Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) મ્યુકરમાઇકોસિસના રોગ માટે હવે રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકારે સુરતમાં 1 લાખ ઇન્જેકશન આપવાનું જણાવ્યું છે. આગામી દિવસોમાં આ ઇન્જેકશનનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવશે. મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે સ્મીમેર હોસ્પિટલમાંથી ઇન્જેકશન મળી રહેશે.

કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસના રોગએ આતંક મચાવ્યો છે. માત્ર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ 150 થી વધુ કેસો છે, જ્યારે શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અંદાજીત આંકડો જોવામાં આવે તો શહેરમાં 1500 થી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસો જોવા મળી રહ્યા છે. આ પૈકી કેટલાક દર્દીઓએ જીવ પણ ગુમાવ્યો છે. જેવી રીતે કોરોનામાં રેમેડીસીવીર એ સંજીવની સમાન જડીબુટ્ટી હતી તેવી જ રીતે હવે મ્યુકોરમાઇકોસિસ રોગમાં એમ્ફેટોરીસીન-બી ઇન્જેકશન સંજીવની સમાન બની છે. પરંતુ સુરતમાં આ ઇન્જેકશનની ખુબ જ અછત જોવા મળી રહી છે.

જ્યારથી સિવિલમાં મ્યુકરમાઇકોસિસના રોગો જોવા મળ્યા ત્યારથી સિવિલ તંત્રએ રાજ્ય સરકાર પાસે 2000 ઇન્જેકશનની માંગણી કરી હતી પરંતુ અત્યાર સુધીમાં અંદાજે 1000 જેટલા ઇન્જેકશનો આવ્યા છે. પંરતુ હાલમાં સુરતમાં મ્યુકોરમાઇકોસિસના કેસો પણ વધતા જાય છે જેને લઇને વધારે ઇન્જેકશનની માંગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં સુરત શહેરમાં અંદાજીત 1 લાખ જેટલા ઇન્જેકશનો આવવાની શક્યતા છે. જેમાંથી 90 હજાર ઇન્જેકશન સુરત શહેર અને 10 હજાર ઇન્જેકશન ગ્રામ્ય વિસ્તાર માટે મોકલવામાં આવશે.

પ્રાઇવેટમાં દાખલ દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાંથી ઇન્જેકશન મળી શકશે
રાજ્ય સરકાર દ્વારા મ્યુકરમાઇકોસિસને લઇને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશન મળતા હતા. પરંતુ હવે રાજ્ય સરકારે નિર્ણય લઇને તમામ મહાનગરપાલિકા સંચાલીત હોસ્પિટલમાંથી ઇન્જેકશન ફાળવવા જણાવાયું છે. સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાંથી મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશનો મળી રહેશે. આ માટે સ્મીમેર હોસ્પિટલમાં જ એક કમીટી તૈયાર કરીને તેઓ તમામ ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ જરૂરી ઇન્જેકશન ફાળવશે. આ કમીટીમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હશે અને સ્મીમેરના ડોક્ટરી સ્ટાફની સાથે ઇન્જેકશન ફાળવવામાં આવશે.

ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગ ને મહામારી જાહેર કરવામાં આવેલો છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સ નું પાલન કરવાનું રહેશે. આ રોગ ના શંકાસ્પદ તેમજ કનફ્રમ કેસોની વિગતો ભારત સરકાર ને સમયાંતરે મોકલવાની રહેશે.

To Top