Business

સુરતની કાપડ મિલો ભારે મુશ્કેલીમાં મુકાઈ, ટકી રહેવા માટે લીધો આ નિર્ણય

સુરત: (Surat) કલર-કેમિકલ, કોલસા, લેબર ચાર્જમાં ધરખમ વધારો થતાં પ્રોસેસર્સનો (Processors) જોબ ચાર્જમાં (Job Charge) મીટરે એક રૂપિયાનો ભાવ વધારો કરવાની ફરજ પડી છે.

  • કલર-કેમિકલ,કોલસા,લેબર ચાર્જમાં ધરખમ વધારો થતાં પ્રોસેસર્સોએ જોબ ચાર્જમાં મીટરે એક રૂપિયો વધાર્યો
    2 વર્ષમાં રોમટીરીયલના ભાવો 110 ટકા વધ્યા,મિલોને ટકાવવા જોબ ચાર્જમાં 1 એપ્રિલથી ભાવ વધારવા સિવાયનો વિકલ્પ બચ્યો નહીં : જીતેન્દ્ર વખારીયા
  • 6 મીટરની સાડીના જોબચાર્જનો દર 6 રૂપિયા વધતા 1000 રૂપિયાની સાડીની કિંમતમાં 15 રૂપિયાનો વધારો થશે

આજે સાઉથ ગુજરાત ટેક્ષટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનની (SGTPA) સામાન્ય સભામાં એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રો-મટિરિયલના ભાવમાં 110 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. તેની સામે જોબ ચાર્જના ભાવો ખાસ વધ્યા નથી. માત્ર કોલસો જ નહિ પરંતુ લેબરનો પગાર, મશીનરી બનાવવા માટે વપરાતા સ્ટીલ, કલર-કેમિકલ, ડાઈઝના ભાવ અને અન્ય મટિરિયલના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. તેની સામે જોબ ચાર્જમાં કોઈ ખાસ વધારો કરવામાં નહીં આવતાં મિલોને (Textile Mills) ખુબ મોટા પાયે નુકશાન થઈ રહ્યું છે.

મિલ માલિકો પોતાની પેઢીને ચલાવવા તથા કામ કરતા લેબરોની રોજી રોટીને ધ્યાનમાં રાખી ફાયદો નહિ થાય તો વાંધો નહિ પરંતુ ફેકટરી બંધ ન કરવી પડે તે માટે ફેકટરી ચલાવી રહ્યા છે, પણ આ પ્રમાણે લાંબો સમય મિલો ચલાવી શકાય નહીં એવી રજૂઆત એસો.ના સભ્યોની આવતા મિલોને ટકાવી રાખવા 1 એપ્રિલથી મીટર કાપડના જોબ ચાર્જમાં 1 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે. તેથી મરણ પથારી પર પડેલા આ ઉધોગને જીવતો રાખી શકાય. 1 એપ્રિલથી ડિસપેચ પર ભાવ વધારો લાગુ થશે. છેલ્લા બે વીકમાં કોલસાના ભાવોમાં 34 ટકાનો ભારે વધારો થયો છે. એને લીધે કાપડનું કોસ્ટિંગ વધ્યું છે. 3600 ગાર ક્વોલિટીના કોલસાનો ભાવ 10,159 અને 4000 ગરનો ભાવ મેં.ટન દીઠ 12,350 થયો છે.

ડીલરો માર્કેટની તરલ સ્થિતિ જોતા એડવાન્સ સામે માલ આપી રહ્યા છે. યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ લાબું ચાલતા કલર કેમિકલ, ડાઈઝના ભાવો પણ 15 ટકા વધતા જોબવર્ક પર મિલ ચલાવવી મુશ્કેલ બની છે. સ્થિતિની સમીક્ષા કરવા માટે એસજીટીપીએ દ્વારા આજે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેર્સ એસોસિએશનના ઉપપ્રમુખ વિપુલ દેસાઈ, બિનય અગ્રવાલ, વિશાલ બુધિયા, દુષ્યંત ત્રિવેદી ( પ્રમુખ, ન્યુ પલસાણા ઇન્ડ. એસોસિએશન), રવિન્દ્ર આર્ય (પ્રમુખ, પલસાણા એન્વારોનમેન્ટ પ્રોટેકશન), જે.પી.અગ્રવાલ સહિતના અગ્રણીઓ સહિત 400 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top