Entertainment

રણવીર સિંહ જોરદાર ભૂમિકાઓ જ પસંદ કરે છે!

દિવ્યાંગ ઠક્કર નિર્દેશિત ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ ને સામાજિક કોમેડીડ્રામા ફિલ્મ તરીકે ઓળખવામાં આવી રહી છે ત્યારે રણવીર સિંહે કહ્યું છે કે જો આ ફિલ્મ તમને રડાવી ના શકે તો પૈસા પાછા લઇ લેજો. રણવીરનો આ દાવો કેટલો સાચો સાબિત થાય છે એની ખબર તો 13 મી મેના રોજ ફિલ્મ રજૂ થયા પછી જ પડશે પણ એવો દાવો કોઇ પણ કરી શકે છે કે રણવીર એક અલગ રૂપમાં પ્રભાવિત જરૂર કરી જશે. દરેક ફિલ્મમાં અલગ રંગરૂપમાં દેખાતો રણવીર એવો દાવો પણ કરી રહ્યો છે કે મારા દ્વારા પસંદ કરવામાં આવતી ભૂમિકા મારા બીજા પાત્રોથી બિલકુલ અલગ હોય છે. લોકોએ ‘બેન્ડ બાજા બારાત’ જોઇ એ પછી લાંબા સમય સુધી એમ જ સમજતા રહ્યા હતા કે હું દિલ્હીમાં ઉછરેલો છું. 11 વર્ષની કારકિર્દીમાં ઘણી વખત આવી પ્રશંસા મળી છે કેમ કે હું લોકોને એ વિશ્વાસ અપાવતો રહું છું કે હું મારી જાતને કોઇ પણ રૂપમાં ઢાળી શકું છું. રણવીર ‘જયેશભાઇ જોરદાર’ માં ‘રામલીલા’ ના વર્ષો પછી ફરી એક વખત ગુજરાતી યુવાનની ભૂમિકા ભજવી રહ્યો છે. ‘રામલીલા’ એ તેને સ્ટાર અભિનેતા બનાવી દીધો હતો. ગુજરાતીઓ આજે પણ રણવીરની એ ભૂમિકાના વખાણ કરતા રહે છે. તેને વિશ્વાસ છે કે ફરી ગુજરાતીઓનો એવો જ પ્રેમ મળશે. આજની પેઢીના અભિનેતાઓમાં એકમાત્ર રણવીર એવો ગણાય છે જે હજુ ટાઇપકાસ્ટ થયો નથી. તેનું ધ્યેય જ એ છે કે ક્યારેય ટાઇપકાસ્ટ ના થવાય. એટલે જ તે કોઇ પણ ફિલ્મની સ્ક્રીપ્ટ પસંદ કરતી વખતે બહુ ધ્યાન રાખે છે. તે ચતુરાઇથી ભૂમિકા પસંદ કરે છે. ‘જયેશભાઇ જોરદાર’ તેનો તાજો દાખલો છે.

આ ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરતી વખતે રણવીરે કહ્યું હતું કે તમે પડદા પર જાતજાતના અને ભાતભાતના હીરો જોયા હશે પણ ‘જયેશભાઇ’ એમાં અલગ જ હશે. તે ડેનિયલ લે-લુઇસ જેવા રૂપ બદલનારા અને કાંચીડા જેવું વ્યક્તિત્વ ધરાવતા અભિનેતા પાસેથી પ્રેરણા લઇ રહ્યો છે અને દરેક પાત્ર ભજવવા કાયાપલટ કરે છે. રણવીર પહેલી ફિલ્મથી લઇ છેલ્લે રજૂ થયેલી કપિલ દેવના રૂપવાળી ‘83’ સુધીની દરેક ફિલ્મનું આ માટે ઉદાહરણ આપી શકે છે. રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સર્કસ’ માં તે પહેલી વખત ડબલ રોલમાં દેખાવાનો છે. દક્ષિણની ‘અન્નિયન’ ની હિન્દી રીમેક પણ કરી રહ્યો છે.

