Business

ગુજરાતી રંગભૂમિ પારસીઓ વિનાની થઇ રહી છે, બરજોર પટેલ પણ ગયા

2020ના મે મહિનામાં રુબી પટેલનું અવસાન થયેલું અને હમણાં ચોથી જાન્યુઆરીએ બરજોર પટેલ પણ ગયા. ગુજરાતી પારસી રંગભૂમિ પર જ તેની સમાંતર મુખ્ય પ્રવાહની ગુજરાતી રંગભૂમિ પર પણ તેમનું યાદગાર પ્રદાન હતું.  I.N.T.ની પારસી વિંગ યાદ કરો ને તરત અદી મર્ઝબાન, બરજોર પટેલ અને રુબી પટેલ યાદ આવે. બરજોરભાઇ સક્રિય હતા ત્યારે દીનશાહ દાજી, પીલુ વાડિયા, દાદી સરકારી, નૌશીર રત્નાગર, દિન્યાર કોન્ટ્રાકટર, હોમી તવડીયા, ડોલી અને બોમી દોટીવાલા, નાદર નરીમાન જેવા કેટલાક પારસી અભિનેતાઓ ગુજરાતી નાટકમાં સક્રિય હતા. પછી દિન્યાર કોન્ટ્રાકટર જેવા જાણે એકલા પડી ગયા. હોમી વાડિયા, ડેઇઝી ઇરાની પારસી રંગભૂમિના કલાકારો નહોતા. ઘણા પારસી અભિનેતા, દિગ્દર્શકો પછી મુંબઇની અંગ્રેજી ભાષાની રંગભૂમિ પર જાણીતા થયા.

1930માં જન્મેલા બરજોરભાઇ નાટકોમાં આવ્યા તે અદી મર્ઝબાનને કારણે. અદી મર્ઝબાનના એક શિષ્ય તે ફિરોઝ આંટિયા ને બીજા તે બરજોર પટેલ. અદી મર્ઝબાનનાં જ ‘શિરીનબાઇનું શાંતિનિકેતન’ નાટકથી તેમણે નાટ્‌ય ક્ષેત્રની કારકિર્દી આરંભેલી. બરજોરભાઇ એલ.એલ.બી. થયેલા પણ વકીલાત કદી ન કરી. નાટક ઉપરાંત એડર્વટાઇઝિંગ ક્ષેત્રે તેમનું મોટું પ્રદાન. કોલકાતાના ધ સ્ટેટસમેન, દુબઈના ‘ધ ખલીજ ટાઇમ્સ’ ઉપરાંત ઘણા બધા વર્ષો સુધી તેઓ ‘ગુજરાતમિત્ર’ સાથે જોડાયેલા રહ્યા હતા. પણ લોકોને તેઓ યાદ રહેશે તે નાટકના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા તરીકે. અદી મર્ઝબાન સાથે તેમણે ‘અક્કલમંદ બેવકૂફ’, ‘મોટા દિલના મોટા બાવા’, ‘ઘસ્યો ફસ્યો ખસ્યો, હોરમસજીનું હનીમુન, મારી પછી કોણ?, સત્યવાદી સાવકશા, ગુસ્તાદજી ઘોરે ચરીયા, તાજ વગરના તહેમુલજી, અરધી રાતે આફત, દીનશાજીના ડબ્બા ગુલ વગેરે નાટકોમાં કામ કર્યું.

તેમણે હોમી તવડીયાનાં કેટલાંક નાટકોમાં ય કામ કર્યું. તેઓ ભારતીય વિદ્યાભવન સાથે પણ જોડાયેલા હતા અને તે વખતે ‘પીરોજા ભવન’ ખૂબ જાણીતું થયેલું નાટક. અદી મર્ઝબાન, ફિરોઝ આંટિયા, બરજોર પટેલ, રુબી પટેલ, હોમી તવડિયા વગેરેએ પારસી રંગભૂમિને લોકપ્રિય બનાવેલી.  I.N.T.એ  1968માં પારસી વિંગ શરૂ કરી અને તેમાં એક જુદા પ્રકારની નિયમિતતા આવી. તે વખતે અદી મર્ઝબાન અને બરજોર પટેલ જ મુખ્ય હતા. પહેલા બે નાટકો ‘તિરંગી તહેમુલ’ અને ‘ઘેર ઘુઘરો ને ઘોટાલો’નું દિગ્દર્શન પ્રવીણ જોશીએ કર્યું. 69માં ‘બાવાજીના બુચાઓ’ અને ‘કૂતરાની પૂછડી વાંકી’ નાટક આવ્યા. પછીના વર્ષે ‘લફરા સદન’, ‘તારું મારું બકલિયું’ આવ્યા જેના દિગ્દર્શક બરજોરભાઇ હતા.  I.N.T.એ પ્રવીણ જોષી, ચંદ્રકાંત ઠક્કર, અરવિંદ ઠક્કર, તારક મહેતા વગેરે પાસે કેટલાક પારસી નાટકોનાં દિગ્દર્શન કરાવ્યા જેથી એ નાટકો તેની લાક્ષણિક ઓળખથી જુદા પડયા. આ નાટકોમાં ‘લગનખેલ’ અને ‘રંગરસિયા હવે આટલેથી છટકો’ પણ યાદ કરી શકો.

