Columns

માસી અને ફિલ્મ ‘…RRR એકદમ માસી ફિલ્મ છે – માસ માટેની મસાલા ફિલ્મ’

‘‘રીષિકા, મેં કાલે તને અવિ જોડે જોઈ.’ ‘શું વાત કરે છે! કાલે? હોય નહીં….’ ‘શું હોય નહીં? હું જૂઠું બોલું છું? કાલે તું અવિ જોડે RRR ફિલ્મ જોઈને નીકળતી હતી અને મેં મારી સગી આંખે તમને જોયા.’ ‘ઓહ, એ? હું અવિ જોડે ફિલ્મ જોવા નહોતી ગઈ, અમે ફિલ્મ જોઈને સાથે નીકળ્યા. બસ.’ ‘શું ફેંકે છે? સાથે ગઈ નહોતી પણ સાથે આવી! એટલે?’ ‘એટલે ફિલ્મ તો હું મારા માસી જોડે જોવા ગયેલી.’ ‘અવિને તું માસી કહે છે?’ ‘એ નેહલડી, ચિડાય છે શું કામ? આખી વાત તો સાંભળ, માસી જોડે ફિલ્મ જોવા ગઈ પણ માસીને સાઉથના એક્ટર જોવાની મજા ન આવી એટલે એ ઈન્ટરવલમાં ચાલી ગઈ. મને તો ફિલ્મ ગમી એટલે મેં તો આખી જોઈ, એમાં અજય દેવગન જ્યારે-’

‘શું અજય દેવગન ? તું વાત નહીં બદલ, આપણે અવિની વાત કરતા હતા.’ ‘આપણે નહીં તું. મને અવિની વાત કરવાની કંઈ હોંશ નથી.’ ‘મને હોંશ છે અવિની વાત કરવાની? હું તારી વાત કરું છું – તું અવિ સાથે હતી તે વાત-’ ‘પણ શો છૂટતા મને એ મળી ગયો તો શું કરવાનું? મ્હોં ફેરવી લેવાનું?’ થોડી વાર એ બન્ને બહેનપણી ચૂપ રહી ચા પીતી રહી. ચૂલા પર બીજી ચા ઉકળી રહી હતી. રીષિકાના જવાબથી એની સખી નેહલ બહુ સંતુષ્ટ હોય એવું મને ન લાગ્યું. ઉકળતી ચા જોતા મેં વિચાર્યું : આ નેહલના મગજમાં પણ આમ જ વિચારો, શંકા કે ગુસ્સો ઉકળી રહ્યા હશે.

હશે. આપણે શું! સામે ઉકળતી ચા પ્યાલામાં રેડાઇને ગ્રાહક સુધી પહોંચે એ જ મારા માટે અગત્યનું. એ સિવાયની વાતો ટાઈમપાસ પણ ચાવાળા તરીકે હું જીભ પર કાબૂ રાખી મારી જાતને પારકી પંચાતમાં પડતા રોકી શકું, કાનને કેમ કરી રોકવા? એ તો કામનું ન કામનું જે એને મળે એ સાંભળે જ એટલે પારકી પંચાતમાં હું ઈચ્છું કે ન ઈચ્છું – પડી જ જતો હોઉં છું. તો આ નેહલને રીષિકા અને અવિ મળે એ ગમતું નથી. શું કારણ હશે? અવિથી નેહલ રીસમાં હશે?

થોડી વારે એ બંને ચા પતાવી બાંકડેથી રવાના થયા એટલે મારા માટે એ પંચાત પૂરી થઈ. પછી બે આધેડ વયના મિત્રો બેસીને ચા પીતા પીતા પોતાના દીકરાઓ વિશે એકબીજાને ફરિયાદ કરવા માંડ્યા એટલે મારા માટે નવી પંચાત શરૂ થઈ. ચાવાળાની પંચાત હોટલના વેઇટરની યાદશક્તિ જેવી સાવ હંગામી હોય છે. ઘરાક મંગાવે એ વેઈટર ચીવટથી યાદ રાખે અને ઘરાક હોટલ છોડે એટલે વેઈટર આખો ઓર્ડર મગજમાંથી બરખાસ્ત કરી નવો ઓર્ડર યાદ રાખવા માંડે એમ હું પણ મારા ઘરાક બાંકડેથી ઊઠે એટલે એમની પંચાત પડતી મૂકી દઉં.

