Comments

પર્યાવરણનો નહીં, પ્રતિષ્ઠાનો મુદ્દો

વર્તમાન વર્ષે બજેટ દરમિયાન પોતાના વક્તવ્યમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘ઈન્ટરલીન્ક ઑફ રિવર્સ’ (નદી જોડો પ્રકલ્પ- આઈ.એલ.આર.)ના પાંચ પ્રકલ્પો સૂચિત કર્યા. સરકાર વતી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ‘આઈ.એલ.આર.’ના ફાયદા ગણાવે છે અને સરકાર ખુદ વાજપેયીજીના અધૂરા સ્વપ્નને સાકાર કરવાના કાર્ય તરીકે તેનો પ્રચાર કરી રહી છે. ‘આઈ.એલ.આર.’ને અમલમાં મૂકવાની સઘળી તૈયારીઓ વચ્ચે મેજર જનરલ સુધીર વોમ્બતકેર નામના, સિવિલ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં પી.એચ.ડી. થયેલા, સૈન્યમાં પાંત્રીસ વર્ષ સેવા આપી ચૂકેલા અને ‘વિશિષ્ટ સેવા ચંદ્રક’થી સન્માનિત અભ્યાસુ અને નિષ્ઠાવાન મેજરે આ પ્રકલ્પની અસલિયત જણાવી છે. આ પ્રકલ્પનો આરંભ ક્યારથી થયો અને વખતોવખત શી રીતે એ આગળ વધતો ગયો એ વિશે ગત સપ્તાહે વાંચ્યા પછી આ વખતે મેજર જનરલ વોમ્બતકેર દ્વારા રજૂ કરાયેલી પ્રકલ્પ વિશેની ગેરમાન્યતાઓ વિશે વાત.

ગંગા વિસ્તારની નદીઓનું મુખ્ય લક્ષણ ચોમાસા દરમિયાન આવતું પૂર છે, જે દર વરસે ઉત્તર પ્રદેશ અને બિહારના મોટા વિસ્તારને અસર કરે છે. કહેવાય છે કે ભારતની નદીઓમાં પૂર સામાન્ય બાબત છે અને ઉપરવાસમાં વન તેમજ વૃક્ષરોપણ દ્વારા તેની તીવ્રતાને ઘટાડી શકાય છે. જો કે, છેલ્લા દાયકાઓમાં ખાસ કરીને ઉત્તરાખંડમાં પર્વતો અને વૃક્ષોનું નિકંદન નીકળવા માંડ્યું છે તેની ગંભીર પર્યાવરણીય અસરો થઈ છે. પાણીનો વિશાળ જથ્થો સાવ ઓછા સમયમાં મેદાની પ્રદેશમાં ધસી આવે છે. પૂરના નિયંત્રણ માટે બનાવાયેલી આડશો ઉલ્લંઘાય ત્યારે પૂરનું પાણી તેમાં ભરાઈ રહે છે અને પાછું નદીમાં ભળતું નથી. કેટલાય સપ્તાહો સુધી સ્થગિત રહી જતા આ પાણીને લીધે આજીવિકા તેમજ સામાજિક વ્યવહારને ગંભીર નુકસાન પહોંચે છે. આમ, પૂર ઘણે બધે અંશે કૃત્રિમ દુર્ઘટના બની રહે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પૂરને કારણે વિશાળ વિસ્તાર અસરગ્રસ્ત થાય છે, પણ તેનાથી પાંચ-દસ કિ.મી.ના અંતરે આવેલા વિસ્તારોમાં જ પાણીની તીવ્ર અછત હોય છે. આમ, હજારો કિ.મી.દૂર આવેલા પાણીની અછતવાળા વિસ્તારોમાં ‘વધારાનું’ પાણી પહોંચાડવાની વાત એક ગેરમાન્યતા જણાય છે. આઈ.એલ.આર.ને પગલે ઈજનેરી, બાંધકામ અને બૅન્કિંગ ક્ષેત્રે જબરદસ્ત તેજી આવી હતી. ‘ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી’ (ફીક્કી) અને ‘કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી’ (સી.આઈ.આઈ.)એ આ પ્રકલ્પને ટેકો જાહેર કર્યો અને સરકારે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ ને લક્ષ્યાંક પૂર્ણ થવાના દિવસ તરીકે નક્કી કરી દીધો. પ્રકલ્પની ડિઝાઈન, ખર્ચનો અંદાજ અને લક્ષ્યાંકની તારીખને ઘોષિત કરવામાં ન આવી. આ પ્રકારના વિશાળ, પર્યાવરણને સીધી અસર કરતા પ્રકલ્પ માટે જરૂરી સામાજિક, આર્થિક અને તકનીકી આયોજન પ્રક્રિયાને સદંતર બાજુએ રાખીને તેના માટે જનતાના જંગી ભંડોળમાંથી નાણાં ફાળવવાનું આયોજન કરાયું.

