Columns

પૃથ્વીરાજ-રામશરાણીથી રણબીર-આલિયા સુધી…

રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર ભલે ફિલ્મ ક્ષેત્રે હતા પણ તેઓ ક્યારેય ઇચ્છતા ન હતા કે તેઓ કોઈ અભિનેત્રી સાથે મેરેજ કરે. પહેલાં થોડાં ફ્લેશબેકમાં જઈએ. ફિલ્મોમાં, કપૂર પરિવારના સ્થાપક પૃથ્વીરાજ કપૂરના લગ્ન માત્ર 17 વર્ષની ઉંમરે થયા હતા. 1923માં પૃથ્વીરાજના લગ્ન પેશાવરમાં તેમની ઉંમર કરતાં 3 વર્ષ નાની રામશરાણી મેહરા સાથે થયા હતા ત્યારે તેઓ ત્યાં એડવર્ડ કોલેજમાં અભ્યાસ કરતા હતા. રામા (રામશરાણી) એક અનાથ છોકરી હતી, જેનો ઉછેર તેના પાડોશીઓએ કર્યો હતો. લગ્નના એક વર્ષ પછી જ પૃથ્વીરાજના પુત્ર રાજ કપૂરનો જન્મ થયો હતો. નાની ઉંમરમાં પૃથ્વીરાજના લગ્નને કારણે પિતા પૃથ્વીરાજ અને પુત્ર રાજ કપૂર વચ્ચે માત્ર 18 વર્ષનું અંતર હતું. રાજ કપૂર પણ પિતાની માફક ઇચ્છતા હતા કે પરિવારમાં પુત્રવધૂ તરીકે કોઈ અભિનેત્રી ના જોઈએ પણ પિતા-પુત્રની આ ઈચ્છા મહદંઅંશે પૂરી થઈ શકી ન હતી!

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આખરે સપ્તપદીના બંધનમાં બંધાઈ ગયા છે. ફરી એક વખત રાજ કપૂર – પૃથ્વીરાજ કપૂરની ઈચ્છા વિરુદ્ધ સંબંધ બંધાયો છે! લોકો છેલ્લા 4 વર્ષથી બોલિવૂડના આ ચર્ચાસ્પદ લગ્નની રાહ જોઈ રહ્યા હતા. ખુદ ઋષિ કપૂર રણબીરના લગ્ન ધામધૂમથી કરવા માગતા હતા પણ તેની ઈચ્છા પૂરી થઈ શકી નહીં. કપૂર પરિવારની ઓળખ બોલિવૂડના ફર્સ્ટ ફેમિલી તરીકેની રહી છે. રાજ કપૂર શોમેન તરીકે ઓળખાતા હતા. તેમની ફિલ્મો ભવ્યતાનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે. ફિલ્મો જ નહીં રાજ કપૂરના પરિવારમાં યોજાતાં લગ્નો પણ એટલાં જ ભવ્ય થતાં હતાં. આ લગ્ન સમારોહને તેની ભવ્યતા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. રાજ કપૂરે યોજેલા પુત્ર ઋષિ કપૂરના લગ્ન અને રિસેપ્શનની પાર્ટી એટલી શાનદાર હતી કે આજે 42 વર્ષ પછી પણ લોકો તેને ભૂલી શક્યા નથી. ઋષિ-નીતુના લગ્નમાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને બધાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઋષિ કપૂર પણ કંઈક આવી જ રીતે પુત્ર રણબીરના લગ્ન ધામધૂમથી કરવા માગતા હતા પણ તેમની ઇચ્છા પૂરી થઈ શકી નહીં. જો કે, મહેંદી સેરેમનીમાં રણબીર કપૂરે પિતા ઋષિ કપૂરને યાદ કર્યા હતા. રણબીરે પિતાની તસવીર હાથમાં લઈને એક ફોટો ક્લિક કરાવ્યો હતો. લગ્નના દિવસે પણ મંડપ આગળ ઋષિ કપૂરનો ફોટો મૂકવામાં આવ્યો હતો અને આલિયા-રણબીરે તેમના આશીર્વાદ લઈને લગ્નની વિધિઓ કરી હતી.