એ બન્ને આધેડ વયના મિત્રો ગયા પછી એક કપલ આવ્યું. કપલમાંથી યુવાને બે ચાનો ઓર્ડર કરી એની સાથેની યુવતીને કહ્યું. ‘કેમ કંઈ બોલતી નથી?’ ‘અવિ, કાલે મેં તને રીષિકા જોડે જોયો!’ ‘શું વાત કરે છે! કાલે? હોય નહીં…’ મારા કાન ચમક્યા. શું આ એ જ અવિ છે જે એ રીષિકા જોડે હતો જેમને સાથે જોઈ રીષિકાની બહેનપણી નેહલ અપસેટ હતી? ‘શું હોય નહીં? હું જૂઠું બોલું છું? કાલે તું રીષિકા જોડે RRR ફિલ્મ જોઈને નીકળતો હતો અને મેં મારી સગી આંખે તમને જોયા.’

‘ઓહ, એ? હું રીષિકા જોડે ફિલ્મ જોવા નહોતો ગયો, અમે થિયેટરમાંથી સાથે નીકળ્યા. બસ.’ ‘શું ફેંકે છે? સાથે ગયો નહોતો પણ થિયેટરમાંથી સાથે બહાર આવ્યો! એટલે?’ ‘એટલે ફિલ્મ તો મારી માસી જોવા ગયેલી.’ ‘રીષિકાને તું માસી કહે છે?’ ‘એ શૈલુ, ચિડાય છે શું કામ? આખી વાત તો સાંભળ, માસી ફિલ્મ જોવા ગઈ ત્યારે મને બહુ જીદ કરી કે મારી જોડે ફિલ્મ જોવા આવ પણ RRR ફિલ્મ તો ગઈકાલના લાસ્ટ શોમાં આપણે સાથે જોવાનું નક્કી કરેલું એટલે મેં માસીને ફિલ્મ જોવાની ના પાડી દીધી હતી. પણ માસીએ કહેલું કે ફિલ્મ પૂરી થાય ત્યારે મને થિયેટર પર લેવા આવજે, મુંબઈના ટ્રાફિકમાં એને ગૂંચવાડા બહુ થાય છે એટલે હું તો માસીને લેવા આવેલો.’ ‘તો માસી કેમ ન દેખાયા?’ ‘એ તો કંટાળીને ઈન્ટરવલમાં જ ચાલ્યા ગયેલા…. મને પણ પછી ખબર પડી બોલ! મારે થિયેટર પર અમસ્તો ધક્કો થયો.’

થોડી વાર એ બન્ને જણ ચૂપ રહી ચા પીતા રહ્યા. ચૂલા પર બીજી ચા ઉકળી રહી હતી. અવિના જવાબથી શૈલુ બહુ સંતુષ્ટ હોય એવું મને ન લાગ્યું. ઉકળતી ચા જોતા મેં વિચાર્યું : આ શૈલુના મગજમાં પણ આમ જ વિચારો, શંકા કે ગુસ્સો ઉકળી રહ્યા હશે. મને પણ શંકા ગઈ કે આ અવિ ફેંક મારે છે. પેલી રીષિકા કદાચ ફિલ્મ જોવા ગઈ હતી આ અવિ સાથે અને નેહલ સામે બહાનું કાઢ્યું માસીના નામનું તે જ પ્રમાણે આ અવિએ પણ શૈલુ સામે માસીના નામે બિલ ફાડ્યું! અને બન્નેની વાર્તામાં માસી ઈન્ટરવલમાં કંટાળીને ફિલ્મ છોડી ભાગી જાય છે! શું બન્નેના માસી એક જ હશે? પણ માસી તો કદાચ હતા જ નહીં – એ તો ઉપજાવેલું પાત્ર લાગે છે. પણ બે અલગ અલગ લોકોએ ઉપજાવેલ પાત્ર એક જેવું વર્તન કરી શકે?

એ બંને ચા પતાવી બાંકડેથી રવાના થયા. પછી ત્રણ મજૂર જેવી લાગતી મહિલાઓ આવી. ચા પીતા કોઈ વાતે બહુ પોરસાતી વાતો કરવા લાગી. એમની ભાષા તમિલ હતી, આપણને કંઈ પલ્લે ન પડે પણ વાતોમાં અહોભાવ સાથે ‘પુષ્પા’ અને ‘RRR’નો ઉલ્લેખ આવ્યો એટલે સમજાઈ ગયું કે ‘આપણી ફિલ્મો હિન્દીવાળા પણ કેવા હોંશે હોંશે જુવે છે એવી વાત કરતા હશે. બીજા ખૂણે બે કોલેજીયનમાંથી એકે આ ફિલ્મની વાત કરતા કહ્યું ‘RRR એકદમ માસી ફિલ્મ છે – માસ માટેની મસાલા ફિલ્મ…’ થોડી વારે અન્ય એક કપલ આવ્યું. આ વખતે ઓર્ડર યુવતીએ કર્યો. ‘બે કોફી.’ મેં કોફી બનાવતા સાંભળ્યું. યુવતીએ કહ્યું. ‘અવિ, કાલે મેં તને શૈલુ જોડે જોયો!’

