Madhya Gujarat

મોડાસા પોલીસ અને ARTOની સરાહનીય કામગીરી

મોડાસા: મોડાસા – હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પર ગાઢ અંધારું અને વરસાદના પગલે શામપુર પાટીયા નજીક બાઈક ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મોડાસા એઆરટીઓ ઘરે જતા હતા ત્યારે રોડ પર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન પડેલા બાઈક ચાલકને જોતાં તેમણે બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડવા પસાર થતા વાહન ચાલકોની મદદ ન મળતા આખરે રૂરલ પીઆઇ પાસે મદદ માંગતા સરડોઈ ઓપીના પોલીસકર્મીઓને ઘટનાસ્થળે મોકલી ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે દવાખાને ખસેડતા બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

સાબરકાંઠા જીલ્લાના કેસરપુરા ગામના બાબુસિંહ સોમસિંહ પરમાર બાઈક લઇ નીકળ્યા હતા. મોડાસાના શામપુર નજીકથી પસાર થતા સમયે વાવાઝોડાની અસરના પગલે ગાઢ અંધારામાં વરસાદ પણ શરુ થતા આગળ જઈ રહેલો ટ્રક ન દેખાતા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાયા હતા.

અકસ્માત સર્જાતા બાઈક ચાલક બાબુસિંહના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન હાલતમાં બાઈક સાથે રોડ પર પડી રહ્યા હતા, ત્યારે મોડાસામાં એઆરટીઓ તરીકે ફરજ બજાવતા વિપુલ દેસાઈ ત્યાંથી પસાર થતા અંધારામાં બેભાન હાલતમાં પડેલા બાઈક ચાલકને જોતા ઉભા રહી ગયા હતા.

બાઈક ચાલકને સારવાર માટે દવાખાને લઇ જવા રોડ પરથી પસાર થતા વાહનચાલકો પાસે મદદ માંગતા વાહન ચાલકો મદદ માટે તૈયાર ન થતા તેમણે મોડાસા રૂરલ પીઆઈ તોમરને સમગ્ર ઘટના અંગે જાણ કરતા નજીક સરડોઇ ઓપીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઘટના સ્થળે મદદ માટે મોકલી આપી ઈજાગ્રસ્ત બેભાન અવસ્થામાં પડી રહેલા બાઈક ચાલકને તાબડતોબ નજીક મેઢાસણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. તબીબોની સઘન સારવાર સમયસર મળી રહેતા બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાની જાણ બાઈક ચાલકના પરિવારજનોને થતા દવાખાને પહોંચ્યા હતા અને એઆરટીઓ વિપુલ દેસાઈ અને મોડાસા રૂરલ પોલીસ કર્મચારીઓની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top