Sports

સિડનીમાં બે વર્ષમાં બે ટેસ્ટ વિજયનો કોળિયો ઓસ્ટ્રેલિયાના મુખ સુધી આવીને છટકી ગયો

ક્રિકેટમાં ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે અને તેમાં કોઇ નવાઇની વાત નથી, પણ ઓસ્ટ્રેલિયા સાથે છેલ્લા બે વર્ષમાં સિડની ટેસ્ટમાં જે થયું તે પુનરાવર્તન તેમના માટે તો સારું નહોતું જ. 2021માં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટમાં ભારતે 131 ઓવર સુધી બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને હાથવેંતમાં દેખાતો વિજય દૂર હડસેલીને ટેસ્ટ ડ્રો કરી હતી. તેમાં સૌથી મોટો ફાળો હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિનનો રહ્યો હતો. તેમાં પણ હનુમા વિહારીને હેમસ્ટ્રીંગ ઇન્જરી થઇ હોવા છતાં તે વિકેટ પર પગ જમાવીને ચોંટી રહ્યો હતો અને તેની સાથે અશ્વિને પણ અંગદની જેમ પગ જમાવી રાખ્યો હતો. આ બંનેએ મળીને 41 ઓવરથી વધુ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાના મુખ સુધી આવી ગયેલા વિજયના કોળિયાને સરકાવી દઇને મેચ ડ્રોમાં ખેંચી હતી.

2021ના વર્ષના પ્રારંભે સિડની ટેસ્ટમાં જે થયું તે ફરીવાર 2022ના વર્ષના પ્રારંભે રમાયેલી સિડની ટેસ્ટમાં થયું. એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ મુકેલા 388 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડે ચોથા દિવસે ટેસ્ટને ડ્રોમાં ખેંચવા માટે આખો દિવસ બેટિંગ કરવી જરૂરી હતી. ઇંગ્લેન્ડની ટીમે સંઘર્ષ કરીને આ મુશ્કેલ કામ પાર પાડ્યું અને ટેસ્ટ ડ્રોમાં ખેંચી ઇંગ્લેન્ડની ટીમે કુલ 102 ઓવર બેટિંગ કરી પણ તેમાં સૌથી કપરી ઘડી અંતિમ બે ઓવર રહી હતી. અંતિમ બે ઓવર સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસને જે રીતે બેટિંગ કરી તેને જોતા કહી શકાય કે તેમના અનુભવના જોરે જ તેઓ આ ટેસ્ટ ડ્રો કરાવી શક્યા છે. આમ સિડનીમાં છેલ્લા બે વર્ષમાં જે બે ટેસ્ટ રમાઇ છે તેમાં રોમાંચનો સાગર એવો હિલોળે ચઢ્યો હતો કે જેમાં ચાહકોના હૃદયના ધબકારા સતત ઉત્તેજનાથી ઉપરતળે થતાં રહ્યા હતા.

2022ની સિડની ટેસ્ટમાં ઇંગ્લેન્ડ માટે લીચ-બ્રોડ-એન્ડરસન મેચ ડ્રોમાં ખેંચી ગયા
ભારતીય ટીમે 2021ની સિડની ટેસ્ટમાં જે કર્યું તે જ કામ ઇંગ્લેન્ડે 2022ની સિડની ટેસ્ટમાં કરી બતાવ્યું અને ઓસ્ટ્રેલિયા સતત બીજા વર્ષે સિડનીમાં વિજયથી વંચિત રહ્યું, બંને વાર ઓસ્ટ્રેલિયાને વિજયની સોડમ તો આવી પણ તેઓ તેનો કોળિયો મોઢે ન માંડી શક્યા. 2021માં ભારતીય ટીમ માટે જે કામ હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને કર્યું હતું તે જ કામ 2022માં ઇંગ્લેન્ડ માટે જેક લિચ, સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસને કરી બતાવ્યું. ઇંગ્લેન્ડની ટીમ ચોથા દાવમાં કુલ મળીને 102 ઓવર બેટિંગ કરી હતી, જો કે તેમાં તેમના માટે અંતિમ 10 ઓવર ઘણી દબાણવાળી રહી હતી. આ 10 ઓવરમાંથી 8 ઓવર જેક લિચ અને સ્ટુઅર્ટ બ્રોડે બેટિંગ કરી હતી અને એ 8 ઓવરના છેલ્લા બોલે લિચ આઉટ થયો હતો. અંતિમ બે ઓવર દરમિયાન બ્રોડ અને એન્ડરસને ડે ડિફેન્સ કરી બતાવ્યું તે કાબિલે તારીફ હતું.

