Business

ઍેન્ડ ધ અવૉર્ડ ગોઝ ટુ મિસિસ ડફોળ!

કહે છે કે મૂરખને માથે શિંગડાં નથી ઊગતાં , પણ મૂરખ જો શિક્ષિત હોય- જાણીતી બૅન્કના મોટા હોદ્દા પરથી તાજેતરમાં જ માનભેર નિવૃતિ લીધી હોય,છતાં એને કોઈ બહુ આસાનીથી છેતરી જાય તો એવા ભણેલા-ગણેલાને  સત્તાવાર મૂરખ કહેવાય કે નહીં ? હા, એમને મૂરખ કહેવડાવવાનો આપણને  પૂરો હક્ક છે. આવું હમણાં  જ  થયું.  એક 60 વર્ષી મહિલા થોડા મહિના પહેલાં એક રાષ્ટ્રીયકૃત બેંકના જનરલ મેનેજર જેવાં ઉચ્ચ પદ પરથી નિવૃત થયાં. રિટાયરમેન્ટનો આનંદ લઈ રહ્યાં હતાં એવામાં  એક પત્ર એમને મળ્યો.એક કંપનીએ પોતાનાં ૧૫ વર્ષ પૂર્ણ થયા એની ખુશાલીમાં લોટરી ડ્રોનું આયોજન કર્યું હતું.પત્રની  સાથે એક સ્ક્રેચ કાર્ડ હતું, જે ઘસવાથી એક  નંબર નજરે ચઢે,જેની તમારે પત્રમાં આપેલા ફોન નંબર પર જાણ કરવાની..

પેલી માનુનીએ જિજ્ઞાસા ખાતર કાર્ડ સ્ક્રેચ કર્યું તો એના પર જે આંક હતો તેની પેલા ફોન નંબર પર જાણ કરી. બે દિવસ પછી  એમનાં આનંદનો ગુણાકાર થાય એવા સમાચાર ફોન પર મળ્યા કે  ‘યુ આર અ લકી વિનર ઑફ અવર મેગા લોટરી ડ્રો’ ..સામે છેડે કોઈ મિસ્ટર કૌશલ દત્ત હતા (નામ બદલ્યું છે). એમણે આપણાં આ ખુશખુશાલ લોટરી વિનરને હવે  ઈનામની રક્મ કેમ મેળવવી એની વિધિ સમજાવી કે લોટરીની રકમ જંગી હોવાથી વિજેતાએ એ રકમ મેળવવા માટે પહેલાં સર્વિસ ટેક્સ- ઈન્કમ ટેક્સ અન્ય બીજાં ખર્ચ ઉપરાંત  પ્રોસેસિંગ ફી,ઈત્યાદિ ચૂકવવા પડશે પછી પેલા મિસ્ટર કૌશલ દત્તના બતાવ્યા મુજબ પેલાં લોટરી વિજેતા બહેને વિભિન્ન એકાઉન્ટમાં  અલગ અલગ તબક્કે કહેવામાં આવેલી  રકમ ઓનલાઈન ભરી પણ દીધી.સામે પક્ષેથી પણ કહેવામાં આવ્યું કે લોટરીની વિજેતા રકમ પાંચેક દિવસમાં વિનરના બૅન્ક એકાઉન્ટમાં જમા થઈ જશે. પાંચના પંદર દિવસ થઈ ગયા. પેલા કૌશલના ફોન આવવાના ને લાગવાના પણ બંધ થઈ ગયા એટલે પેલાં વિજેતાબહેનને શંકા જતા પોલીસ ફરિયાદ કરી.

પોલીસ તપાસ હમણાં ચાલુ છે અને તમારી જાણ માટે કહી દઈએ કે વિજેતાને ઈનામી રકમ મળવાની હતી ૭ લાખ રૂપિયા અને આપણાં આ‘ભણેલાં-ગણેલાં’મિસિસ ડફોળે અતિ ઉત્સાહમાં આવીને  પેલા   ધૂતારા કલાબાજ કૌશલના વિભિન્ન  બૅન્ક ખાતામાં હોંશેહોશેં ભરી દીધા હતાં રૂપિયા 13 લાખ ..! બીજા શબ્દોમાં કહીએ તો મફતનો માલ મેળવવાની લાલચ  એ ‘વિદ્વાન’ મહિલાને આમ મોંઘી પડી.…  

 ગાલ -ચુંબનની ‘ઘરવાપસી’

