Dakshin Gujarat Main

આંબાવાડી દૂધમંડળીના મંત્રીના મોં પર મરચાંની ભૂકી નાંખી થયો લૂંટવાનો પ્રયાસ

વાંકલ(Vankal): માંગરોળ તાલુકાના આંબાવાડી-ખરેડા માર્ગ (Road) પર ધોળા દિવસે લુંટારુઓએ (Robbers) યોજનાબદ્ધ રીતે દૂધમંડળીના મંત્રીને લૂંટ કરવાના ઇરાદે રસ્તા વચ્ચે આંતરી રોકડ (Cash) રકમની લૂંટ કરવાનો પ્રયાસ કરી માર માર્યો હતો. પરંતુ સદનસીબે રોકડ રકમનો બચાવ થયો હતો.

  • સભાસદોને ચૂકવવાની રકમ રૂપિયા ૭ લાખ પોતાના પુત્રને કારમાં લઈને આવવા કહ્યું હતું
  • ચશ્મા પહેરેલા હોવાથી બચાવ થયો

આંબાવાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ખરેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા આંબાવાડીના રફિક બેલીમ વહેલી સવારે પોતાના આંબાવાડીથી ખરેડા ગામના દૂધ ભરતા પશુપાલક સભાસદોને દૂધની રકમ ચૂકવવા માટે જવાના હતા. જેથી રફિકભાઈ પોતાની બાઇક ઉપર ખરેડા ગામે જવા નીકળ્યા હતા. સભાસદોને ચૂકવવાની રકમ રૂપિયા ૭ લાખ પોતાના પુત્રને કારમાં લઈને આવવા કહ્યું હતું અને બંને અલગ-અલગ રસ્તે ખેરડા ગામે જવા નીકળ્યા હતા. રફિકભાઈ ટુ વ્હીલબાઇક પર આંબાવાડી ગામેથી નીકળતા દૂધમંડળી નજીક રેકી કરી રહેલા અજાણ્યા બે બાઇકચાલકોએ તેમનો પીછો કરી ઓવરટેક કરી આગળ નીકળી ગયા હતા અને આગળ રસ્તા વચ્ચે ઊભેલા લુંટારુઓને પાછળ મંત્રી આવી રહ્યાનો સંકેત આપી દીધો હતો.

આંબાવાડી ખરેડા ગામ વચ્ચે આવેલ ટર્નિંગમાં અજાણ્યા ત્રણ ઈસમે રફિકભાઈને અટકાવી મરચાંની ભૂકી આંખમાં નાંખી દીધી હતી. પરંતુ ચશ્મા પહેરેલા હોવાથી બચાવ થયો હતો. ત્યારબાદ લુંટારુઓએ બાઇકની ડીકી ચેક કરી હતી. પરંતુ રોકડ નહીં મળતાં ગુસ્સે થઈ માર માર્યો હતો અને મોબાઈલ ઝૂંટવી લઈ બાઇકની ચાવી ખેતરમાં ફેંકી દીધી હતી. લુંટારુઓના હુમલાથી તેઓ ખૂબ જ ભયભીત ગભરાટ અનુભવી બચાવો-બચાવોની બૂમો પાડતાં ખરેડા ગામ તરફ ભાગવા લાગ્યા હતા. તેમને એવો ડર હતો કે, તેમનો પુત્ર ફોરવ્હીલ કારમાં સભાસદોને દૂધની ચૂકવવાની રોકડ રકમ લઈને પાછળ આવી રહ્યો છે. તેને ચોક્કસ આ લુંટારુઓ નિશાન બનાવશે તેવી દહેશત હતી. પરંતુ સદનસીબે તેમનો પુત્ર તેમના કરતાં પહેલા ખરેડા ગામની દૂધમંડળીએ પહોંચી ગયો હતો. પુત્રએ રોકડ સલામત હોવાનું જણાવતાં હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ લુંટારુઓનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. હુમલાનો ભોગ બનેલા રફીક બેલીમ પોલીસમથક ખાતે પહોંચી ગયા હતા અને પોતાની આપવીતી જણાવી હતી.

Most Popular

To Top