Top News

More Posts

   The Latest

Most Popular

વિધાનસભાની ચૂંટણીને ટાંકણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપ ૨૦૧૭ની ચૂંટણી જીત્યો તેમાં હિન્દુ મોજાંનો મોટો ફાળો હતો. જો તે ૨૦૨૨ની ચૂંટણી હારશે તો તેમાં મંડલ પંચના રાજકારણનો મોટો ફાળો હશે. મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશમાં સત્તા પર આવ્યા તેમાં મુસ્લિમો ઉપરાંત ઓબીસીની મતબેન્કનો મોટો ફાળો હતો. ૨૦૧૭માં ભાજપે યાદવો અને કૂર્મિઓને બાદ કરતાં બીજી ઓબીસી મતબેન્ક પર પોતાનો કબજો જમાવી દીધો હતો. હવે સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ જેવા નેતાઓ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ જતા ભાજપની મતબેન્ક જોખમમાં આવી ગઈ છે, જેને કારણે તેની હાલત નાજુક થઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશના ઓબીસીમાં યાદવો અને કૂર્મીઓ ઉપરાંત કોએરી, કુશવા, મૌર્ય, સૈની અને શાક્યનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં ઓબીસીની કુલ વસતિ ૪૫ ટકા જેટલી છે. તેમાં યાદવો નવ ટકા છે. ત્યાર પછી કુશવાનો નંબર આવે છે, જેમની વસતિ ૬ ટકા જેટલી છે. સ્વામી પ્રસાદ મૌર્ય કુશવાના નેતા છે. ૧૯૯૭માં માયાવતીએ સ્વામી પ્રસાદ મૌર્યને પોતાના પક્ષમાં લઈને કુશવાના મતો પર કબજો કરી લીધો હતો. તેમણે સ્વામી પ્રસાદ મૌર્યને પ્રધાનપદું પણ આપ્યું હતું. તેઓ માયાવતીની કોર ટીમના સભ્ય પણ હતા. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માયાવતીનો પરાજય થતાં સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપ ભણી વળ્યા હતા. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપનો ભવ્ય વિજય થતાં સ્વામી પ્રસાદ મૌર્યને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. જોકે તેઓ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની નજીક નહોતા. હવે ભાજપ સરકારમાં દલિતો અને પછાત વર્ગો સાથે અન્યાય થાય છે, તેવા આક્ષેપ સાથે તેમણે ભાજપ છોડીને સમાજવાદી પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશની ૪૦૩ પૈકી ૧૦૦ બેઠકો પર સ્વામી પ્રસાદ મૌર્યનો પ્રભાવ છે. હવે સમાજવાદી પાર્ટીને તેનો લાભ મળશે.

સ્વામી પ્રસાદ મૌર્યની જેમ ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપનારા દારા સિંહ ચૌહાણ પણ ઓબીસી પૈકી નોનિયા જાતિના નેતા છે. આ જાતિની વસતિ માત્ર ત્રણ ટકા છે, પણ જંગ જ્યારે ખરાખરીનો હોય ત્યારે ત્રણ ટકા મતો પણ ભારે મહત્ત્વ ધરાવતા હોય છે. આ જાતિ વારાણસી, મિરઝાપુર અને ચંદૌલી જિલ્લાઓમાં ફેલાયેલી છે. સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ સાથે ગોઠવણ કરતાં પહેલાં સમાજવાદી પક્ષે બીજા બે ગઠબંધનો પણ કર્યા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ કોમનો પ્રભાવ છે. તેમની વસતિ કુલ વસતિના બે ટકા જેટલી હોવા છતાં જાટ કોમ સંગઠિત હોવાથી તેમના મતો ફરક પેદા કરી શકે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં જાટ કોમના મતો ભાજપને મળ્યા હતા. હવે જાટ કિસાનો ભાજપથી વિમુખ થઈ ગયા છે. તેનો લાભ લઈને સમાજવાદી પક્ષે જાટ નેતા જયંત ચૌધરીના પક્ષ રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન જાહેર કરી દીધું છે.

ઉત્તર પ્રદેશના ઓબીસીમાં રાજબર પણ મહત્ત્વની જાતિ છે. પૂર્વ ઉત્તર પ્રદેશના ૧૫થી ૨૦ ટકા મતો પર તેમનો પ્રભાવ છે. આ જાતિના કદાવર નેતા ઓમ પ્રકાશ રાજબર ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના પક્ષે હતા. તેમના પક્ષે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. ઓમ પ્રકાશ રાજબર યોગી આદિત્યનાથની કેબિનેટમાં પ્રધાન પણ બન્યા હતા. ત્રણ મહિના પહેલા રાજબર પક્ષપલટો કરીને સમાજવાદી પક્ષ સાથે થઈ ગયા હતા. તેના કારણે થયેલા નુકસાનને ભરપાઇ કરવા ભાજપે રાજબર કોમના બીજા નેતાઓ અને પક્ષો સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ નેતાઓ ઓમ પ્રકાશ રાજબર જેટલી વગ ન ધરાવતા હોવાથી ભાજપને નુકસાન થયા વિના રહેશે નહીં.