આલિયા ભટ્ટે રણબીર કપૂર તરફના પોતાના ઝુકાવના સંકેત ‘કૉફી વિથ કરણ’ શોમાં આપ્યા હતા. જ્યારે તેઓ પહેલી વાર પોતાની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના પ્રમોશન માટે શોમાં ગયાં હતાં, શોના નિર્દેશક અને નિર્માતા કરણ જોહરે એમને પૂછેલું કે, ‘પોતાના લગ્નના સ્વયંવરમાં તમે કયા ત્રણ અભિનેતાને જોવા માગો છો?’ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફૅરની ચર્ચા બંનેએ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સાઇન કરી એ પછી શરૂ થઈ હતી. પહેલાં તો લોકોને લાગ્યું કે એ વાત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનનો ભાગ છે પરંતુ ધીરે-ધીરે એવી ગૉસિપ પણ શરૂ થઈ ગઈ કે ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગના સમયે તેઓ એકબીજા સાથે ડેટ કરતાં હતાં.  આલિયા અને રણબીર સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં પહેલી વાર એકસાથે એકબીજાનો હાથ પકડીને પહોંચ્યાં ત્યારે અફૅરની ખબરો પાકી હોવાનું લોકોએ માની લીધું હતું.

આ બાબતે આલિયાએ સૌથી પહેલું નામ રણબીર કપૂરનું કહ્યું હતું. એના પછી સલમાન ખાન અને આદિત્યરૉય કપૂરનું હતું. પછી કરણ જોહરે બીજા બે સવાલ કર્યા, જેના જવાબમાં પણ આલિયાએ રણબીર કપૂરનું જ નામ લીધું હતું. એ સવાલ હતા કે, આલિયા ‘સ્ટીમી સીન’ એટલે કે ‘કામોત્તેજક સીન’ કોની સાથે કરવા ઇચ્છશે અને લગ્ન કોની સાથે કરવા ઇચ્છશે? એમણે ત્યારે કહેલી વાત હવે હકીકત બની છે.

હકીકતમાં કપૂર પરિવારમાં લગ્નો ખૂબ નાની ઉંમરમાં થઈ જતાં હોય છે. કપૂર પરિવારમાં લગભગ દરેક વ્યક્તિએ નાની ઉંમરમાં લગ્ન કર્યા છે. ઉપરાંત તમામ કપૂર કપલ વચ્ચે ઉંમરનું અંતર ઓછું રહ્યું છે. રણબીર કપૂર આ બધામાં અપવાદ સાબિત થયો છે. રણબીરના લગ્ન મોટી ઉંમરે થયા છે અને બંને વચ્ચે ઉંમરનો તફાવત પણ મોટો છે. એક માત્ર શમ્મી કપૂરે બીજા લગ્ન કર્યા ત્યારે તેમની અને તેમની પત્ની નીલા દેવી વચ્ચે 10 વર્ષનો તફાવત હતો. જો કે, શમ્મીની પ્રથમ પત્ની ગીતા બાલી અને તેમની વચ્ચે માત્ર એક વર્ષનું અંતર હતું.

રાજ કપૂરે 12 મે, 1946ના રોજ કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. એ સમયે રાજ કપૂર 22 વર્ષના અને કૃષ્ણા તેમનાથી 6 વર્ષ નાના એટલે કે 16 વર્ષના હતા. ક્રિષ્ના મલ્હોત્રા મધ્યપ્રદેશના રીવાના હતા. પિતા પૃથ્વીરાજ ઘરમાં પુત્રવધૂ તરીકે અભિનેત્રી ઇચ્છતા ના હોવાથી આ લગ્ન પૃથ્વીરાજે જ કરાવ્યા હતા. રાજ કપૂરે લગ્ન પહેલાં ક્રિષ્નાને પહેલી વાર સફેદ સાડીમાં જોયા ત્યારે તે તેની સુંદરતાથી મોહી પડ્યા હતા. એ પછી રાજ કપૂર તેમની ફિલ્મોની લગભગ તમામ અભિનેત્રીઓને સફેદ સાડી પહેરાવીને વારંવાર કૃષ્ણા કપૂરની સુંદરતાનું પુનરાવર્તન કરતા રહ્યા હતા.

