Vadodara

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે એક સાથે 700 બસ ફાળવવામાં આવી

ગોધરા : દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.જ્યારે જિલ્લામાંથી લોકોને લઈ જવા માટે એસટી વિભાગ દ્વારા ૭૦૦ જેટલી બસો ફાળવવામાં આવી છે. જેના કારણે એસટી બસની મુસાફરી કરતા મુસાફરોને ગુરૂવારના રોજ હાલાકી વેઠવાનો વારો આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
ગોધરા, મોરવા હડફ , હાલોલ, કાલોલ તેમજ અન્ય તાલુકામાંથી આ કાર્યક્રમમાં લોકોને લઈ જવા માટે એસટી વિભાગ દ્વારા ૭૦૦ જેટલી બસો ફાળવવામાં આવી હતી. સાથે વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમમાં જનાર સૌને કોઈ તકલીફ નહીં પડે તે માટે ફુડ પેકેટ, પાણીની વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક બસમાં ગ્રામ પંચાયતના તલાટી શિક્ષક તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિતિ રહેનાર હોવા સાથે સમયસર કાર્યક્રમ સ્થળે પહોંચી શકાય તે માટેના જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. જિલ્લામાંથી મોટાભાગની એસ.ટી બસો કાર્યક્રમમાં જવાની હોવાથી બસની મુસાફરી કરતા મુસાફરોને ગુરૂવારે હાલાકી વેઠવી પડશે. શાળાઓમાં હાલના સમયે પરીક્ષા ચાલતી હોવાથી ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરીને શાળા ખાતે પરીક્ષા આપવા જતા હોય ત્યારે વિદ્યાર્થીઓને પણ સમયસર શાળામાં પહોંચવા માટે ખાનગી વાહનોમાં જવું પડશે.

દાહોદ ખાતે વડાપ્રધાન મોદી આવવાના હોવાના કારણે એસટી બસોની લાઇનો લાગી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલનમાં પધારવાના હોય જેને લઇને ખૂણે ખૂણેથી જેઓને સાંભળવા માટે જનમેદની એકઠી કરવા માટે એસટી બસોની સુવિધા કરવામાં આવી હતી ત્યારે સાંજના સમયે એસટી બસોની લાઈનો લાગતા જાંબુઘોડામાં થતા કુતૂહલ સર્જાયું હતું. ત્યારે કાર્યક્રમ જવા માટે દરેક એસટી બસોને રૂટ ફાળવી દેવાશે અને વેહલી સવારે ગુજરાતના દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થશે અને ગુજરાતની જનતા આદિવાસી મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનના કાર્યક્રમને નિહાળશે.

Most Popular

To Top