Dakshin Gujarat

પીપલોદમાં છોટુ વસાવા-મહેશ વસાવાને ચોર, ડાકુ કહી ભજન ગવાતાં સમર્થકોમાં રોષ

રાજપીપળા: ભારતીય ટ્રાઈબલ પાર્ટીના (BTP) ધારાસભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા (Chhotu Vasava) અને મહેશ વસાવા (Mahesh Vasava) વિરુદ્ધ આદિવાસી ડોવરી ભાષામાં (tribal Dovari language) ગવાયેલું એક ભજન સોશિયલ મીડિયામાં વાયરલ (video viral ) થતાં એમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે. વાયરલ થયેલા આ ભજનમાં છોટુ વસાવા-મહેશ વસાવાને ચોર, ડાકુ તરીકે સંબોધિત કરાતાં સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે.

નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવાએ આ ભજન ગાનાર અને વાયરલ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગની સાથે એમ પણ કહ્યું છે કે, આ કૃત્ય કરનાર સાથે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો એની BTP-BTTSની કોઈ જવાબદારી રહેશે નહીં. આ ચીમકી બાદ હવે એ જોવું રહ્યું કે, પોલીસ કડક કાર્યવાહી કરે છે કે કેમ??

નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવાએ રોષ વ્યક્ત કરી ડેડિયાપાડા પોલીસને જણાવ્યું છે કે, તા.29/12/2021ના રોજ પીપલોદ ગામના મંદિર ફળિયામાં જાન્યા ઉબડિયા વસાવાનાં પત્નીનો બારમામાં ભજનનો કાર્યક્રમ હતો. એ વેળા ‘ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ છોટુ વસાવા ચોર અને ડાકુ છે અને એમની ગાડી ચેક કરો તો એક બોક્સ બિયર, અને એક બોક્સ કોટારિયા નીકળે’ તેવી સ્થાનિક આદિવાસી ડોવરી ભાષામાં ઉપજાવી કાઢેલું ભજન જાહેર મંચ પર ગાઈ વિડીયો બનાવી માલસામોટના નરેશ પુનિયા વસાવાના મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે.

બહાદુર વસાવાએ વધુમાં એમ જણાવ્યું હતું કે, આ કૃત્યને લીધે તેમના સમર્થકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. જેથી કોઇ પણ સમર્થકોને જો ખોટું લાગશે અને આ ભજન ગાનાર સાથે જાહેરમાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) કે (BTTS) ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના હોદ્દેદારો કે કાર્યકરોની રહેશે નહીં. જેથી આવું હિન કૃત્ય કરનાર અને કરાવનાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે.

Most Popular

To Top