પારસી નાટકોનો સાદો અર્થ પારસી કોમેડી નાટકો થાય. તે પ્રાકૃતિક આવેગોને પંપાળતા, ઉત્તેજતા હોય. દ્વિઅર્થી સંવાદો હોય, પરણેલાઓના લફડા હોય અને સેકસની આસપાસ તે ફરતા હોય. ‘છાનું ને છપનું કાંઇ થાય નહીં’ કે ‘રંગ રસિયા હવે આટલેથી છટકો’ નાટકો સેકસ કોમેડી તરીકે જ યાદ કરી શકો. પરંતુ બરજોર પટેલની કારકિર્દીના ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કો અદી મર્ઝબાન સાથેનો, બીજો તબક્કો I.N.T. સાથેનો અને ત્રીજો તબક્કો ‘બરજોર પટેલ પ્રોડકશન’ હેઠળ ભજવેલા નાટકોનો અને આ ત્રીજા તબક્કાના નાટક પારસી કોમેડી નાટકોથી અલગ છે. તેમના પ્રોડકશનનાં ‘દૈયા રે દૈયા બિછુઆ’ નાટકનું દિગ્દર્શન અરવિંદ જોષીએ કરેલું અને તેમાં સ્વયં અરવિંદ જોશી ઉપરાંત પરેશ રાવલ, મુકેશ રાવલ, નિકીતા શાહ હતા.

‘છબીલી રમતી છાનુંમાનું’નું દિગ્દર્શન પણ અરવિંદ જોષીનું જેમાં રુબી પટેલ, અરવિંદ જોષી, પરેશ રાવલ, ડેઇઝી ઇરાની હતા. બરજોર પટેલ પ્રોડકશનનાં જ ‘એક સપનું બડું શૈતાની’નું દિગ્દર્શન શફી ઇનામદારે કરેલું અને ‘બરફના ચહેરા’નું દિગ્દર્શન ફરી અરવિંદ જોષીનું છે ને તેમાં પરેશ રાવલ- અરવિંદ જોષી હતા. I.N.T.માં હતા ત્યારે અરવિંદભાઇ સાથે જે મૈત્રી થયેલી તે બંનેને અને નાટકોને સમૃધ્ધ કરનારી નીવડી. બરજોરભાઇ અને તેમના પત્ની રુબી પટેલ ફકત પારસી કોમેડી નાટકો કરવા નહોતા માંગતા એટલે જ ‘16મી જાન્યુઆરીની મધરાતે’ અને ‘હલ્લો ઇન્સ્પેકટર’ જેવા નાટકો I.N.T.માં હતા ત્યારે પણ કરેલા. બરજોર પટેલ અને રૂબી પટેલે અભિનય ઉપરાંત રંગભૂમિની શ્રેષ્ઠતા પણ પ્રાપ્ત કરવી હતી.અલબત્ત, વ્યવસાયી રહી.

બરજોર પટેલના નાટક પૂરા થાય પછી કર્ટનકોલ થતો અને નાટકના કલાકારો પ્રેક્ષકોનું અભિવાદન સ્વીકારતા. તેમણે આ કર્ટનકોલની પ્રથા કાયમી કરેલી. બરજોર પટેલ અને રુબી પટેલ એક લોકપ્રિય જોડી હતા. પછી તેઓ ઇંગ્લિશમાં નાટક કરતા થયા ત્યારે દીકરી શેરનાઝ પટેલ પણ કામ કરતા થયા. 1968થી 1978 દરમ્યાન I.N.T.માં કામ કર્યા પછી તેમણે ઘણા ઇંગ્લિશ નાટકોય કર્યા. શેરનાઝ પટેલની ઓળખ તો અંગ્રેજી ભાષાનાં નાટકોથી જ થઇ. બરજોર પટેલ પારસી જરૂર હતા પણ પારસી નહીં ‘રંગભૂમિ’ને વરેલા હતા. તેમણે અદી મર્ઝબાન ને ફિરોઝ આંટિયાએ ભજવેલા નાટકોની આવૃત્તિ કરી.

બીજાએ પારસી રંગભૂમિ ચલાવી છે પણ તેઓ પોતે તેમાંથી બહાર નીકળી ગયા હતા. ગુજરાતી રંગભૂમિ પર હવે પારસીઓ જ ઓછા થઇ ગયા છે ત્યારે બરજોર પટેલ યાદ આવશે. 1978થી તેમણે શરૂ કરેલા બરજોર પટેલ પ્રોડકશન્સથી જ રાહુલ દકુન્હા, રજીત કપૂર જેવા પણ પ્રતિષ્ઠા પામ્યા હતા. બરજોર પટેલ પરવેઝ મેરવાનજીએ 1989માં બનાવેલી ‘પારસી’ ફિલ્મમાં અભિનેતા તરીકે હતા. પણ તેઓ ફિલ્મ નહીં નાટકને જ વરેલા હતા. વિત્યાં થોડાં વર્ષથી તેઓ જાહેર જીવનમાં નહોતા. રુબીબેન ગયા પછી વધારે એકલતા ય અનુભવતા હતા અને હવે સ્વયં બરજોરભાઇ ગયા છે. સમજો કે પારસી અભિનેતા-અભિનેત્રી વિના હવે ગુજરાતી રંગભૂમિએ આગળ વધવાનું છે.

Most Popular

To Top