Top News

More Posts

   The Latest

Most Popular

બેઈજિંગઃ ચીન(China)ની આર્થિક રાજધાની શાંઘાઈમાં કોરોનાનો કહેર વધતા સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ છે. કોરોનાના કેસોને લઈને ચીન શરૂઆતથી જ કડક વલણ અપનાવી રહ્યું છે. દેશભરમાં તમામ લોકોનું રસીકરણ પણ થઇ ચુક્યું છે. આમ છતાં શાંઘાઈમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાને કારણે શાંઘાઈમાં છેલ્લા એક મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રસ્તાઓ પરથી ટ્રાફિક ગાયબ થઇ ગયું છે. માત્ર પોલીસ-વહીવટ અને આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકોને જ બહાર નીકળવાની છૂટ છે. જેના કારણે સમગ્ર શાંઘાઈમાં આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

  • ચીનના શાંઘાઈમાં કોરોનાના કહેરથી સ્થિતિ વધુ ખરાબ બની
  • લોકડાઉનના કારણે હજારો જહાજો શાંઘાઈ પોર્ટ પર ફસાયા
  • હોસ્પિટલોમાં જગ્યાઓ ખૂટી, ચીન મોતના આંકડા છુપાવી રહ્યો છે

કચરાની બેગમાં કૂતરાઓ અને બિલાડીઓને ભરવામાં આવ્યા, વિડીયો વાયરલ
કોરોનાનો કહેર અને લોકડાઉન વચ્ચે ચીનનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં કચરાની બેગમાં કૂતરાઓ અને બિલાડીઓને ભરવામાં આવ્યા છે, જેમની હિલ-ચાલ જોવા મળી રહી છે. આ ભયાનક વીડિયોમાં રસ્તાના કિનારા પર કચરાની મોટી-મોટી થેલીઓ રાખવામાં આવી છે, જેમાં જીવતી બિલાડીઓ ભરેલી છે. વીડિયોને ટ્વીટર પર અપલોડ કરવામાં આવ્યો છે, તેની સાથે જ ટ્વીટ કરતા લખ્યું છે કે, શાંઘાઈમાં 26 મિલિયન લોકો લોકડાઉનમાં છે.

લોકોએ દુકાનોમાં લુંટ ચલાવી
કોરોનાને કારણે શાંઘાઈ વહીવટી તંત્રે બહારના લોકોને શહેરમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. શહેરના લોકોને પણ બહાર નીકળવાની છૂટ નથી. સમગ્ર શહેરમાં લોકોનું મોટા પાયે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા ક્વોરેન્ટાઇન વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટ અનુસાર, કોરોનાના કારણે લગાવેલા લોકડાઉનની વચ્ચે ભૂખા લોકો ગ્રોસરી સ્ટોર્સને લૂંટી રહ્યા છે. લોકો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે, અહીં જે પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે, તેને અનિશ્ચિત સમય માટે ક્વોરેન્ટાઈન સેન્ટરો પર મોકલવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા ખૂટી
શાંઘાઈમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આરોગ્ય સેવાઓ પર ભારણ વધી ગયું છે. હળવા લક્ષણો હોવા છતાં, લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે દર્દીઓને જગ્યા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. શાંઘાઈ વહીવટી તંત્રે કોરોનાથી કોઈ મૃત્યુની જાણ કરી નથી, પરંતુ ડેટાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક શહેર આરોગ્ય અધિકારી, જેમણે નામ ન આપવાની શરતે વાત કરી હતી, જણાવ્યું હતું કે કેસ અને મૃત્યુની પુષ્ટિ માટેના માપદંડ ખૂબ કડક છે અને તેમાં રાજકીય હસ્તક્ષેપ સામેલ છે.

શાંઘાઈ બંદર પર જહાજોનો જમાવડો
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં શાંઘાઈ બંદર પર જહાજોની હાજરી જોવા મળી રહી છે. આ કારણે સમગ્ર બંદર માલવાહક જહાજોની વધતી સંખ્યાથી ભરાઈ ગયું છે. પોર્ટથી કેટલાય કિલોમીટર દૂર ખુલ્લા દરિયામાં જહાજો પણ ઉભેલા જોવા મળે છે. માલસામાનના લોડિંગ અને અનલોડિંગની છૂટ ન મળવાને કારણે જહાજના ક્રૂ પણ ખુલ્લા દરિયામાં ફસાયેલા છે. ઘણા જહાજો પર, ખાવા-પીવાની અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની પણ અછત છે. આમ છતાં ચીન તેના કડક નિયમોમાં બિલકુલ છૂટ આપવા તૈયાર નથી. આ જહાજોને ક્યારે બંદરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે અથવા બંદર પર ઉભેલા જહાજોને ક્યારે બહાર જવા દેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.

To Top