લગ્નોની વાત નીકળી છે તો કપૂર પરિવારમાં શશી કપૂરે ઊંધો ચીલો ચાતર્યો હતો! શશિ કપૂરે માત્ર 20 વર્ષની ઉંમરમાં પોતાનાથી 5 વર્ષ મોટી જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા હતા. અલબત્ત, શશિએ 18 વર્ષની ઉંમરે જેનિફર સાથે લગ્ન કરવા માટે જીદ પકડી હતી પરંતુ પરિવારજનોએ સમજાવ્યો હતો કે આ લગ્નની ઉંમર નથી. ગીતા બાલીની જેમ કપૂર પરિવાર જેનિફરને પોતાના ઘરની વહુ બનાવવા તૈયાર નહોતો કારણ કે તે અભિનેત્રી હોવાની સાથે અંગ્રેજ મહિલા પણ હતી. બીજી તરફ જેનિફરના પિતા જ્યોફ્રી કેન્ડલ પણ આ લગ્નના સખત વિરોધમાં હતા.

એક વાર શશિ કપૂર જેફ્રી સાથે નાટક માટે સિંગાપુર ગયા હતા. ત્યાર બાદ જેનિફરે તેના પિતાને કહ્યું હતું કે, તે શશિ સાથે લગ્ન કરવા માગે છે. આ સાંભળીને જ્યોફ્રી ગુસ્સે થઈ ગયા હતા. ત્યાર બાદ જેનિફરે પિતાને છોડીને શશિ સાથે ભારત આવવાનું નક્કી કર્યું હતું. શશિ અને જેનિફરે 1 જુલાઈ, 1958ના રોજ મુંબઈ આવી અને બીજા જ દિવસે 2 જુલાઈ, 1958ના રોજ પૃથ્વીરાજના માટુંગા સ્થિત ઘરમાં માત્ર 3 કલાકની વિધિમાં જ લગ્ન કરી લીધા હતા. તે દિવસોમાં પૃથ્વીરાજ જયપુરમાં ફિલ્મ ‘મુગલ-એ આઝમ’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. જો કે, ‘મુગલ-એ આઝમ’ના દિગ્દર્શક કે આસિફે ખાનગી વિમાનની વ્યવસ્થા કરી અને પૃથ્વીરાજને થોડા કલાકો માટે મુંબઈ મોકલ્યા હતા.  રાજ કપૂરની જેમ જ તેમના પિતા પૃથ્વીરાજ પણ તેમના પુત્રો શમ્મી કપૂર અને શશિ કપૂરના લગ્ન ધામધૂમથી કરવા માગતા હતા, પરંતુ તેમની એ ઈચ્છા પૂરી થઈ શકી ન હતી. રાજ કપૂરનો નાનો ભાઈ શમ્મી કપૂર ફિલ્મોમાં સંઘર્ષ કરી રહ્યો હતો. 1955માં અમુક ફિલ્મોના શૂટિંગ દરમિયાન શમ્મીની મુલાકાત અભિનેત્રી ગીતા બાલી સાથે થઈ હતી. ગીતા બાલી શમ્મીના પ્રેમમાં પડી હતી. કપૂર પરિવાર ઈચ્છતો ન હતો કે, શમ્મી કોઈ અભિનેત્રી સાથે લગ્ન કરે. શમ્મી પહેલાં ગીતાએ ‘આનંદમઠ’માં પૃથ્વીરાજ સાથે અને ‘બાવરે નૈન’માં રાજ કપૂર સાથે કામ કર્યું હતું. બીજી તરફ શમ્મી કપૂર ગીતા સાથે લગ્ન કરવા ઉત્સુક હતા. થોડા જ સમયમાં જ્યારે શમ્મી ગીતા સાથે મુંબઈના બાણગંગા મંદિર ગયા તો મંદિરના દરવાજા બંધ થઈ ગયા હતા. પૂજારીએ કહ્યું કે સવારે 4 વાગે આવજો. શમ્મીએ ફરીથી 4 વાગે મંદિરે તેના મિત્ર જોની વોકર અને હરી વાલિયાને પણ ત્યાં બોલાવ્યા હતા. 24 ઓગસ્ટ, 1955ના રોજ સાદાઈથી તેમના લગ્ન થયા હતા. એ વખતે શમ્મી 24 વર્ષના અને ગીતા 25 વર્ષના હતા.