388 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડે 74 રનના સ્કોરે હસીબ હમીદ અને ડેવિડ મલાનની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી જેક ક્રાઉલીએ 100 બોલનો સામનો કરીને 77 રન બનાવ્યા હતા. કેપ્ટન જો રૂટે 85 બોલ રમીને 24 રન બનાવ્યા હતા, જ્યારે બેન સ્ટોક્સે 123 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા હતા. ઘાયલ હોવા છતાં જોસ બટલરે બેટિંગમાં ઉતરીને 38 બોલનો સામનો કરીને 11 રન કર્યા હતા અને જ્યારે સાતમી વિકેટ તરીકે માર્ક વુડ આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડની ટીમે પાંચમા દિવસે હજુ 12 ઓવર રમવાની હતી અને બે ઓવરના ગાળામાં જોની બેયરસ્ટોએ 105 બોલ રમીને 41 રન કરી આઉટ થયો હતો. તે પછી બાકી રહેલી 10 ઓવર રમવા માટે લિચ અને બ્રોડે મોરચો સંભાળ્યો હતો. લિચે 34 બોલનો સામનો કરીને 26 રન બનાવ્યા હતા અને તે નવમી વિકેટ તરીકે આઉટ થયો હતો. અને તે પછી બાકીની બે ઓવર બ્રોડ અને એન્ડરસને રમી હતી. 101મી ઓવર નાથન લિયોને ફેંકી હતી અને તેમાં બ્રોડ સંપૂર્ણ ડિફેન્સીવ મોડમાં રહ્યો હતો. દિવસની અંતિમ ઓવર ફેંકવા માટે સ્ટીવ સ્મિથ આવ્યો ત્યારે તેની સામે જેમ્સ એન્ડરસન હતો અને દરેક બોલે એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા હવે જીતી જ જશે. જો કે એન્ડરસને જે પ્રભાવક ડિફેન્સ કરી બતાવીને છ બોલ રમીને ટેસ્ટ ડ્રોમાં ખેંચી ત્યારે એ આખી ઓવર ઇંગ્લેન્ડની ટીમના ડ્રેસિંગ રૂમમાં તણાવયુક્ત વાતાવરણ રહ્યું હતું.

2021ની એ સિડની ટેસ્ટને ભારતીય ક્રિકેટ ચાહકો હંમેશા યાદ રાખશે
ઋષભ પંતે આક્રમક બેટિંગ કરીને 118 બોલનો સામનો કરી 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 97 રનની ઇનિંગ રમી અને તેની સાથે ચેતેશ્વર પુજારાએ પોતાની 205 બોલની ઇનિંગમાં 12 ચોગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. આ બંનેએ ચોથી વિકેટની ભાગીદારીમાં 148 રન જોડ્યા હતા. જો કે પુજારા જ્યારે આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 5 વિકેટે 272 રન હતો અને એવું લાગતું હતું કે મેચનું પરિણામ કોઇપણ તરફે જઇ શકે છે. ઓસ્ટ્રેલિયન ટીમે તે પછી બાઉન્સરનો મારો ચલાવ્યો અને તેના કારણે હનુમા વિહારી અને અશ્વિનને ઇજા પણ થઇ હતી.

વિહારી અને અશ્વિન જો કે એવું નક્કી કરીને આવ્યા હતા કે ભલે ગમે તે થાય પણ નમતુ તો નથી જ જોખવું. આ બંનેએ મળીને 250 બોલનો સામનો કર્યો. હનુમા અને અશ્વિને મળીને લગભગ 42 ઓવર સુધી વિકેટ પર ટકી રહીને છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 62 રન જોડ્યા હતા. વિહારીએ લગભગ ચાર કલાક સુધી ક્રિઝ પર ટકીને નોટઆઉટ 23 રન કર્યા હતા અને તેના માટે તેણે 161 બોલનો સામનો કર્યો હતો. જ્યારે અશ્વિને 38 રન બનાવવા માટે 128 બોલનો સામનો કર્યો હતો. મહત્વની વાત એ હતી કે વિહારીને હેમસ્ટ્રીંગ ઇન્જરી થઇ હતી અને તે છતાં તેણે અશ્વિન સાથે મળીને અંતિમ સેશનમાં ઓસ્ટ્રેલિયન બોલરોની દરેક વ્યુહરચનાને નિષ્ફળ બનાવીને તેમને જીતથી વંચિત રાખ્યા હતા.

Most Popular

To Top