મોંઘા મકાનોના ક્રેઝ વચ્ચે મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા; પોસાય તેવા ઘરની અછતથી વેચાણના વોલ્યુમમાં ગાબડું
વડોદરા: દેશના ટિયર-2 શહેરોમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં વડોદરામાં પ્રોપર્ટીના વેચાણમાં 19% નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પ્રોપઈક્વિટીના તાજેતરના અહેવાલ મુજબ, વધતા જતા ભાવો અને બદલાતી જતી ગ્રાહકોની પસંદગીના કારણે વડોદરા સહિતના શહેરોમાં વેચાણના વોલ્યુમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક પ્લેટફોર્મ ‘પ્રોપઈક્વિટી’ ના આંકડા દર્શાવે છે કે વડોદરામાં અગાઉના વર્ષે કુલ 17,045 યુનિટ્સનું વેચાણ થયું હતું, જે વર્ષ 2025માં ઘટીને માત્ર 13,798 યુનિટ્સ પર આવી ગયું છે. આ 19% નો ઘટાડો એ બાબત તરફ ઈશારો કરે છે કે મધ્યમ વર્ગ માટે પોસાય તેવા એફોર્ડેબલ મકાનોની અછત વર્તાઈ રહી છે.
નિષ્ણાતોના મતે, વડોદરામાં જમીનના ભાવ અને બાંધકામ ખર્ચમાં થયેલો તોતિંગ વધારો મુખ્ય કારણ છે. અગાઉ વડોદરામાં 1 કરોડથી ઓછી કિંમતના મકાનોની માંગ સૌથી વધુ રહેતી હતી, પરંતુ હવે ડેવલપર્સ દ્વારા લક્ઝરી પ્રોજેક્ટ્સ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પરિણામે, મધ્યમ વર્ગના ખરીદદારો અત્યારે ‘થોભો અને રાહ જુઓ’ ની નીતિ અપનાવી રહ્યા હોય તેમ જણાય છે.
– ગુજરાતના અન્ય શહેરોની સ્થિતિ
વડોદરા ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે:
1.સુરત: વેચાણમાં 15% નો ઘટાડો (23,342 થી ઘટીને 19,835 યુનિટ).
2.અમદાવાદ: 8% નો ઘટાડો નોંધાયો છે, જોકે અમદાવાદ હવે ટિયર-2 માંથી ટિયર-1 શ્રેણીમાં પ્રવેશી ચૂક્યું છે.
3.ગાંધીનગર: અહીં પણ વેચાણમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે.
બોક્ષ:-વડોદરા રિયલ એસ્ટેટ: એક નજરે
વડોદરામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં વોલ્યુમની દ્રષ્ટિએ મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.
*વેચાણમાં ઘટાડો: 19% ગુજરાતમાં સૌથી વધુ ઘટાડો ધરાવતું શહેર.
*વેચાણ આંકડો: 17,045 યુનિટથી ઘટીને 13,798 યુનિટ.
*મુખ્ય કારણ: ₹1 કરોડથી નીચેના મકાનોના સપ્લાયમાં ઘટાડો અને લક્ઝરી સેગમેન્ટમાં વધતી જતી લોન્ચિંગ.
*ભાવમાં ઉછાળો: વેચાણ ઘટવા છતાં પ્રોપર્ટીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
નબળા વેચાણ પાછળ ‘મોંઘી લોન અને GST’ મુખ્ય જવાબદાર: બિલ્ડર પ્રીતેશ શાહ
”બિલ્ડરોએ કરોડોનું રોકાણ કરીને પ્રોજેક્ટ્સ તો તૈયાર કરી દીધા છે, પરંતુ ગ્રાહકો સુધી પહોંચવું હવે મુશ્કેલ બન્યું છે. બેંકો દ્વારા રેપો રેટમાં ઘટાડો ન કરાતા હોમ લોન મોંઘી પડી રહી છે, જેના કારણે સામાન્ય માણસ હપ્તાના ભારણને લીધે ઘર ખરીદવાનું ટાળી રહ્યો છે. આ ઉપરાંત, GSTમાં 20% જેવો તોતિંગ વધારો થતા મકાનોની મૂળ કિંમતમાં સીધો ઉછાળો આવ્યો છે. એક તરફ બાંધકામ ખર્ચ વધ્યો છે અને બીજી તરફ ટેક્સના ભારણે મકાનો 20% મોંઘા કરી દીધા છે. જો સરકાર અને બેંકો વ્યાજદરમાં રાહત આપે, તો જ આગામી સમયમાં વેચાણમાં તેજી આવી શકે તેમ છે. અત્યારે ખરીદદારો ભાવ ઘટવાની રાહ જોઈને બેસી રહ્યા છે જે બિલ્ડરો માટે ચિંતાનો વિષય છે.” બિલ્ડર પ્રીતેશ શાહ (પૂર્વ પ્રમુખ ક્રેડાઇ વડોદરા)