ક્યારેક કાળચક્ર એ રીતે ફરતું હોય છે કે અમુક સમય માટે આપણી વર્ષો જૂની સંસ્કૃતિ – સંસ્કાર -રીતભાત અને ભાષા શુદ્ધિ ક્યારેક હંમેશ માટે તો ક્યારેક કામચલાઉ કાળની ગર્તામાં સરી જાય. છેલ્લાં બે વર્ષથી મહામારી કોરોનાએ જે કાળો કેર મચાવ્યો એમાં આપણે સ્વજનો-મિત્રો ગુમાવવા  ઉપરાંત રોજિંદી રહેણી-કહેણીથી પણ દૂર હડસેલી દીધા છે. ભૂલકાને વહાલની પપ્પી કરતા હતા-મિત્રને આનંદસહ ભેટી પડતાં – પ્રિયજનને આશ્લેષમાં લેતા એ દિવસો અચાનક અલોપ થઈ ગયા. ફ્રેન્ડ સાથેના હરખભેર હસ્તધૂનન-હેન્ડશેક હવે  બે હાથજોડીને નમસ્કારમાં પલટાઈ ગયા. ન રહેવાય તો એક્મેક્ના હાથની મુક્કી કે કોણી ટકરાવવી પડેનો તકાજો આવી ગયો છે. બે જાણીતા ચહેરા વચ્ચે ’સોશ્યલ ડિસ્ટન્સિંગ’ની ન ભેદી શકાય એવી અદ્શય દીવાલ ખડી થઈ ગઈ છે….

આપણે હજુ ઘણી વાર આપણા ભાવ-આવેશ જાહેરમાં વ્યકત કરવામાં સંકોચ અનુભવીએ છીએ. આપણી સરખમણીએ વિદેશોમાં-ખાસ કરીને ફ્રાન્સના લોકો મોકળા મને લવ  એક્સપ્રેસ કરવામાં એક્કા છે. સામાન્ય સંજોગોમાં એ મળે ત્યારે એકમેકના ગાલ પર હળવું ચુંબન કરે. ફ્રાન્સના લોકોનો આ મેળાપ વખતનો એક શિષ્ટાચાર છે. આને ફ્રેન્ચ ભાષામાં ‘ફૅર લ બીસ’ ( Faire la bise )  કહે છે. સ્વજન  કે આગંતુકને અપાતો આ મીઠો આવકાર છે, પરંતુ કોરોનાના કોલાહલમાં આવા મીઠડા આવકારનો જાણે દેશનિકાલ થઈ ગયો.આનાથી સૌથી વધુ દુ:ખી ફ્રાન્સના જ લોકો હતા. એમનો યુગો જૂનો વારસો જાણે  ઝૂંટવાઈ ગયો.  જો કે હવે ‘ઓમિક્રોન’ના તાજા ઉછાળાને અપવાદ ગણીએ તો કોરોનાનો કેર ઘટી રહ્યાના વાવડથી ફ્રાન્સનાં જુવાન હૈયાંઓ પાછા ગેલમાં આવી ગયા છે. ગાલ- ચુંબનની જુગલબંધી ફરી શરૂ થઈ ગઈ છે. સોશ્યલ ડિસ્ટન્સ-સામાજિક દૂરીને ભૂલાવીને પણ ત્યાં  ફરી‘ફૅર લ બીસ’ એટલે કે  ગાલ પર ચુંબનનો  મીઠો-માદક  ચિત્કાર બધાના કાનને રણકાવી રહ્યો છે…!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ

પોતાની વિશિષ્ઠ કામગીરી માટે ક્યારેક અમુક વ્યક્તિને અવનવી ઉપમા પણ મળતી હોય છે. તત્કાલીન દક્ષિણ આફ્રિકા સરકારની વિવાદાસ્પદ રંગભેદ નીતિ-રીતિ સામે જબરી ટક્કર જેમ નેલ્સન મંડેલાએ આપેલી એવી જ લડત ત્યાંના આર્કબિશપ ડેસમોન્ડ ટુટુએ પણ આપી હતી. અનેક વિભિન્ન જાતીયવંશીય  સમૂહ ધરાવતા દક્ષિણ આફ્રિકાને એમણે ‘રેન્બો નેશન’ની ઉપમા આપી હતી. તાજેતરમાં અવસાન પામેલા ટુટુને એમની  લડત માટે શાંતિનું નોબેલ પારિતોષિક પણ  મળ્યું  હતું. ટુટુએ ઍઈડ્સ પીડિતો ઉપરાંત  આવી બીજી સેવા-કામગીરી બજાવવા બદલ એમને ‘રેન્બો વૉરિયર’ તેમજ ‘નીતિમત્તાના કમ્પાસ’ જેવી યથાર્થ ઉપમા એનાયત થઈ છે…. આવું લાડકવાયું સંબોધન બહુ જ ઓછી વ્યક્તિને મળે!   નોંધાયેલા ઈતિહાસ મુજબ ઈશુ જન્મના 7000 વર્ષ  પહેલાંથી દંતચિકિત્સાનો બહોળો ઉપયોગ થતો આવ્યો છે.એ યુગમાં સૂક્ષ્મ ડેન્ટલ સર્જરી- દાંતની શસ્ત્રક્રિયા પણ થતી….

Most Popular

To Top