SURAT

સુરતમાં કોરોના વિસ્ફોટ: મનપાના 127 અને સિવિલના 52 કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા, સ્મીમેરમાં 2ના મોત

સુરત : (Surat) શહેરમાં કોરોનાની (Corona) સુનામી આવી છે. પ્રતિદિન નોંધાતા કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી જ રહ્યા છે. કોરોનાની બીજી લહેર વખતે પણ દિવસમાં જેટલા કેસો નથી નોંધાયા તેટલા કેસો હવે નોંધાઈ રહ્યા છે અને તમામ રેકોર્ડ (Record) તૂટી રહ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ ઓલટાઈમ હાઈ (All time high) 2690 કેસો નોંધાયા છે અને કુલ કેસનો આંક 1,28,695 પર પહોંચ્યો છે. તેમજ વધુ 910 દર્દી સાજા થવાની સાથે 1,13,360 દર્દી સાજા થયા છે અને રિકવરી રેટ ઘટીને 88.08 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં કોરોનાથી સંક્રમિત થઇ રહેલા કેસ પૈકી એક વ્યક્તિ સ્વિત્ઝરલેન્ડથી આવેલા છે. તેમજ જે સંક્રમિતો છે તેમાં અડધો અડધ તો વેક્સિન લઇ ચૂક્યા હોવા છતાં સંક્રમિત થયા હોય શહેરીજનોને સાવચેતી રાખવા મનપા દ્વારા અપીલ કરાઇ છે. સ્મીમેર હોસ્પિટલમાં કોવિડની સારવાર લઇ રહેલા વધુ બે દર્દીઓના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યા છે. જો કે, સરકારી ચોપડે આ બંને યુવકોને મૃતકોની યાદીમાં દર્શાવવામાં આવ્યા ન હોવાની વિગતો મળી છે.

વેડરોડના અને અમરોલીના યુવકનું કોરોનામાં મોત નીપજ્યું, જો કે, બંનેને સરકારી ચોપડે દર્શાવાયા નથી
વેડરોડ પર આનંદ પાર્કમાં રહેતા મનીષ હરદેવભાઇ રાયને ટીબીની બીમારી સાથે ગત તારીખ 9 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનો કોવિડ-19નો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન તેની તબિયત લથડતા તેને 11મીએ સ્મીમેરમાં દાખલ કરાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં અમરોલી ચાર રસ્તા પર રહેતા 27 વર્ષીય રાજુ પરષોત્તમભાઇ પ્રજાપતિની એક દિવસ પહેલા જ તબિયત ખરાબ થઇ હતી. તેઓને તાત્કાલીક સારવાર માટે સ્મીમેરમાં લાવવામાં આવ્યો હતો. અહીં ડોક્ટરોએ આરટીપીસીઆર ટેસ્ટ કરતા તે પોઝિટિવ આવ્યો હતો. બે દિવસની સારવાર બાદ રાજુ પ્રજાપતિનું પણ મોત નીપજ્યું હતું.

વધુ કેસ મળતાં આ સોસાયટીઓ ક્લસ્ટર કરાઈ
ઉધના ઝોન-એના ઉધના વિસ્તારના સુડા આવાસમાં 6 કેસ, વડોદ વિસ્તારના અમીઝરા રેસિ. સોસાયટીમાં 6 કેસ, કતારગામ વિસ્તારના જે.કે.પી. નગરમાં 5 કેસ, અમરોલી વિસ્તારના શ્રીનાથ રો હાઉસ સોસાયટીમાં 7 કેસ, વરાછા ઝોન-એ ઝોનના વરાછા વિસ્તારના કૈલાસ એપા., ઉધના ઝોન-બી ઝોનના ઉન વિસ્તારના નિઝામીનગર.

વધુ 4 શાળા બંધ કરાવાઈ, સંખ્યાબદ્ધ શાળાના અમુક વર્ગ બંધ કરાવાયા
શહેરમાં વધુ 64 વિદ્યાર્થી કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં સત્ય સાઈ શાળામાં 2 કેસ, ધર્મજીવન શાળામાં 3 કેસ અને કસ્તુરબા વિધાયલયમાં 12 કેસ તેમજ જે.બી.ડાયમંડ શાળામાં 14 કેસ આવતાં આ શાળાઓ બંધ કરાવવામાં આવી હતી. આ સિવાય સંસ્કાર ભારતી શાળા, સેન્ટ ઝેવિયર્સ શાળા, એસપીબી કોલેજ, કન્ટ્રી સાઇટ શાળા, ફાઉન્ટેડ હેડ શાળા, સિટિઝન શાળા, ડીપીએસ શાળા, ભગવાન મહાવીર કોલેજ, એસડી જૈન શાળા, ગુરુકુળ શાળા, ટીએન્ડ ટીવી તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં આવ્યા હતા. આ શાળાઓ તથા કોલેજમાં જે-તે વર્ગ બંધ કરાવવામાં આવ્યા હતા અને આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 842 જેટલા વ્યક્તિનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું.

મનપાના 127 કર્મી, સિવિલ હોસ્પિટલના 52 કર્મચારી કોરોનાની ચપેટમાં આવ્યા
શહેરમાં સંક્રમણને નાથવા માટે દિવસ રાત ફીલ્ડમાં કામ કરતા મનપાના કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. એક જ દિવસમાં મનપાના કુલ 127 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત ઉધના ઝોનના નાયબ આરોગ્ય અધિકારી, આસિ. હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરો તેમજ પેરા મેડિકલ સ્ટાફ મળી કુલ 52 કર્મચારીઓ છેલ્લા 3 દિવસમાં પોઝિટિવ આવ્યા છે. ઉપરાંત એક જ દિવસમાં 52 સિવિલમાં અને સ્મીમેરના 35 કર્મીઓ પોઝિટિવ આવ્યા હતા.

ઝોનવાઈઝ કેસ: સેન્ટ્રલ 127, વરાછા-એ 228, વરાછા-બી 127, રાંદેર 640, કતારગામ 316, લિંબાયત 200, ઉધના-એ 357, ઉધના-બી 99, અઠવા 596

સુરત જિલ્લામાં કોરોનાના 243 નવા કેસ નોંધાયા, બારડોલીમાં 51 નવા કેસ
બારડોલી : સુરત જિલ્લામાં ગુરુવારના રોજ કોરોનાના 243 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1025 થઈ છે. ગુરુવારે સૌથી વધુ 60 કેસ કામરેજ તાલુકામાં નોંધાયા હતા. જ્યારે બારડોલી તાલુકામાં કેસોની સંખ્યા 51 રહી હતી.
સુરત જિલ્લાના અન્ય તાલુકાઓ પૈકી ચોર્યાસીમાં 13, ઓલપાડમાં 53, પલસાણામાં 18, મહુવામાં 15, માંડવીમાં 25, માંગરોળમાં 8 નોંધાયા હતા. ત્રીજી લહેરની શરૂઆતથી જ બારડોલી કોરોના કેસોની સંખ્યામાં સૌથી આગળ રહેતું હતું. જે આજે ત્રીજા નંબરે જોવા મળ્યું હતું. કામરેજ અને ઓલપાડમાં એકાએક કેસોની સંખ્યા વધતાં અહીંના લોકોમાં પણ દહેશત ફેલાયેલી જોવા મળી રહી છે. બીજી તરફ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા 33,588 પર પહોંચી છે. જ્યારે કુલ મરણાંક 491 થયો છે. જિલ્લામાં 1025 એક્ટિવ કેસ સામે ગુરુવારે 102 જણા કોરોનામુક્ત થયા છે.

Related Posts