Sports

માત્ર 25 વર્ષની વયે નંબર વન વુમન ટેનિસ પ્લેયરે રેકેટ ખીંટીએ ટાંગ્યું

મેલબોર્ન, તા. 23 (એપી) : વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ આજે બુધવારે રમતજગતને આશ્ચર્યનો મોટો આંચકો આપીને માત્ર 25 વર્ષની વયે પ્રોફેશનલ ટેનિસને અલવિદા કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાની આ ટેનિસ સ્ટારે બુધવારે સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હું મારા અન્ય સપનાઓને પુરા કરવા માટે આવું કરી રહી છું.

  • 2019માં ફ્રેન્ચ ઓપન, 2021માં વિમ્બલડન અને 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન મળીને ત્રણ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ એશ બાર્ટીએ જીત્યા
  • આ પહેલાં પણ ટેનિસ છોડ્યા પછી બાર્ટીએ અચાનક પ્રોફેશનલ ક્રિકેટ રમવા માંડ્યું હતું અને ઓસ્ટ્રેલિયાની વુમન્સ બિગ બેશ લીગમાં તે રમી હતી

બાર્ટીએ ત્રણ ચ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાની સાથે જ સતત બે વર્ષ સુધી મહિલા રેન્કિંગમાં ટોચના સ્થાને રહી હતી અને તે પોતાની શરતે આ રમતમાં રમી હતી અને આજે નિવૃત્તિ પણ તેણે પોતાની શરતે જ લઇ લીધી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર છ મિનીટનો એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે હું આ પળને મારા હૃદયથી જાણું છું અને એક વ્યક્તિ તરીકે મને ખબર છે કે આ યોગ્ય જ છે. જો કે વીડિયોમાં તે સમયે તેનો અવાજ થોડો કાંપતો હતો. નવેમ્બરમાં તાલીમાર્થી ગોલ્ફ પ્રોફેશનલ ગેરી કિસિક સાથે તેની સગાઈની જાહેરાત કરનારી બાર્ટીએ કહ્યું હતું કે ટેનિસમાં શ્રેષ્ઠ બનવા માટે જેની જરૂર હોવાનું તે જાણે છે તેનો અનુભવ તે કરતી નથી. “મારી પાસે ફિઝિકલ ડ્રાઈવ, ભાવનાત્મક ઈચ્છા અને પોતાની જાતને ઉચ્ચ સ્તરે પડકારવા માટે જરૂરી હોય તે બધુ નથી.

સેરેના વિલિયમ્સ પછી ક્લે, ગ્રાસ અને હાર્ડ કોર્ટ પર ગ્રાન્ડસ્લેમ જીતનારી બાર્ટી માત્ર બીજી મહિલા ખેલાડી
એશ્લે બાર્ટીએ 2019માં ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું જે તેનું પહેલું મેજર ટાઇટલ હતું. તે પછી 2021માં તેણે વિમ્બલડન ટાઇટલ જીત્યું અને આ વર્ષે જાન્યુઆરીમાં તે ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની, તેની સાથે છેલ્લા 44 વર્ષમાં તે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતનારી પહેલી ખેલાડી બની હતી. તેના પહેલા સેરેના વિલિયમ્સ જ એવી મહિલા ખેલાડી હતી જેણે ક્લે, ગ્રાસ અને હાર્ડ કોર્ટ પર ગ્રાન્ડસ્લેમ જીત્યા હોય અને તે પછી બાર્ટી બીજી મહિલા ખેલાડી બની છે.

બાર્ટીએ આ પહેલા પણ બે વર્ષ સુધી અચાનક ટેનિસ છોડીને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું
એવું કંઇ પહેલીવાર નથી બન્યું કે જ્યારે બાર્ટી ટેનિસથી દૂર થઈ હોય, આ પહેલા તે 2011માં 15 વર્ષની વયે વિમ્બલ્ડન જુનિયર ચેમ્પિયન હતી, તેણે એક આશાસ્પદ વ્યાવસાયિક કારકિર્દીનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તે પછી બર્નઆઉટ, પ્રેશર અને રમત માટે જરૂરી ટ્રાવેલને કારણે 2014માં લગભગ બે વર્ષ સુધી તેણે ટેનિસને છોડી દીધું હતું. ટેનિસ છોડ્યા પછી બાર્ટીએ અચાનક પ્રોફેશનલ ક્રિકેટ રમવા માંડ્યું હતું અને ઓસ્ટ્રેલિયાની વુમન્સ બિગ બેશ લીગમાં તે રમી હતી. તે પછી ફરી એકવાર તે રેકેટ ઉંચકીને ટેનિસ કોર્ટ પર પાછી ફરી હતી.

Most Popular

To Top