રણધીરના કેસમાં પણ એવું જ થયું હતું. ઇચ્છતા ન હોવા છતાં ફરી પુત્રવધૂ તરીકે એક અભિનેત્રી જ આવ્યાં હતાં! રાજ કપૂરે તેમના પુત્ર રણધીર કપૂરને હીરો અને દિગ્દર્શક તરીકે લોન્ચ કરવા માટે ફિલ્મ ‘કલ આજ ઔર કલ’ પર કામ શરૂ કર્યું હતું, પછી બબીતાને ફિલ્મની નાયિકા તરીકે પસંદ કર્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન રણધીર બબીતાની આંખો મળી ગઈ અને રણધીરે બબીતા સાથે લગ્ન કરવાની રીતસર જીદ પકડી હતી! અલબત્ત, પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂર જે ઇચ્છતા ન હતા એવું બીજી વખત થયું!

બીજી અભિનેત્રી કપૂર પરિવારમાં પુત્રવધૂ બની રહ્યા હતા એટલે આ જોઈને તેઓ નારાજ હતા પણ રણધીરની જીદ સામે તેઓ લાચાર હતા. રણધીર – બબીતાએ આખરે ‘કલ આજ ઔર કલ’ની રિલીઝના લગભગ એક મહિના પહેલાં જ લગ્ન કરી લીધા હતા.  રણધીર – બબીતાના લગ્ન 6 નવેમ્બર, 1971ના રોજ થયા ત્યારે બંનેની ઉંમર 24 વર્ષની હતી. જો કે, લગ્ન પછી બબીતાએ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું અને એક નવી પરંપરાએ કપૂર પરિવારમાં જન્મ લીધો હતો. રિશી-નીતુના કેસમાં પણ આવું જ થયું હતું. 

જો કે, ઋષિએ પણ પરિવારને તેમની હિરોઈન નીતુ સિંહ સાથે લગ્ન કરવાના નિર્ણય વિશે જણાવ્યું તો એ વખતે રાજ કપૂર રાજી થઈ ગયા હતા. બંનેના લગ્નથી રાજ કપૂર કેટલા ખુશ હતા. એ પણ લાગે છે કે તેમના પ્રેમસંબંધ હોવા છતાં રાજ કપૂરે નીતુની માતા રાજી સિંહને અદભુત રીતે પ્રણામ કર્યા અને કહ્યું – તમારી દીકરીનો હાથ મારા છોકરાને સોંપી દો. રાજ કપૂરની આ સ્ટાઈલ જોઈને રાજી સિંહ અભિભૂત થઈ ગયા હતા. રણબીર – આલિયાની માફક રિશી-નીતુના રોમાંસની ચર્ચા 1976થી સતત હેડલાઇન્સમાં હતી. ચાર વર્ષ સુધી રિશી-નીતુના લગ્નને લઈને બોલિવૂડમાં ચર્ચાઓ ચાલી હતી. ચર્ચાનો અંત છેક 22 જાન્યુઆરી, 1980ના રોજ કપલે લગ્ન કર્યા પછી આવ્યો હતો. ત્યારે ઋષિ 28 અને નીતુ 22 વર્ષના હતા. જોગાનુજોગ રણબીર-આલિયાની સગાઈ-મહેંદી સેરેમની 14 એપ્રિલે બૈસાખીના દિવસે થઈ હતી. રિશી-નીતુની સગાઈ પણ બૈસાખીના દિવસે થઈ હતી. ઋષિ કપૂરે પોતાના લગ્નમાં ક્રીમ કલરનો સૂટ પહેર્યો હતો, એ જ રીતે રણબીરે પણ તેના લગ્નમાં ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો.

Most Popular

To Top