Top News

More Posts

   The Latest

Most Popular

સુરત : સુરતમાં આવેલી કેટલીક પ્રાઇવેટ કંપની, તેના ડાયરેક્ટર અને સરકારી કર્મચારીઓ દ્વારા એસબીઆઇ તેમજ કેનેરા બેંકની સાથે રૂા. 214 કરોડની ઠગાઇ કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદના આધારે સીબીઆઇ દ્વારા સુરતમાં ધામા નાંખીને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. કૌભાંડીઓએ પ્રાઇવેટ વાહનો ખરીદવાના નામે ટર્મ લોન લઇને બેંકોને ચૂનો ચોપડ્યો હોવાની વાત પણ બહાર આવી છે. તેમાં સિદ્ધિ વિનાયક લોજીસ્ટીક દ્વારા સંખ્યાબંધ ટ્રકો ખરીદીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

સિદ્ધી વિનાયકના પ્રમોટરો સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં ફ્રોડ ડોકયુમેન્ટસ મૂકીને તથા ગેરમાર્ગે દોરીને કરોડોનો ચૂનો લગાવાયો હોવાની વિગત જાણવા મળી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં કૌભાંડીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની તરફેણમાં વાહનોનું અનુમાન નહીં કરીને બેંક સાથે છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત બેંક દ્વારા જે કામ માટે લોન મંજૂર કરવામાં આવી છે તેની જગ્યાએ બીજા કામમાં લોનની રકમનો ઉપયોગ કર્યો હોવાનું પણ જણાવ્યું છે.

જ્યારે બીજા એક કેસમાં પ્રાઈવેટ કંપની, તેના ડાયરેક્ટર્સ તથા ગેરેન્ટર અને અજાણ્યા સરકારી કર્મચારીઓએ લોનની રકમમાં છેતરપિંડી, ખોટો ઉપયોગ તથા અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરીને કેનેરા બેંક સાથે 24.82 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ સીબીઆઇમાં કરી હતી. તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, પ્રાઈવેટ કંપનીએ જામીનગીરીને નવી રૂ.21.26 કરોડની લોન માટે હાઉસિંગ ફાયનાન્સ કંપનીને મોર્ગેજમાં મુકી હતી. આ ઉપરાંત એકાઉન્ટને એનપીએ (નોન પર્ફોમીંગ એસેટ) તરીકે જાહેર કરાયું હતું. લોન લેનારે પ્રાથમિક અને કોલેટરલ સિક્યોરિટીના ભાગને મોર્ગેજ તરીકે બેંકની એનઓસી મેળવ્યા વિના જ વેચી દીધી હતી. આ માટે સીબીઆઇ દ્વારા વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

To Top