડ ખાઈને હાર્ટ એટેકને સીધું આમંત્રણ આપે છે. આપણે ત્યાં નાનાં બાળકોને અતિપ્રિય એવા પેકિંગમાં મળતા વેફર કે અન્ય ફાસ્ટ ફુડ ચેક કરી લેજો. જો સ્વાદમાં ફરક લાગે અને બાળકને તકલીફ જેવું લાગે તો બાળકોને તૈયાર નાસ્તો આપવાનું ટાળવું જોઈએ.

કારણ કે ફુડ પેકેટને લાંબો સમય સાચવવા તેમાં કીટનાશક મેળવવામાં આવતું હોય છે, જે ખાનારા તમામ માટે નુકસાનકર્તા છે. આજે આપણે ત્યાં દરેક પ્રસંગોમાં જમવામાં પ્રથમ દૂધની વાનગી જ હોય છે. એમાં ખાસ કરીને એક શાક તો પનીરનું હોય જ. હમણાં અમદાવાદમાં જથ્થાબંધ ડુપ્લીકેટ પનીર પકડાયું તે પુરવાર કરે છે કે બજારમાં હવે ડુપ્લિકેટ દૂધની પ્રોડક્ટનું મોટી માત્રામાં આગમન થઈ ચૂક્યું છે. બટર અને ચીઝનો આજે યુવાનોમાં ભારે ચટાકો લાગ્યો છે. કાયમ ચીઝ બટર ખાનારા હાર્ટ એટેકને ખુલ્લું આમંત્રણ આપે છે.

જાણકારો કહે છે કે દૂધના ઉત્પાદન પ્રમાણે જેટલી માત્રામાં પનીર બટર કે ચીઝ બને છે એના કરતાં વપરાશ અનેકગણો વધારે છે તો એનો મતલબ એ જ કે કેટલીયે પ્રોડક્ટ ડુપ્લીકેટ બનતી હશે અને આપણે તે હોંશે હોંશે ખાઈએ પણ છીએ. યુરિયા અને કીટનાશક કેમિકલથી ઉગાડવામાં આવતાં શાકભાજી અને તેલ ઘી જેવી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ થતી હોઈ આપને ખાસ કરીને હાર્ટ એટેક અને ચામડીના તેમજ અન્ય રોગોના શિકાર બનતાં હોઈએ છીએ તે જાણવા છતાં આપણી પાસે ખોરાક માટે બીજા વિકલ્પ ન હોઈ નાછુટકે ખાવું પડે તે પણ આપણી લાચારી જ કહી શકાય.
સુરત     – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top