‘શું વાત કરે છે! કાલે? હોય નહીં…’ મારા કાન ચમક્યા. શું આ રીષિકા છે હવે અને યુવક અવિ? મેં બન્નેને ધ્યાનથી જોયા. હા આ રીષિકા છે જે થોડા સમય અગાઉ નેહલ નામની એની સખી સાથે આવી હતી અને આ યુવાન અવિ જ છે જે હમણાં શૈલુ નામની યુવતી જોડે આવ્યો હતો! ‘શું હોય નહીં? હું જૂઠું બોલું છું? કાલે તું શૈલુ જોડે RRR ફિલ્મ જોઈને નીકળતો હતો અને મેં મારી સગી આંખે તમને જોયા.’ ‘ઓહ, એ? હું શૈલુ જોડે ફિલ્મ જોવા નહોતો ગયો, અમે થિયેટરમાંથી સાથે નીકળ્યા. બસ.’ ‘શું ફેંકે છે? સાથે ગયો નહોતો પણ થિયેટરમાંથી સાથે બહાર આવ્યો! એટલે?’ ‘એટલે ફિલ્મ તો મારી માસી જોવા ગયેલી.’ ‘શૈલુને તું માસી કહે છે?’ મેં બન્નેને કોફી આપી, એમની વાતો ચાલતી રહી.

‘એ રીષિકા, ચિડાય છે શું કામ? આખી વાત તો સાંભળ, માસી ફિલ્મ જોવા ગઈ ત્યારે મને બહુ જીદ કરી કે મારી જોડે ફિલ્મ જોવા આવ પણ RRR ફિલ્મ તો ગઈ કાલના બપોરના શોમાં આપણે સાથે જોઈ જ લીધી હતી એટલે મેં માસીને ફિલ્મ જોવાની ના પાડી દીધી હતી પણ માસીએ કહેલું કે ફિલ્મ પૂરી થાય ત્યારે મને થિયેટર પર લેવા આવજે, મુંબઈના ટ્રાફિકમાં એને ગૂંચવાડા બહુ થાય છે. એટલે હું તો માસીને લેવા આવેલો.’ ‘તો માસી કેમ ન દેખાયા?’ ‘એ તો કંટાળીને ઈન્ટરવલમાં જ ચાલ્યા ગયેલા. …મને પણ પછી ખબર પડી બોલ! મારે થિયેટર પર અમસ્તો ધક્કો થયો.’ થોડી વાર એ બન્ને જણ ચૂપ રહી કોફી પીતા રહ્યા. ચૂલા પર બીજી ચા ઉકળી રહી હતી. અવિના જવાબથી રીષિકા બહુ સંતુષ્ટ હોય એવું મને ન લાગ્યું. ઉકળતી ચા જોતા મેં વિચાર્યું : આ રીષિકાના મગજમાં પણ આમ જ વિચારો, શંકા કે ગુસ્સો ઉકળી રહ્યા હશે… અરે પણ રીષિકાને હવે ખ્યાલ આવ્યો હશે કે એની બહેનપણી નેહલના મનમાં પણ આમ જ ગુસ્સો ઉકળ્યો હશે!

આખી વાતમાં માસી મને બહુ સ્ટ્રોંગ પાત્ર લાગ્યું. એ દરેક કોમ્બિનેશનમાં હાજર હતા અને દર વખતે અડધી ફિલ્મ છોડી ભાગી જતા હતા! ખેર, કોફી પતાવી એ બન્ને ચાલ્યા ગયા અને દર વખતે ઘરાક બાંકડો છોડે એટલે એની પંચાત હું ભૂલી જતો પણ આજે આ રીષિકા અને અવિ ગયા બાદ પણ એમની પંચાત મારાથી છૂટી નહીં…. એટલામાં બે બહેનપણીઓ બાંકડે આવી. મને બે ચાનો ઓર્ડર કર્યો. બન્નેના ચહેરા મને પરિચિત લાગ્યા. ચા રેડતા મેં સાંભળ્યું. ‘શૈલુ, મેં કાલે તને અવિ જોડે જોઈ.’ ‘શું વાત કરે છે! કાલે? હોય નહીં…’ ‘શું હોય નહીં? હું જૂઠું બોલું છું? કાલે તું અવિ જોડે RRR ફિલ્મ જોઈને નીકળતી હતી અને મેં મારી સગી આંખે તમને જોયા.’ આ તો નેહલ અને શૈલુ હતા! હે ભગવાન! શું ફરી એક વાર માસી અડધી જ ફિલ્મ જોશે? જેને માસી ફિલ્મ કહેવાય છે એ ફિલ્મ માસી પૂરી જોઈ જ નથી શકતા…!

Most Popular

To Top