What’s Hot

More Posts

   The Latest

Most Popular

શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા છબરડા બાદ ભૂલ સુધારી : પરિપત્ર જાહેર કર્યો

જાહેર રજા ના દિવસે પણ પરીક્ષાનું સમયપત્રક તૈયાર થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

( પ્રતિનિધિ )વડોદરા,તા.5

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વધુ એક છબરડો સામે આવ્યો છે. વર્ષ 2026માં લેવાનારી બોર્ડની પરીક્ષાનું સમય પત્રક જાહેર રજા જોયા વગર જ જાહેર કરી દેવામાં આવ્યું હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.

વર્ષ 2026માં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પેપર જાહેર રજાના દિવસે જ રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પહેલી વખત આ પ્રકારની ભૂલ કરવામાં આવી નથી, અગાઉ પણ વર્ષ 2023માં ચેટીચાંદના પર્વના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રજૂઆતના આધારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે, હવે આગામી વર્ષે પણ ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. નોંધનીય છે કે, ચાર માર્ચે ધુળેટી હોવા છતાં બોર્ડની પરીક્ષાનું પેપર ગોઠવવામાં આવ્યું છે. ચાર માર્ચે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર ધોરણ 12નું સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ, અર્થશાસ્ત્ર, નામાના મૂળતત્વોનું બોર્ડનું પેપર રાખવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાર માર્ચે જીવ વિજ્ઞાનનું પેપર લેવાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે, હવે ફરીથી અગાઉ જાહેર કરાયેલા ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવશે ? નોંધનીય છે કે, ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરુ થશ અને 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરુ થશે અને 13 માર્ચ સુધી યોજાશે.

4 માર્ચે આયોજન કરાયેલુ પેપર હવે વિદ્યાર્થીઓએ ધોરણ આધારે 16-17-18 માર્ચે લેવાશે :

ધુળેટીના 4 માર્ચના રોજ આયોજન કરાયેલા ધોરણ 10-12ની પરીક્ષાના પેપર માટે અન્ય તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 4 માર્ચે આયોજન કરાયેલુ પેપર હવે વિદ્યાર્થીઓએ તેમના ધોરણ આધારે 16-17-18 માર્ચ, 2026ના રોજ આપવાનું થશે. આ મામલે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલી અને વિદ્યાર્થીને નોંધ લેવા જણાવ્યું છે.

To Top