કંગના રનોત હવે એક્શન હીરોને સ્પર્ધા પૂરી પાડશે?!

શું કંગના રનોત એક્શન હીરોઇન તરીકે બોલિવૂડના એક્શન હીરોને પાછળ રાખી દેશે? એવો સવાલ ફિલ્મ ‘ધાકડ’ ના માત્ર 21 સેકન્ડના ટીઝરમાં પાંચ અલગ રૂપમાં કંગનાને એક્શન કરતી જોયા પછી થઇ રહ્યો છે. તેના જવાબમાં કોઇ પણ કહેશે કે કંગનાએ બોલિવૂડમાં સાચા અર્થમાં ‘એક્શન હીરોઇન’ ની નવી જમાત શરૂ કરી છે અને એક્શન હીરોને સીધો પડકાર ફેંક્યો છે. મશીનગનથી ગોળીઓ ચલાવતી કંગનાના એક્શન દ્રશ્યો જોઇને બોલિવૂડના એક્શન હીરો ચોંકી ગયા હશે. ‘ધાકડ’ માં કંગના અગ્નિ નામની એક સ્પાય એજન્ટની ભૂમિકામાં દેખાશે. તે વેશ બદલવામાં અને યુધ્ધ લડવામાં કાબેલ હોય છે. રજનીશ રાજી નિર્દેશિત ‘ધાકડ’ માં તે દુશ્મનો સામે લડતી દેખાશે. ફિલ્મના નામ મુજબ જ કંગના બંદૂક સાથે ખૂનખરાબા વચ્ચે એક અલગ જ અંદાજમાં દેખાઇ રહી છે. અત્યાર સુધી તે મહિલા પાત્રોની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો વધુ કરતી આવી છે. પહેલી વખત મહિલા અને એક્શન પ્રધાન ફિલ્મ કરીને હોલિવૂડની હીરોઇનોની જેમ બોલિવૂડમાં નવી શરૂઆત કરી રહી છે. કંગનાએ કહ્યું છે કે આપણી ફિલ્મોમાં કદાચ કોઇક જ એવી અભિનેત્રી રહી હશે જે વાસ્તવિક અર્થમાં એક્શન કરતી હોય. જ્યારે મને ‘ધાકડ’ વિશે વાત કરવામાં આવી ત્યારે એ જોઇને ખુશી થઇ હતી કે કોઇએ એક વ્યાવસાયિક ફિલ્મમાં એક મહિલાને એક્શન હીરોઇનના રૂપમાં જોવાની હિંમત કરી હતી.

કંગનાએ અગાઉ કહ્યું હતું કે ફિલ્મનું એક એક્શન દ્રશ્ય એવું છે જેના ઉપર રૂ.25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એવી ધારણા હતી કે અગાઉની હિન્દી ફિલ્મોની જેમ કંગના ‘ધાકડ’માં લડાઇ લડીને બદલો લેતી દેખાશે. પણ 20 મેના રોજ હિન્દી સાથે દક્ષિણની ત્રણ ભાષાઓમાં રજૂ થનારી ‘ધાકડ’ના ટીઝરના અંતમાં જીભથી ચહેરા પર ઉડેલા લોહીના છાંટાને ચાટીને ‘જિસ્મ સે રૂહ અલગ કરના બિઝનેસ હૈ મેરા’ બોલતી કંગનાનો અંદાજ અલગ જ સંકેત આપી રહ્યો છે. કંગના ફિલ્મોમાં પોતાની ઇમેજ પ્રમાણે જ કામ કરે રહી છે. OTT ઉપર પણ ‘લોકઅપ’ શોથી છવાઇ ગઇ છે ત્યારે ‘ધાકડ’ ને તેની ‘થલાઇવી’ થી વધારે દર્શકો મળવાની સંભાવના છે.

Most Popular

To Top