Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : ઉમરેઠના આશીપુરા ગામે રહેતા 46 વર્ષિય આધેડે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે ગંભીર નોંધ લઇ આધેડને 20 વરસથી સખત કેદની સજા ફટકારી હતી. ઉમરેઠના આશીપુરા ગામે રહેતા જગદીશ નટુભાઈ પટેલ (ઉ.વ.46)એ 28મી ફેબ્રુઆરી,2017ના રોજ રાત્રિના એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તેને અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે દૂષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે ઉમરેઠ પોલીસે જગદીશ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. જેમાં 20મી માર્ચ,17ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.

જરૂરી કાર્યવાહી બાદ આ કેસની ચાર્જશીટ મુકવામાં આવતાં કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકિલ એ.કે. પંડ્યાની દલીલો અને 10 પુરાવા, 9 સાહેદોની તપાસ્યા બાદ ન્યાયધિશે જગદીશ પટેલને આઇપીસી 363માં ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજા. આઈપીસી 366માં સાત વર્ષની સખત કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ  છ માસની સાદી કેદની સજા અને પોક્સો એકટ અંતર્ગત 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.20 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો. જોકે, આ તમામ સજા એક સાથે ભોગવવા જણાવ્યું હતું. આ ઉપરાંત રૂ. ચાર લાખ ભોગ બનનારને વળતર તરીકે ચુકવવા હુકમ કરવામાં આવ્યો હતો.

To Top