SURAT

‘અરે ભજીયાની આટલી બધી વેરાયટી ? : સ્માર્ટ સમિટના ડેલીગેટસ સુરતમાં ડુમસના ભજીયા પર આફરીન

સુરત: સુરતમાં (Surat) યોજાયેલી ત્રણ દિવસીય નેશનલ સ્માર્ટ સિટીઝ (Smart City) સ્માર્ટ અર્બનાઈઝેશનનો બુધવારે (Wednesday) આખરી દિવસ હતો. અંતિમ દિવસે ડેલીગેટસ માટે વિવિધ સ્થળોની ટુરનું (Tour) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના ડેલીગેટસ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતા. તો અન્ય ડેલીગેટ્સે સુરત શહેરના વિવિધ પ્રોજેક્ટ જોયા હતા. જેમાં ડુમસ વોક-વે જોવા ગયેલા ડેલીગેટ્સે ડુમસના ભજીયાની પણ મજા લીધી હતી અને વિવિધ પ્રકારના ભજીયા ખાઈને અને ઐતિહાસિક કિલ્લો જોઈ પણ ખુશ થયા હતા.

ડુમસ વોક-વે જોવા પહોંચેલા ડેલીગેટ્સે વોક-વે પર વિવિધ સ્પોટ પર સેલ્ફી લીધી હતા તેમજ ડુમસ દરિયાકિનારે પણ ફરવા નીકળી પડ્યા હતા. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા ડેલીગેટ્સને મનપાના અધિકારીઓ દ્વારા ડુમસના પ્રખ્યાત ભજીયાનો આસ્વાદ કરાવાયો હતો. જે દરમિયાન ડાયેટ કે અન્ય જાતની પરવા કર્યા વગર ભજીયા પર તુટી પડ્યા હતા. ખાસ કરીને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે ‘ભજીયાની પણ આટલી બધી વેરાયટી’ હોય શકે… ખાસ કરીને લીમડાના પાનવાળા ભજીયા ડેલીગેટ્સને ખુબ ભાવ્યા હતા. તે ઉપરાંત ઐતિહાસિક કિલ્લો જોવા પહોંચેલા ડેલીગેટ્સે કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું.

કેસલ રાઈડમાં ડુમસ વોક-વે અને ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે 31 ડેલિગેટ્સ પહોંચ્યા હતા. આ ટુર દરમિયાન સુરતે જે રીતે કિલ્લાના રિનોવેશનને બદલે તેના મુળ સ્વરૂપે રિસ્ટોર કર્યા તેવી વિગત જાણી આશ્ચર્ય પામ્યા હતા. જો કે અમુક ડેલીગેટ દ્વારા શહેરની વચ્ચોવચ કિલ્લાનું મહત્વ જળવાય તે માટે વધુમાં વધુ શહેરીજનો કિલ્લાની મુલાકાત લે અને જોડાય તેવા આયોજનો કરવા સુચન કર્યા હતા. જ્યારે બીઆરટીએસ સ્ટેશન, આઈ-લેબ અને સ્મેક સેન્ટરની 13 ડેલિગેટ્સ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સમગ્ર દેશમાં સુરતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાહવાહીને ધ્યાને રાખીને 52 જેટલા ડેલિગેટ્સ આઈકોનિક રોડ અને સ્માર્ટ એઓફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની મુલાકાતે પહોંચ્યા હતા. આ સિવાય 19 ડેલિગેટ્સએ નેચર ટ્રેકના ભાગરૂપે કેનાલ પાથ-વે અને બાયોડાવર્સિટી પાર્કની વિઝિટ લીધી હતી.

સ્માર્ટ સિટી સમીટના અંતિમ દિવસે શહેરીજનોએ મુલાકાત લીધી
સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા સ્માર્ટ સીટીઝ સ્માર્ટ અર્બનાઈઝેશનમાં બે દિવસીય ડેલીગેટ્સે વિવિધ સેમીનાર અને સ્ટાર્ટ અપ ઈન્વેન્શનનો લાભ લીધો હતો. અને ત્રીજા દિવસે ડેલીગેટ્સ શહેરના વિવિધ રૂટ પર વિઝીટ માટે નીકળ્યા હતા. જેથી ત્રીજા દિવસે શહેરીજનો માટે સ્માર્ટ સીટી સમીટની વિઝીટ ઓપન કરવામાં આવી હતી. જેથી શહેરીજનો આ સમીટ જોવા પહોંચ્યા હતા. શહેરીજનોની સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓ પણ સમીટમાં પહોંચ્યા હતા.

Most Popular

To Top