૧૯૮૯માં મંડલ પંચનો અમલ કરવામાં આવ્યો તે પછી ઉત્તર ભારતનાં રાજકારણમાં ઓબીસી મતોની તાકાત વધી ગઈ હતી, જેને કારણે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવ જેવા નેતાઓ સત્તા પર આવ્યા હતા. પછી બન્યું એવું કે ઓબીસી પૈકી યાદવો અને કૂર્મીઓ સૌથી સમૃદ્ધ હોવાને કારણે અનામતના બધા લાભો તેઓ હજમ કરી ગયા હતા; જ્યારે અત્યંત પછાત જાતિના લોકોના ફાળે કાંઇ આવ્યું નહોતું. ૨૦૧૪માં ભાજપે તેમને હિન્દુત્વના જૂથમાં લીધા હતા. તેમને વિકાસનું વચન આપવામાં આવ્યું હતું. હવે ૨૦૧૭ અને ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને સાથ આપ્યા પછી તેમને લાગ્યું કે ભાજપ સરકાર પણ તેમની ઉપેક્ષા કરી રહી છે. આ કારણે તેઓ સપામાં જોડાઈ રહ્યા છે. જો સમાજવાદી પક્ષ પણ તેમની મતબેન્કનો ઉપયોગ કરીને તેમનો વિકાસ નહીં કરે તો કદાચ બીજાં પાંચ વર્ષ પછી તેઓ માયાવતીના શરણે જશે.

૨૦૧૭માં સમાજવાદી પક્ષ ચૂંટણી હારી ગયો તેનું મુખ્ય કારણ એ હતું કે ઓબીસી મતદારો માનતા હતા કે તેમનો પક્ષ યાદવોનો અને મુસ્લિમોનો પક્ષ છે. આ કારણે અત્યંત પછાત જાતિઓ ભાજપની પડખે ચાલી ગઈ હતી. તેમને પહેલો ધક્કો ત્યારે લાગ્યો હતો જ્યારે ભાજપના ઉત્તર પ્રદેશના પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યને બદલે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથ ભલે સન્યાસી હોય, પણ તેઓ ઠાકુર કોમના છે, તે બધા જાણે છે. પાંચ વર્ષના શાસન દરમિયાન યોગીએ સરકારમાં ચાવીરૂપ સ્થાનો પર ઠાકુરોને ગોઠવી દીધા છે. તેને કારણે અત્યંત પછાત વર્ગના મતદારો તેમનાથી નારાજ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ આ જ કારણે યોગી આદિત્યનાથને હટાવવા માગતા હતા, પણ યોગી પ્રખર હિન્દુત્વનું પ્રતિક હોવાને કારણે તેમને સંઘપરિવારનો ટેકો મળ્યો નહોતો. છેવટે મોદી અને શાહે રણનીતિ બનાવી હતી કે યોગીને ચૂંટણી દરમિયાન સંપૂર્ણ સત્તા આપી દેવી. જેથી જો ભાજપનો પરાજય થાય તો તેમનું પત્તું કાપી શકાય; અને જો વિજય થાય તો તેનો લાભ મોદીને મળે. યોગી આદિત્યનાથ પણ આ રણનીતિ બરાબર સમજે છે, જેને કારણે તેમણે પોતાની તાકાત લગાડી દીધી છે.

ભાજપને બીજાં રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ એન્ટી ઇન્કમ્બન્સી વેવની ચિંતા છે. આ કારણે ભાજપના મોવડીમંડળે વર્તમાન વિધાનસભ્યો પૈકી ૪૦ ટકાની ટિકિટો કાપવાનો નિર્ણય કર્યો હતો, જેને કારણે મતદારો સામે નવા ચહેરાઓ ધરી શકાય. જે વિધાનસભ્યોને તેમની ટિકિટ કપાઈ જવાની ગંધ આવી ગઈ છે, તેમણે પક્ષપલટા કરવાનું શરૂ કર્યું છે. સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ તેમને પોંખવા માટે તૈયાર જ ઊભા છે. આ વિધાનસભ્યો ભાજપ છોડીને જતા રહેશે તેને કારણે કદાચ ભાજપને ચૂંટણીમાં બહુ ફરક નહીં પડે, પણ તેની છબી ઝાંખી પડી રહી છે. ડૂબતા જહાજમાંથી ઉંદરડા કૂદી પડે તેમ કૂદી રહેલા વિધાનસભ્યોને જોઈને પરાજયની ગંધ આવી રહી છે.

આ વખતની ચૂંટણીમાં માયાવતી કે કોંગ્રેસ ખાસ કાંઇ ઉકાળી શકે તેમ લાગતું નથી. માયાવતીની દલિત મતબેન્ક અકબંધ છે, પણ માત્ર દલિતોના મતોથી ચૂંટણી જીતી શકાતી નથી. મુસ્લિમો માયાવતીનો સાથ છોડીને સમાજવાદી પક્ષ તરફ ચાલ્યા ગયા છે. ભાજપ અસદુદ્દીન ઓવૈસીને બળ આપીને સમાજવાદી પક્ષની મુસ્લિમ મતબેન્ક તોડવાના પ્રયાસો કરી રહ્યો છે. આ બાજુ કોંગ્રેસના મુસ્લિમ વિધાનસભ્ય ઇમરાન મસૂદ સમાજવાદી પક્ષમાં જોડાઈ ગયા છે. સમાજવાદી પક્ષ દ્વારા તેનો બહુ પ્રચાર સ્વાભાવિક કારણોસર જ કરવામાં આવ્યો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top