Gujarat

સુરતના ભીમરાડમાં 10 કરોડના ખર્ચે ગાંધી સ્મારક-મ્યૂઝિયમનો વિકાસ કરાશે

ગાંધીનગર: રાજ્યમાં સુરત સહિત ચાર મહાનગરોમાં સરકાર દ્વારા પિકનિક સ્પોટર્સ વિકસાવાશે, જેમાં સુરત ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ કરાયો છે. વિધાનસભામાં પ્રવાસન વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે ચાર મહાનગરોમાં પ્રવાસન વિકસાવવા માટે કુલ પ્રોજેકટનો ખર્ચ 30 કરોડ થાય છે. જે પૈકી બજેટમાં 3 કરોડની જોગવાઈ કરાઈ છે.

  • ડાંગમાં રામ પ્રવાસન સર્કિટ વિકસાવવા માટે 30 કરોડની યોજના : પૂર્ણેશ મોદી
  • વલસાડના પારડી ખાતે ઉમરસાડી ગામે બીચનો વિકાસ 10 કરોડના ખર્ચે કરાશે
  • સુરત ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદમાં પણ પિકનીક સ્પોટર્સ વિકસાવાશે

પુર્ણેશ મોદીએ કહ્યું હતું કે સુરતના ભીમરાડ ખાતે મીઠા કાયદા સામે સત્યાગ્રહના પ્રતીક સમાન ગાંધી સ્મારક તથા મ્યૂઝિયમનો વિકાસ કરવા 10 કરોડનો ખર્ચ કરાશે, જે પૈકી બજેટમાં 1 કરોડની જોગવાઈ કરાઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ વડનગરમાં જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા શાળાનો વિકાસ કરવા 50 કરોડની યોજના અમલમાં મૂકાશે, તે પૈકી બજેટમાં 5 કરોડની જોગવાઈ કરાઈ છે. શામળાજી તીર્થનો વિકાસ કરવા માટે 2 કરોડની જોગવાઈ કરાઈ છે. અંબાજીથી સાપુતારા સુધીના વન વિસ્તારના ઈકો ટુરિસ્ટ સ્પોટ વિકસાવવા માટે 60 કરોડની યોજના અમલી બનશે, તે પૈકી બજેટમાં 2 કરોડની જોગવાઈ કરાઈ છે. ડાંગમાં રામ પ્રવાસન સર્કિટ વિકસાવવા માટે 30 કરોડની યોજના અમલી બનશે, તે પૈકી બજેટમાં 1 કરોડની જોગવાઈ કરાઈ છે. વલસાડના પારડી ખાતે ઉમરસાડી ગામે બીચને પ્રવાસન તરીકે વિકસાવવાનું 10 કરોડનું આયોજન કરાયું છે. આ વખતે બજેટમા 1 કરોડની જોગવાઈ કરાઈ છે.

Most Popular

To Top