વિજ્ઞાનીઓ, ઈજનેરો, સમાજશાસ્ત્રીઓ, ક્ષેત્રિય કાર્યકર્તાઓ અને કર્મશીલોએ આ પ્રકલ્પનો વિરોધ કર્યો, પણ આ પ્રકલ્પને લગતી વિગતો સાવ અપારદર્શક બની રહી. વિરોધનું મુખ્ય કારણ એ છે કે આ પ્રકલ્પ સાવ અણઘડ રીતે વિચારવામાં આવેલો છે. પાણીની સમસ્યાને લગતા અન્ય વિકલ્પોને ધ્યાને લીધા સિવાય સરકારે નિર્ધારિત કરી દીધું છે કે આઈ.એલ.આર. જ કેવળ એક ઉકેલ છે, અને એ મુજબ તેના અમલીકરણ માટે તૈયારી કરવા માંડી છે. સાવ સરળ રીતે સમજીએ તો વિપુલ જળરાશી અને વેગવાન પ્રવાહ ધરાવતી હિમાલયમાંથી ઉદ્ભવતી નદીઓને ભારતીય દ્વીપકલ્પની મોસમી નદીઓ સાથે જોડતી બંધ અને નહેરની પ્રણાલી એટલે આઈ.એલ.આર. ખાસ કરીને ગંગા-કાવેરી નહેરોનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો છે.

આ પ્રણાલીનું કાર્ય નેશનલ વૉટર ડેવલપમેન્ટ એજન્સી’ (એન.ડબલ્યુ.ડી.એ.)ના ‘આદાનપ્રદાન’ના વિચાર પર આધારિત છે. એટલે કે ‘વધારાના’ પાણીના મુખ્ય સ્રોત ગંગા અને બ્રહ્મપુત્ર છે. એન.ડબલ્યુ.ડી.એ. અનુસાર કેવળ આ બે નદીના પટ જ ‘દાતા’ છે. તેમના અપવાદ સિવાય, દરેક નદીનું ‘વધારાનું’ પાણી અન્ય નદીમાં ઠાલવવામાં આવશે. એટલે કે જેટલું પાણી પ્રત્યેક નદી મેળવશે એટલું જ પાણી તેણે અન્ય નદીને આપવાનું રહેશે. એટલે કે કોઈક કારણસર એક નદી ‘વધારાનું’ પાણી મેળવી ન શકે તો અન્ય નદીને એ પાણી આપી શકે નહીં. એટલે કે કાવેરી નદી સુધી પહોંચતાં, અગાઉની પ્રત્યેક નદીઓએ ભેગી મળીને એક પ્રણાલી તરીકે કામ કરવું પડે. આ વ્યવસ્થામાં મૂળ મુદ્દો ‘વધારાના’ પાણીનો છે, કેમ કે, એ બાબતે પ્રત્યેક રાજ્યનો આગવો દૃષ્ટિકોણ અને માન્યતા છે.

પર્યાવરણ પર થતી આ પ્રકલ્પની ગંભીર અસરો વિશેષ ચિંતાની બાબત છે. આ બાબતે સરકારનું વલણ એક ઉદાહરણથી સ્પષ્ટ થશે. મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની કેન-બેતવા લીન્ક પરિયોજના (કે.બી.એલ.પી.)નો ફીઝીબીલીટી (વ્યવહારુપણા અંગેનો) રિપોર્ટ સર્વોચ્ચ અદાલતની દખલઅંદાજી પછી જાહેર કરવામાં આવ્યો. તેને પગલે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયને દબાણ કરવામાં આવ્યું કે તે ‘નેશનલ બૉર્ડ ફોર વાઈલ્ડલાઈફ’ (એન.બી.ડબલ્યુ.એલ.) પાસેથી મંજૂરી મેળવે. જળસંસાધન મંત્રી ઉમા ભારતીએ જૂન, ૨૦૧૬ માં ઘોષિત કર્યું કે કે.બી.એલ.પી.માં થતો વિલંબ ‘રાષ્ટ્રીય અપરાધ’ છે. આટલેથી અટકવાને બદલે તેમણે ભૂખ હડતાળ પર ઉતરવાની ધમકી આપી. છેવટે સપ્ટેમ્બર, ૨૦૧૬ માં એન.બી.ડબલ્યુ.એલ. દ્વારા આ પરિયોજનાને લીલી ઝંડી મળી ગઈ.

આવા મહત્ત્વના, પર્યાવરણ પર ગંભીર રીતે અસર કરનારા પ્રકલ્પને તેના ‘ફીઝીબીલીટી રિપોર્ટ’ના આધારે નહીં, પણ ભૂખહડતાળ પર ઉતરવાની ધમકીથી મંજૂરી મળી જાય એ સૂચવે છે કે નેતાઓ યા સરકાર માટે પોતાની ‘પ્રતિષ્ઠા’ વધુ મહત્ત્વની છે. મેજર જનરલ સુધીર વોમ્બતકેર દ્વારા આ સમગ્ર પ્રકલ્પનો વિશદ અભ્યાસ કરાયો છે. તેને પગલે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આઈ.એલ.આર. પરિયોજના અણઘડ, ભયાનક ખર્ચાળ, તકનીકી રીતે શંકાસ્પદ, પર્યાવરણનો વિનાશ નોંતરનારી અને સામાજિક રીતે વિનાશકારી એવી રાષ્ટ્રીય પરિયોજના છે. લોકશાહીના ત્રણે સ્તંભોએ લોકોને નિષ્ફળ ઠેરવી દીધા છે. રાષ્ટ્રીય અપરાધ અને રાષ્ટ્રપ્રેમની નવી નવી વ્યાખ્યાઓ વખતોવખત શોધાતી રહેવાની. ‘વિકાસ’નો ઘૂઘરો જોઈને નાગરિકો હરખાતા રહેશે ત્યાં સુધી રાજકીય નેતાઓ નિતનવા ઘૂઘરા આપતા રહેવાના એ નક્કી છે.
  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top