Gujarat

મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે દરેક યુવાનમાં દેશપ્રેમની જ્વાળા પ્રગટાવવી પડશે – ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: આજે શહીદ દિન નિમિત્તે અમદાવાદ ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આયોજિત વિરાંજલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આત્મનિર્ભર, સંપન્ન અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે યુવાનોમાં દેશપ્રેમની જ્વાળા પ્રગટાવવી પડશે અને આવા વિરાંજલિ કાર્યક્રમો એ જ્યોત પ્રજવલિત કરવાના પ્રેરણાસ્ત્રોત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

આજે શહીદ દિન નિમિત્તે આયોજિત આ વિરાંજલી કાર્યક્રમ માતૃભૂમિ માટે બલિદાન આપનારા એવા વીર સપૂતોની વંદનાનો અવસર છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. પટેલે જણાવ્યું હતું કે આપણે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીયે ત્યારે આ આઝાદીનું વટવૃક્ષ સિંચવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સપૂતોના સ્મરણ સાથે એમની શહાદત એળે ન જાય તે માટે દેશ માટે કર્તવ્યરત થવા આ વિરાંજલી કાર્યક્રમ આપણને પ્રેરણા આપી રહ્યો છે.

તેમણે કહયું હતું કે અગાઉ તો દેશ પ્રેમના નામ પર એક જ પરિવારના ગુણગાન ગવાતા હતા. દેશ માટે બલિદાન આપનારા અનેક શૂરવીરોનાં નામ ઈતિહાસમાંથી ભૂંસી દેવાના ષડયંત્રો પણ રચાયા હતા પણ આપણા પીએમ મોદીએ દેશનુ સુકાન સંભાળતાં જ ભૂલાયેલા વીર શહીદોને યોગ્ય સન્માન આપવા વીરાંજલિ કાર્યક્રમો ઉપાડયા છે, જેનું ઉદાહરણ આજે આપણી સામે છે. છેલ્લાં બાર વર્ષથી ભાજપે આ રીતે શહીદવીરોને વીરાંજલિ આપવાની પ્રણાલી શરૂ કરી છે એ શહીદોને યાદ કરી તેમને યોગ્ય સન્માન અને અંજલિ આપવાના પ્રયાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ શહીદોને યાદ કરતા કહ્યુ હતું કે, ભગતસિંહ- સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેય યુવા અને તેજસ્વી હતા.તેમની મહત્વકાંક્ષાઓ સામાન્ય યુવાનોની જેમ અંગત મોજશોખની ન હતી પણ ભારત માતાને આઝાદ જોવાની તેમની તમન્ના હતી અને તેમની કુરબાનીના પરિણામે જ આજે આપણે આઝાદીની આબોહવામાં જીવી શકીએ છીએ.

Most Popular

To Top