Gujarat

ગુજરાતમાં પણ રિલાયન્સનો દબદબો: પ.૯પ લાખ કરોડનું કરશે રોકાણ

ગાંધીનગર(Gandhinagar): રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd) દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. પ.૯પ લાખ કરોડના રોકાણો (Invest) માટે ગાંધીનગરમાં MoU થયા છે. આ સૂચિત પ્રોજેક્ટના (Project) પરિણામે રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે ૧૦ લાખ જેટલી રોજગારીની (Employment) તકોનું સર્જન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતીમાં આ MoU પર રાજય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ગૃપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ હસ્તાક્ષર કર્યા હતા.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ MoU કરવામાં આવેલા છે. તદ્દઅનુસાર, રાજ્યમાં આવનારા દસકમાં ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. પ લાખ કરોડના આ સૂચિત રોકાણો કર્યા છે. પરિમલ નથવાણીએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ગ્રીન ઇકોસિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય રૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે.

આ MoU ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ અન્વયે ૬૦,000 કરોડનું રોકાણ કરશે. આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટીઝ સ્થપાશે. એટલું જ નહિ, રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં ૭પ૦૦ કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. ૩૦૦૦ કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. રપ હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન-કલીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એનર્જી ઉત્પાદનમાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં આ સૂચિત પ્રોજેક્ટસ મહત્વપૂર્ણ બનશે તેમ માવ્યું હતું. આ MoU પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના મૂંદ્રામાં 37500 કરોડના રોકાણ સાથે ઇન્ટિગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટ સ્થપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે. આ પ્લાન્ટ અંદાજે રૂપિયા ૩૭,પ૦૦ કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ ૩૪૦૦ થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને POSCO-અદાણી વચ્ચે આ MOU થયા છે. પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ ર૦ર૬ સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MOU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સી.ઇ.ઓ કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યા હતા.આ વેળાએ POSCO ઇન્ડીયાના સી.એમ.ડી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts