Top News

More Posts

   The Latest

Most Popular

કહે છે કે ‘રાધે’ ફિલ્મે ઓટીટી પ્લેટફોર્મ પર અને થિયેટર રિલીઝ વડે જબરદસ્ત કમાણી કરી. સંયુકત આરબ અમીરાતમાં ૫૦ ટકા પ્રેક્ષક સાથે થિયેટરો ચાલુ છે ત્યાં તેને ૩,૭૯,૦૦૦ ડોલરની કમાણી થઇ. ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી ફિલ્મો કેટલી સફળ તે જોઇ શકાતી નથી કારણકે ત્યાં કાંઇ થિયેટર પણ લાગે તેવી લાઇન લાગતી નથી. હકીકતે તો થિયેટર બંધ થતાં ઓટીટી પ્લેટફોર્મનો વિકલ્પ આવી ગયો. તેણે ફિલ્મમાં રોકાણ કરનારા ફાયનાન્સરો, ફિલ્મને થિયેટરમાં રજૂ કરનારા એકિઝબીટરો, વિતરકો સહિત અનેકનાં માળખા બદલી કાઢયા છે. હવે ફિલ્મોમાં કોર્પોરેટ કંપનીઓ, પબ્લિક લિસ્ટેડ કંપનીઓ પૈસા રોકે છે. એજ રીતે સ્વયં ચેનલો પણ વેબસિરીઝને ફિલ્મ બનાવવા માટે મોટા પ્રોડકશન હાઉસ અને ટોપ ફિલ્મ સ્ટાર્સને મોટી રકમ આપવા માંડયા છે.

મતલબ કે ટી.વી. પર સિરીયલો બનવી શરૂ થઇ પછી અનેક ફિલ્મવાળાઓ પાસે જ ચાલી ગયેલી એવું હવે ડિજીટલ ક્ષેત્રે બની રહ્યું છે. કમાણી તો ફિલ્મક્ષેત્રે જાણીતા પ્રોડકશન હાઉસવાળાને ટોપ સ્ટાર જ કરવાના છે. અત્યારે કરણ જોહર નેટફિલકસ માટે પાંચ પ્રોજેકટ પર કામ કરી રહ્યો છે. અક્ષયકુમાર, અજય દેવગણ, ઋતિક રોશન ડિજીટલ પ્લેટફોર્મ માટે ફિલ્મ અને શો બનાવી રહ્યા છે. હમણાં અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અને રાની મુખરજી અભિનીત ‘મિસેજ ચેટર્જી વર્સિસ નોર્વે’ બની રહી છે જેના નિર્માતા ઝી સ્ટૂડિયો છે. અજય દેવગણ ડિઝની પ્લસ હોટ સ્ટારની ‘રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ’માં આવી રહ્યો છે.

શું લોકો ઓટીટી પર જ ફિલ્મો અને વેબસિરીઝ યા બીજા શો જોશે? અત્યારના સંજોગો જોતાં કહી શકાય કે હા, ઘર સિવાય બહાર જોવાય તેમ નથી. કોરોનાનો પ્રભાવ પૂરો થયા પછી પણ એકદમ નોર્મલ થશે ખરું? લોકો કદાચ બંધ થીયેટરમાં ભીડ કરવા તૈયાર ન પણ થાય. મલ્ટીપ્લેકસવાળા મોટી ચિંતામાં છે. તેમની પાસે સેટેલાઇટથી ફિલ્મો પહોંચતી હતી. અત્યારે એ માળખું જ ધ્વસ્ત થઇ ગયું છે. લાગે છે કે આ મહામારી કાયમ માટે કેટલાંક પરિવર્તન લાવશે. એટલે ફિલ્મોદ્યોગે પણ નવું માળખું ઊભું કરવું પડશે. કોરોના પહેલાના વર્ષોમાં વર્ષે દહાડે ફિલ્મોદ્યોગ ૧૫૦૦ થી ૨૦૦૦ કરોડ રોકાણ કરતું હતું ને ૪૦૦૦ થી ૪૫૦૦ કરોડનો બિઝનેસ થતો હતો.

હવે એ બધું ભુલી નવી રીતે વિચારવું પડશે. કારણકે નેટફિલકસ, એમેઝોન પ્રાઇમ વિડીયો, ડિઝની પ્લસ હોટસ્ટાર, સોની લિવ જેવી વિદેશીને ઝીપ, એમએકસ જેવા દેશી ખેલાડીઓ જ હમણાં તો વર્ચસ્વ જમાવી બેઠા છે. જેઓ ફિલ્મ બનાવે છે તેમણે આ બધા સાથે જ ધંધો કરવો પડે છે. થિયેટર રિલીઝમાં જે સ્ટાર ગણાતા હતા એજ સ્ટાર ડિજીટલ પર પણ રહેશે એવું લાગે છે. આવનારા સમયમાં કઇ ફિલ્મો કેટલામાં વેચાશે ને કેવી સફળતા મેળવશે તેના પરથી ભવિષ્યનું બજાર વધારે સ્પષ્ટ થશે.

To Top