SURAT

ગ્રીષ્મા હત્યા કેસ : કામરેજ પીઆઇએ હત્યાનો વિડીયો કોર્ટમાં રજૂ કર્યો

સુરત : ગ્રીષ્મા હત્યા (Grishma Murder) કેસમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની લેવામાં આવી હતી, કોર્ટમાં (Court) હત્યાનો વીડિયો (Video) રજૂ કરાયો હતો અને આ વિડીયોમાં લોકોની ચીસાચીસ સંભળાતી હતી. લોકો ગ્રીષ્માને છોડી દેવા માટે બૂમો પાડતા હતા. પરંતુ ફેનિલે લોકોની એક વાત માની ન હતી અને ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરી નાંખી હતી. આજે કામરેજ પીઆઇની સરકાર તરફે સરતપાસ પુરી થઇ હતી, જ્યારે બચાવપક્ષના વકીલે પીઆઇની ઉલટતપાસ શરૂ કરી હતી. આજે કોર્ટનો સમય પુરો થઇ જતા હવે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ કેસની વિગત મુજબ ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં અત્યાર સુધીમાં 100 થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આજે આ કેસના મુખ્ય સાક્ષી ગણાતા કામરેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગીલાતરની જુબાની લેવામાં આવી હતી, બાકી રહેલી સરતપાસ આજે પુરી કરવામાં આવી હતી. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કામરેજ પીઆઇની જુબાની લીધી હતી. ત્યારબાદ બચાવપક્ષના વકીલ ઝમીર શેખએ કામરેજ પીઆઇની ઉલટ તપાસ લેવાનું શરૂ કર્યું હતું. આજે કોર્ટનો સમય પુરો થઇ જતા ઉલટતપાસ અધૂરી રહી હતી. હવે આવતીકાલે વધુ જુબાની લેવામાં આવશે. આજરોજની જુબાનીમાં કામરેજ પીઆઇએ હત્યાનો વિડીયો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ વિડીયોમાં લોકોની બૂમાબૂમ સંભળાતી હતી. આ વિડીયોના આધારે કામરેજ પીઆઇની સરતપાસ અને ઉલટતપાસ કરવામાં આવી હતી.

લાજપોર જેલમાંથી ફેનિલે ક્રિષ્ના નામની છોકરીને ફોન કરીને એવું તો શું કહ્યું કે જજ પણ ચોંકી ઉઠ્યા
સુરત: (Surat) ગ્રીષ્માની હત્યા (Grishma Murder) કર્યા બાદ હવે ફેનિલે લાજપોર જેલમાંથી જ ડાયરેક્ટ સાક્ષીઓને (Witness) ફોન કરીને તેઓને ફોડવાનો પ્રયાસ કર્યો છે. લાજપોર જેલના લેન્ડ લાઇન ફોન પરથી તેણે પોતાની માનીતી બહેનને ફોન કરીને કહ્યું કે, આજે બપોરે બે વાગ્યે મને મળીને ત્યારબાદ મારી તરફે જુબાની આપજે. આ યુવતીએ સીધો જ પોલીસ અધિકારીને ફોન કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.

ગ્રીષ્મા હત્યા કેસમાં આજે એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે, ફેનિલે હવે જેલ ઓથોરીટિ પાસે પણ જુઠ્ઠુ બોલીને પોતાના આરોપી તરીકેના હક્કોનો દૂરઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. બુધવારે સવારના સમયે ફેનિલે લાજપોર જેલ ઓથોરીટિને કહ્યું હતું કે, મારે મારી બહેનને ફોન કરવો છે. લાજપોર જેલ સત્તાધીશોએ ફેનિલને પરવાનગી આપી હતી, ફેનિલે પોતાની માનીતી બહેન ક્રિષ્ના નામની યુવતીને ફોન કરીને કહ્યું હતું કે, આજે બપોરે બે વાગ્યે કોર્ટમાં આવજે અને મારી તરફે જુબાની આપજે. આ વાત આજે કોર્ટમાં બહાર આવતા કોર્ટમાં હાજર પોલીસનો સ્ટાફ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં અરજી આપી હતી અને આરોપી ફેનિલે આરોપીના હક્કોનો દૂરઉપયોગ કર્યો હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત જેલના મેન્યુઅલ તેમજ ફોન કોલનો રેકોર્ડ પણ કોર્ટમાં મંગાવવા માટે દાદ માંગવામાં આવી હતી. વધુમાં આ કેસની વિગત મુજબ આજે કુલ્લે 6 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, હવે આગામી દિવસમાં તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવશે, ત્યારબાદ આ કેસની અંતિમ દલીલો કરવામાં આવશે તેવી માહિતી મળી છે.

Most Popular

To Top