Editorial

કોંગ્રેસના સ્વછંદી નેતાઓને કાબુમાં કરાશે તો જ પીકે કોંગ્રેસને સત્તા અપાવવામાં સફળ થશે

એક સમય હતો કે જ્યારે રાજનીતિ સેવાનું માધ્યમ ગણાતી હતી. રાજનીતિમાં જોડાયેલા નેતાઓ પોતાના વિચારો લઈને મતદારો પાસે જતા હતા અને સત્તા હાંસલ કરતા હતા. ઘણા સમય સુધી આમ ચાલ્યું પરંતુ હવે રાજકારણ એ એક વ્યવસાય બની ગયો છે. જે રીતે દરેક વ્યવસાયમાં આઉટસોર્સિંગથી પ્રોફેશનલને ભાડે લઈને વ્યવસાયને આગળ વધારવામાં આવે છે તેવી જ રીતે હવે રાજનીતિમાં પણ પ્રોફેશનલોની બોલબાલા વધી રહી છે. રાજકારણમાં પ્રોફેશનલનો ઉપયોગ કરવાની શરૂઆત ભાજપે કરી હતી. પ્રોફેશનલના સહારે જેવી રીતે ભાજપે એક પછી એક વિવિધ રાજ્યો અને છેલ્લે કેન્દ્રમાં પણ સતત બે ટર્મથી સત્તા મેળવી હોવાથી હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે ચાલી રહી છે. જે પ્રશાંત કિશોરનો ભાજપે પ્રોફેશનલ તરીકે ઉપયોગ કર્યો તે જ પ્રશાંત કિશોરનો ઉપયોગ હવે કોંગ્રેસ કરવા જઈ રહી છે. ઘણા સમયથી આ મથામણ ચાલી રહી છે અને હવે તે ધીરેધીરે સ્પષ્ટ થઈ રહ્યુ છે કે પ્રશાંત કિશોર ઉર્ફે પીકે કોંગ્રેસમાં જોડાઈ જશે. પીકે માટે એક અલગ હોદ્દો પણ કોંગ્રેસમાં ઊભો કરવામાં આવશે.

રાજકારણ ધીરેધીરે હવે મોટા યુદ્ધ સમાન થઈ ગયું છે. હરિફ પાર્ટીને કેવી રીતે ચૂંટણીમાં પાડી દેવી? કેવી રીતે સતત કાર્યકરોને દોડતા રાખવા? કયા મુદ્દાથી લોકો આકર્ષાશેથી માંડીને હાલના સોશિયલ મીડિયાના યુગમાં કેવી રીતે મતદારોને લોભાવી શકાશે તે પ્રોફેશનલ નક્કી કરે છે. આ માટે મતદારોની માનસિકતાનો અભ્યાસ કરીને પ્રોફેશનલ દ્વારા એક સિસ્ટમ ઊભી કરવામાં આવે છે અને તેના દ્વારા હરિફોને હરાવીને ચૂંટણીમાં સત્તા હાંસલ કરવામાં આવે છે. આ કારણે જ કોંગ્રેસે પણ હવે આ રસ્તા ચાલવાનું નક્કી કર્યું છે.

આમ તો પીકે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાની ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ હવે પીકે કોંગ્રેસમાં આગામી દિવસોમાં રણનીતિકાર તરીકે જોડાશે તે નક્કી થઈ ગયું છે. પીકેને પોતાની સાથે જોડીને એક રીતે કોંગ્રેસ પ્રયોગ જ કરી રહી છે તો કોંગ્રેસ સાથેનું જોડાણ પીકે માટે પણ એક મોટો પડકાર જ બની રહે તેમ છે. કારણ કે કોંગ્રેસની હાલત રાજકીય રીતે હાલમાં ખરાબ છે. હિન્દુ-મુસ્લિમના રાજકારણમાં કોંગ્રેસ ખરાબ રીતે અટવાઈ ગઈ છે અને જો પીકે કોંગ્રેસને બહાર નહીં કાઢી શકે તો તે પીકેની કારકિર્દી માટે પણ પુર્ણવિરામ સમાન બની જશે.

એવું માનવામાં આવે છે કે પીકેને કોંગ્રેસમાં સંગઠનમંત્રી જેવો હોદ્દો આપવામાં આવી શકે છે. જેના દ્વારા પીકે કોંગ્રેસમાં રણનીતિ ઘડવાથી માંડીને સંગઠનને મજબુત બનાવવા માટે ધ્યાન આપી શકે. આ ઉપરાંત પીકે અન્ય પક્ષો સાથેના ગઠબંધનમાં પણ મોટી ભૂમિકા ભજવશે. કોંગ્રેસની હાલની જો કોઈ સૌથી મોટી નબળાઈ હોય તો તે નબળું સંગઠન છે. ભાજપના કાર્યકરો બુથ અને છેક પેજ સુધી છે. જ્યારે કોંગ્રેસના કાર્યકરો બુથ સુધી પણ નથી. પીકે માટે પહેલો પડકાર કોંગ્રેસમાં સંગઠનને મજબૂત કરવાનો રહેશે.

જે રીતે ભાજપે ભૂતકાળમાં જે બેઠક પર તેઓ મજબૂત છે તેની પર ધ્યાન આપ્યું હતું તેવી જ રીતે કોંગ્રેસ પણ જે બેઠક પર તે મજબૂત સ્થિતિમાં છે તેની પર ધ્યાન આપશે. પીકે દેશભરમાં કોંગ્રેસ માટે આશરે 350 જેટલી સીટ પર ધ્યાન આપશે. જ્યારે બાકીના સીટ ગઠબંધન પાર્ટીને આપી દેશે. પીકેનો ઈરાદો કોંગ્રેસમાં પાર્ટીના માળખાના બદલાવનો પણ છે. પીકે દ્વારા આઠ રાજ્યોમાં કામ કરવામાં આવ્યું હોવાથી તે કોંગ્રેસ માટે ફાયદાકારક બની શકે તેમ છે. જે રીતે પીકેના વિચારો છે તે પ્રમાણે કોંગ્રેસમાં આગામી દિવસોમાં મોટો ફેરફાર જોવા મળશે.

જોકે, એ હકીકત છે કે ભાજપે કોમવાદને રાષ્ટ્રવાદ સાથે જોડી દઈને એવું સ્વરૂપ આપી દીધું છે કે કોંગ્રેસ આ જાળમાં ફસાઈ ગઈ છે. મતદારોના મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરે છે અને આ મુસ્લિમો દ્વારા આતંકવાદ ફેલાવવામાં આવે છે. કોંગ્રેસને સફળ બનાવવી હોય તો પીકેએ કોંગ્રેસની આ ઊભી કરવામાં આવેલી ઈમેજ તોડવી પડશે. એક સમયે સામાજિક અને સહકારી ક્ષેત્રે મજબૂત રહેલી કોંગ્રેસને ભાજપે સામાજિક અને સહકારી, બંને ક્ષેત્રે એવી રીતે માત આપી છે કે, કોંગ્રેસને બેઠા થવામાં સમય લાગશે.

પીકે આ સમયને કેટલો ઘટાડી શકે છે તેની પર તમામ આધાર છે. કારણ કે બે જ વર્ષમાં લોકસભાની ચૂંટણી આવનાર છે. કોંગ્રેસમાં બીજી સૌથી મોટી સમસ્યા એ છે પક્ષમાં કાર્યકરો ઓછા અને નેતાઓ વધારે છે. અનેક નેતાઓ સ્વછંદી છે. સ્વછંદીપણાને કારણે નેતાઓ કેડરબેઈઝ માળખું તૈયાર થવા દેતા નથી. પીકેએ આ નેતાઓને કાબુમાં કરવા પડશે. કોંગ્રેસ નેતાગીરીએ આ નેતાઓને કાબુમાં લેવા પડશે. જો કોંગ્રેસ તેમ નહીં કરી શકે તો પીકે પણ કોંગ્રેસને બચાવી શકશે નહીં તે નક્કી છે.

Most Popular

To Top